દિલ્હીના જહાંગીરપુરીમાં જૂની અને જર્જરિત ઈમારત ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત થયા છે. ત્રણ માળની ઈમારત ધરાશાયી થવાને કારણે હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે, જેના માટે રાહત કાર્ય હજુ ચાલુ છે.
અધિકારીઓએ જણાવ્યું કે હજુ પણ કેટલાક લોકો કાટમાળ નીચે ફસાયેલા હોઈ શકે છે અને તેમને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલીસે અગાઉ કાટમાળમાંથી એક મહિલા સહિત બે મૃતદેહ બહાર કાઢ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટનામાં ત્રીજા મૃતકનું નામ મુકેશ કુમાર (45) છે, જે ઘાયલ થયો હતો અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
તેમણે કહ્યું કે જે ત્રણ માળની ઈમારત પડી તે કપડાની ફેક્ટરી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, "બિલ્ડીંગ જ્યારે પડી ત્યારે તેની અંદર સમારકામનું કામ ચાલી રહ્યું હતું." દિલ્હી ફાયર સર્વિસ (DFS)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમને લગભગ 12.51 વાગ્યે ઇમરજન્સી કોલ આવ્યો હતો જેના પગલે પાંચ ફાયર ટેન્ડરોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. એક વર્ષ પહેલા પણ આ ફેક્ટરીમાં રિપેરિંગનું કામ કરવામાં આવ્યું હતું, પરંતુ તેમ છતાં ફેક્ટરીના ત્રણેય માળ પર અલગ-અલગ કામ કરવામાં આવી રહ્યું હતું. રિપેરિંગ કામ દરમિયાન ઈમારતનો આગળનો ભાગ ધરાશાયી થઈ ગયો અને ત્યાં કામ કરી રહેલા લગભગ 6 થી 7 લોકો કાટમાળ નીચે દબાઈ ગયા.
ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને રાહત કાર્ય શરૂ કર્યું અને ચાર લોકોને કાટમાળમાંથી બહાર કાઢીને બાબુ જગજીવન રામ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. કાટમાળ હટાવવાની કામગીરી હજુ ચાલુ છે અને સમગ્ર વિસ્તારમાં અરાજકતાનો માહોલ છે.