જિગર દેવાણી, નિકેત સંઘાણી- અમદાવાદ/ એક તરફ ગાંધીના ગુજરાતમાં લિકર પર પ્રતિબંધ છે. ત્યારે બીજી તરફ ગુજરાતમાં હવે દારૂ બાદ ડ્રગ્સનું દૂષણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન ડ્રગ્સના દૂષણને ડામવા પણ અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે અમદાવાદ એસ.ઓ.જી પોલીસ દ્વારા ડ્રગ્સના જથ્થા સાથે એક યુવતીની ધરપકડ કરી છે. યુવતીના મિત્ર પાસેથી પોલીસને દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે. પોલીસે યુવક અને યુવતીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગનો મોટો જથ્થો પકડવાની ઘટનાઓ જોવા મળી રહી છે. ત્યારે એક સળગતો પ્રશ્ન સામે આવી રહ્યો છે કે ડ્રગ્સ મુક્ત ગુજરાત ક્યારે !
સતત ઝડપાઇ રહ્યું છે ડ્રગ્સ
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી) અને ભારતીય નૅવીએ બે મહિના અગાઉ પોરબંદરના દરિયા કાંઠે લગભગ 3,300 કિલોગ્રામ ડ્રગ પકડયું છે. સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ પ્રમાણે ભારતીય નૅવીએ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની મદદથી એક સંદિગ્ધ બોટને પકડી હતી. આ બોટમાંથી લગભગ 3,300 કિલોગ્રામ પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. ઇન્ડિયા ટુડે મીડિયાના એક અહેવાલ પ્રમાણે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ જથ્થાની કિંમત લગભગ 2,000 કરોડ રૂપિયાથી પણ વધારે આંકવામાં આવી રહી છે.
આજે જ અમદાવાદમાં ડ્રગ્સના જથ્થા સાથે વધુ એક યુવતી પકડાય છે. અમદાવાદ એસ.ઓ.જી પોલીસ દ્વારા નરોડા વિસ્તારના હંસપુરામાં આવેલી શંખેશ્વર ટાઉનશીપ માંથી જ્યોતિબાલા પ્રજાપતિ નામની યુવતીને 8 ગ્રામ થી વધુની 83,000 ની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સનાં જથ્થા સાથે પકડી પાડવામાં આવી છે, તેમજ યુવતીનો મિત્ર જીતેન્દ્ર પટેલને પણ દારૂ તેમજ બિયરની બોટલો સાથે પકડવામાં આવ્યા છે. પોલીસે બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સવાલ એ છે કે ગુજરાતમાં ક્યાંથી પહોંચાડાય છે ડ્રગ?
નોંધનીય છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાતમાં રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરની વિવિધ એજન્સીઓએ ડ્રગ્સના મોટા મોટા જથ્થા પકડ્યા છે. આ પૈકી મોટા ભાગની કાર્યવાહી ગુજરાતના દરિયાકાંઠાવાળા વિસ્તારોમાં કરાઈ છે. જેમાં, કચ્છ, જામનગર, સૌરાષ્ટ્રનાં અન્ય કેટલાંક સ્થળો અને દક્ષિણ ગુજરાતનાં સ્થળો સામેલ છે. વર્ષ 2023માં કચ્છના ગાંધીધામથી 30 કિમીના અંતરે આવેલ મીઠી રોહર ગામના દરિયાકાંઠેથી સ્થાનિક પોલીસને 80 કિલો કોકેઇન મળી આવ્યું હતું. આ પહેલા વર્ષ 2021માં મુંદ્રા બંદર ખાતેથી નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) દ્વારા લગભગ 21 હજાર કરોડ રૂપિયા મૂલ્યનું ત્રણ હજાર કિલોગ્રામ ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. આ પહેલાં અને પછી પણ આ સિલસિલો ચાલુ રહ્યો હતો. નોંધનીય છે કે ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ડ્રગ્સ પકડાયાની ઘટનાઓને ગુજરાતમાં સુરક્ષા દળોની અને સરકારી ડ્રગ્સ સામેની કઠોરની નીતિની કામયાબી ગણાવે છે. હવે જ્યારે ગુજરાતમાં આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાઈ રહ્યું છે ત્યારે એ પ્રશ્ન જરૂર ઊઠે છે કે આખરે ડ્રગ્સનો આટલો મોટો જથ્થો ગુજરાતના દરિયાકાંઠે કેવી રીતે પહોંચે છે અને એ કોણ મંગાવે છે? ગુજરાતમાં તાજેતરના સમયમાં જે કોઈ ડ્રગ્સની રિકવરી થઈ છે, તેનાં મૂળ પાકિસ્તાન, અફઘાનિસ્તાન કે ઈરાન સાથે હોવાનો દાવો સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવ્યો છે. ડીઆરઆઈનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તપાસમાં અફઘાન નાગરિકોનાં નામ પણ બહાર આવી રહ્યાં છે અને તેમના વિશે પણ તપાસ હાથ ધવામાં આવી હતી.
સુરક્ષા એજન્સી સાથે સંકળાયેલા લોકો અફઘાનિસ્તાનમાં સત્તાપરિવર્તનને કારણે ડ્રગ્સની હેરફેરમાં વધારો થયો છે કે કેમ તેને નજીકથી જોઈ રહ્યા છે. તાલિબાન માટે અફીણના ખેડૂતો પાસેથી ખંડણી તથા હેરફેર કરનારા પાસેથી રકમની વસૂલાત આવકનો મુખ્ય સ્રોત છે. યુનાઇટેડ નૅશન્સ ઑફિસ ઑન ડ્રગ્સ ઍન્ડ ક્રાઇમના રિપૉર્ટ પ્રમાણે, વિશ્વમાં અફીણના કુલ ઉત્પાદનમાંથી 80 ટકા ઉત્પાદન અફઘાનિસ્તાનમાં થાય છે. જેમાં શુદ્ધિકરણ દ્વારા હેરોઇન સહિતના આદત પડી જાય તેવા નશાકારક પદાર્થ બનાવી શકાય છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા જો કોઈ વ્યક્તિ પાસેથી પાંચ ગ્રામ સુધીનું હેરોઇન પકડાય તો તેને 'ઓછો જથ્થો' માનવામાં આવે છે. જ્યારે અઢીસો ગ્રામ કે તેથી વધુના જથ્થાને મોટો જથ્થો માની તેમાં વેપારનું તત્ત્વ હોવાનું માનવામાં આવે છે.
અગાઉ ગુજરાતના સલાયા, ઓખા, અને માંડવી જેવાં સૌરાષ્ટ્રનાં બંદરો ઉપર સોનું, ઘડિયાળો કે ઇલેક્ટ્રૉનિક સામાન દાણચોરીથી લાવવામાં આવતો હતો. જે માટે 'ધાવ' તરીકે ઓળખાતા નાના દેશી જહાજનો ઉપયોગ હતો. વર્ષ 1993માં પોરબંદરના ગોસાબારા બંદર ખાતે આરડીએક્સ તથા હથિયારોની ખેપ ઊતરી હતી, જેનો ઉપયોગ તત્કાલીન બૉમ્બેમાં વિસ્ફોટો કરવા માટે થયો હતો. છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતનો ઉપયોગ ટ્રાન્ઝિટ રૂટ તરીકે કરવામાં આવે છે. અગાઉ કચ્છ, પંજાબ અને રાજસ્થાનની સરહદો ઉપર સુરંગ કે પાઇપ વાટે નશાકારક પદાર્થો દેશમાં ઘુસાડાતા. ગુજરાત 1600 કિલોમીટર જેટલો દરિયાકિનારો ધરાવે છે, જે દેશમાં સૌથી લાંબો છે. લગભગ 30 હજાર કરતાં વધુ બોટ તથા નાનાં જહાજો ગુજરાતમાં નોંધાયેલાં છે. આથી, ખુલ્લા દરિયામાં આંતરરાષ્ટ્રીય જળસીમામાં તેમની પ્રવૃત્તિઓ ઉપર નજર રાખવી મુશ્કેલ બની રહે છે. સુરક્ષા એજન્સીઓ, નૅવી, કૉસ્ટગાર્ડ વગેરે મળીને માછીમારી સમુદાયમાં બાતમીદારોના નેટવર્ક, દરિયામાં સામાન્ય રીતે વપરાશમાં લેવામાં આવતી રેડિયો ફ્રિક્વન્સી પર નજર રાખે છે અને કેન્દ્રીય ગુપ્તચર સંસ્થાઓની બાતમીના આધારે, ભારત તરફ આવતો જથ્થો આંતરવાના પ્રયાસો કરે છે.
વિધાનસભામાં જાહેર થયેલા આંકડા
જ્યારે છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાંથી કુલ 5338 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. તેમણે વધુમાં આંકડા રજૂ કરતા દ્રારકામાંથી બે વર્ષમાં રૂપિયા 1 લાખ 76 હજારનું MD ડ્રગ્સ ઝડપાયું છે. દ્રારકામાંથી કુલ રૂપિયા 2 લાખ 40 હજારથી વધુ કિમંતના કફ સીરપના 1622 નંગ જપ્ત કરાયા છે. સાથો સાથ દ્રારકામાં 15,વડોદરા શહેર અને ગ્રામ્યમાંથી 87 લોકોની ધરપકડ કરાઇ છે. વડોદરા શહેરમાંથી રૂપિયા 56 લાખ 32 હજારથી વધુનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું. વડોદરા ગ્રામ્યમાંથી રૂપિયા 25 લાખ 37 હજારથી વધુનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયુ જ્યારે દ્વારકા નજીક સમુદ્ર બોર્ડર હોવાથી તેને વિજિલન્ટ એરિયા તરીકે રખાયો છે. વિધાનસભા ગૃહમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના સવાલ પર ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આંકડા સહિતનો જવાબ રજૂ કર્યો હતો.
ડ્રગ્સના દૂષણને લઈ tv13 gujarati દ્વારા ડૉ. રાજેન્દ્ર આનંદ કે જે M. D. સાઈક્રેટિસ્ટ છે આ સાથે તે ડીએડિક્શન સ્પેશિયાલિસ્ટ છે. તેમની સાથે વાત કરવામાં આવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 3 થી 4 વર્ષમાં ડ્રગ્સના દર્દીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પહેલા આલકોલિક દર્દીઓ સામાન્ય રીતે વધારે જોવા મળતા હતા. પરંતુ છેલ્લા 3 થી 4 વર્ષમાં 25 થી 30 ટકા ડ્રગ્સ એડિક્ટેડ દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે.
ડૉ. રાજેન્દ્ર આનંદે કહ્યું કે, ડ્રગ્સના દૂષણ સામે જનતા એ જાગરૂકતા દાખવવાની જરૂર છે. બજી તરફ 15 થી 25 વર્ષના બાળકોમાં ડ્રગ્સનું સેવન વધ્યું છે. જે ચિંતાજનક છે. યુવાન કોલેજમાં પ્રવેશે છે ત્યારે પહેલા સિગારેટનું વ્યસન કરે છે. અને ત્યાર બાદ તે ગુપમાં ભળે છે અને ધીરે ધીરે તે ચરસ અને ગાંજાના રવાડે ચડે છે. ત્યાર બાદ બ્રાઉન સુગર અને ડ્રગ્સના રવાડે ચડે છે જે ખ મોંઘું હોવાથી ગ્રુપમાં લેવામાં આવે છે. આ એક ચેઈન છે. જેને તોડવા માટે વાલીઓ એ જાગૃત થવું જોઈએ. પોતાનું બાળક કોલેજમાં શું કરે છે અને તેન સંગત કેવી છે.
ડ્રગ્સથી મુક્તિ માટે શું કરવું ?
ડ્રગ્સ એક એવ આદત છે જે છોડવી આસન નથી પણ અશક્ય પણ નાથી ત્યારે aઆ મામલે ડૉ. રાજેન્દ્ર આનંદે કહ્યું કે ડ્રગ્સની આદત છોડવા માટે મોટીવેશન ખૂબ જરૂરી છે. પરંતુ આ સાથે સાઈક્રેટિસ્ટની સલાહ લેવી પણ ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત વ્યસનમુક્તિ કેન્દ્રમાં એડમિટ થવું જોઈએ.
ડ્રગ્સ મુક્ત ગુજરાત ક્યારે ?
આજે એક તરફ ગુજરાત તરફ દેશને અનેક આશાઓ છે. ગુજરાતને મોડલ તરીકે વિકસિત કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં સતત ડ્રગ્સ ઝડપાઇ રહ્યું છે. પરંતુ ડ્રગ્સ સપ્લાય કરનાર આ મોટા માથાઓ સુધી ક્યારે પહોંચાશે. અને ડ્રગ્સના દૂષણને ડામવા ક્યારે તંત્ર સફળ થશે એ મહત્વનો સવાલ છે.