પોલીસ ભરતીમાં ફીઝીકલ ટેસ્ટ પાસ કરનાર યુવતી જીંદગીની પરીક્ષામાં હારી, સાસરિયાના ત્રાસથી કર્યો આપઘાત
લગ્નનાં થોડા સમય બાદથી પતિ, સાસુ અને જેઠ સહિતનાં સાસરિયાઓ સતત યુવતીને ત્રાસ ગુજારતા હોવાથી કંટાળીને ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો.
ભાવેશસિંહ રાજપુત, અમદાવાદ
અમદાવાદનાં સરખેજ વિસ્તારમાં 24 વર્ષીય યુવતીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. લગ્નનાં થોડા સમય બાદથી પતિ, સાસુ અને જેઠ સહિતનાં સાસરિયાઓ સતત ત્રાસ ગુજારતા હોવાથી કંટાળીને ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જે મામલે યુવતીનાં પિતાએ દિકરીનાં સાસરિયાઓ સામે આત્મહત્યા દૂષ્પ્રેરણાનો ગુનો નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. મહત્વની વાત તો એ છે કે આપઘાત કરનાર યુવતી પોલીસ ભરતીની તૈયારી કરતી હતી અને ફીજીકલ ટેસ્ટમાં પાસ પણ થઈ ચુકી હતી.
7 મહિનાં પહેલા જ થયા હતા લગ્ન
અમદાવાદનાં સરખેજમાં રહેલા 48 વર્ષીય મોતીભાઈ મકવાણાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. તેઓને સંતાનમાં 4 બાળકો છે. જેમાં 24 વર્ષીય દિકરી ભુમિ મકવાણાનાં લગ્ન ગત 10 મે 2024નાં રોજ પંકજ વેગડા નામનાં યુવક સાથે થયા હતા. ગત 3 જાન્યુઆરી 2025નાં રોજ ફરિયાદી ઘરે હાજર હતા ત્યારે ભુમિએ તેનો ફોન રીપેરીંગ કરાવી આપવાનું કહ્યું તેઓ ફોન લઈને રીપેર કરાવવા ગયા હતા. સાંજનાં પાંચ વાગે આસપાસ પાડોશમાં રહેતા દેવુબેને ફોન કરી તેઓને ઘરે બોલાવ્યા હતા જ્યાં તેઓ ઘરે પહોંચતા ભુમિએ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ તેઓએ દિકરીની અંતિમવિધિ પૂર્ણ કરી હતી.
વીડિયો કોલ પર જોતા જમાઈ દિકરીને મારતો હતો
ભુમિનાં લગ્ન 10 મે 2024નાં રોજ થયા હતા, જે બાદ 8 ડિસેમ્બર 2024નાં રોજ ભુમિની સાસરીમાંથી તેનાં પિતાને વીડિયો કોલ આવ્યો હતો જેમાં ભુમિનાં સસરા અરજણભાઈએ તેઓને જણાવ્યું હતું કે તમારી દિકરીનાં ત્રાસથી મને પેરાલીસીસી થઈ ગયું છે, તે વખતે ફરિયાદીને કોલ પર દિકરીની ચીંસો સભળાતી હતી, ભુમિનાં પતિ પંકજે તેની બોચી પકડી હોવાનું તેઓએ વીડિયો કોલમાં જોયું હતું. જે બાદ ફરિયાદીએ દિકરીનાં ઘરે આવવાની વાત કરતા તેનાં સસરાએ તેઓ મોતીભાઈનાં ઘરે આવે છે તેવુ કહી ફોન મુકી દીધો હતો. થોડી વાર પછી પંકજ ભુમિને લઈને આવ્યો હતો અને અગાઉ પણ આ રીતે બે વાર તે ભુમિને મુકી ગયો હોવાથી તેઓનો જમાઈ સાથે ઝઘડો થયો હતો.
જમાઈએ મકાન લેવામાં મદદ કરવાનું કહ્યું
જે સમયે પંકજે તેઓને જણાવ્યું હતું કે ઘરમાં મારી માતા કહે તેટલુ જ થશે, તમે તમારી બીજી દીકરીને મકાનમાં મદદ કરી છે તો મને પણ અલગથી મકાન લઈ આપો, જ્યાં હું ભુમિ સાથે એકલો રહીશ. જે બાદ મોતીભાઈએ જમાઈને પરિવાર સાથે ભુમિને તેડવા આવશે તો જ તેને પાછી સાસરીમાં મોકલીશ તેવુ જણાવ્યું હતું.
પતિનાં અન્ય યુવતી સાથે હતા આડાસંબંધ
ભુમિએ પિતાને જણાવ્યું હતું કે તેનાં સસરા, સાસુ અને જેઠ અવારનવાર તેને નાની નાની વાતે ત્રાસ આપતા હતા. ઘરમાં ફ્રુટ લાવે તો પણ તેને આપતા ન હતા. અને તે ફોન પર વાત કરે તો પણ બાજુમાં બેસી રહેતા હતા. તેનાં પતિ પણ બીજી છોકરી સાથે સંબંધ રાખતા હતા અને ભુમિ તેનો વિરોધ કરો તો તેની સાથે ઝઘડો કરતો હતો. પંકજ તે યુવતીને બહેન હોવાનું કહીને લાવતો અને તેની સાથે ગાર્ડનમાં વોક માટે જતો તેમજ ટ્યુશનમાં પણ સાથે જતો હતો. ભુમિએ પતિ પંકજને ઘણી વાર ફોનમાં ચેટ અને વાત કરતા જોયો હોવા છતાં તે આ બધુ બંધ કરતો ન હતો. અને તેનો ફોન પણ લઈ લીધો હતો.
જેઠે છુટાછેડા માટે 30 લાખ રૂપિયા માંગ્યા
તેમજ ભુમિને તેનાં જેઠ કહેતા હતા કે તારે સામેથી છુટાછેડા લેવા હોય તો સમાજનાં રીવાજ મુજબ 30 લાખ રૂપિયા અમે લઈશું. જે બાદ 10 ડિસેમ્બર 2024નાં રોજ ફરિયાદી નાની દિકરીના આણા માટે પરિવાર સાથે આમંત્રણ આપવા ભુમિનાં સાસરે ફોન કરતા ભુમિની સાસુ પુરીબેને તેની ફરિયાદો કરી હતી, જેથી તેઓએ ભુમિ સાથે વાત કરાવવાનું કહેતા ભુમિનો છોડી દો, છોડી દો તેવો અવાજ સંભળાતો હતો. જેથી તેઓઓ જમાઈ બીજી છોકરીઓ સાથે વાત કરતો હોવાનું કહેતા ભુમિની સાસુએ ભુમિ બીજી વાતો કરી ઝઘડો કર્યો હતો. જે બાદ મોતીભાઈ દિકરીનાં ઘરે ગયા ત્યારે પણ તેનાં સસરાએ પોતે એજ્યુકેટેડ પરિવારનાં હોવાનુ કહીનો ટોણા માર્યા હતા.
માર મારતા યુવતીની તબીયત બગડી
ભુમિ મંદબુદ્ધીની છે તેવું કહીને ઝઘડો કર્યો હતો. જે સમયે ભુમિએ તેની માતા અને બહેનને તેનાં સાસરિયા ખૂબ હેરાન કરતા હોવાનું જણાવી પીયરમાં આવવાનું કહ્યું હતું. ફરિયાદી ઘરે જતા હતા ત્યારે ભુમિનાં સાસુએ ફોન કરી ભુમિની તબીયત બગડી હોવાનું જણાવતા તેઓ પાછા આવ્યા અને ભુમિને દવાખાને લઈ ગયા હતા. જ્યાં પણ ભુમિનાં પતિ પંકજ અને સાસુએ ઝઘડો કરતા ભુમિએ પિતાને જતા રહેવા કહ્યું હતું.
પોલીસ ભરતીમાં ફીઝીકલ ટેસ્ટમાં થઈ પાસ
ભુમિએ પોલીસ ભરતીમાં ફોર્મ ભર્યું હતુ અને રાજકોટ ખાતે ફીઝીકલ ટેસ્ટ આપતા તેમાં પાસ પણ થઈ હતી. જોકે તેનાં સાસરીયાઓએ તેનું ઘોરણ 10નું પાસ કર્યાનું સર્ટીફિકેટ પણ ક્યાંક મુકી દઈ અને ખોઈ નાખ્યું હતું. ભુમિનાં સાસરિયાઓ તેને રૂમમાં પુરી દેતા કોઈ આવે તો મળવા દેતા ન હતા અને તેને લગ્નમાં મળેલા દાગીનાં પણ પડાવી લીધા હતા. જેનાં કારણે અંતે ભુમિએ 3 જાન્યુઆરી 2025નાં રોજ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. જેને લઈને તેનાં પિતા મોતીભાઈ મકવાણાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસે આત્મહત્યા દૂષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો
સરખેજ પોલીસે આ સમગ્ર મામલે આત્મહત્યા દૂષ્પ્રેરણા અને ઘરેલુ હિંસાનો ગુનો દાખલ કર્યો છે. ગુનામાં સામેલ ભુમિના પતિ પંકજ વેગડા, સાસુ પુરીબેન વેગડા અને જેઠ ઉમેશ વેગડા સામે ગુનો નોંધી ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va5h5lFLikgFQ1gJxZ2U
WhatsApp Group : https://chat.whats
app.com/L1eF5HL2qu51EIqrPVyoHB
TV13 Web : http://www.tv13gujarati.com/