લોડ થઈ રહ્યું છે...

દેશમાં 6 કરોડ મૃતકોના આધાર કાર્ડ એક્ટિવ, સુરક્ષા અને અર્થતંત્ર પર મોટો ખતરો!

image
X
ભારતની ઓળખનો સૌથી મોટો પુરાવો ગણાતો આધાર કાર્ડ હવે દેશની સુરક્ષા અને અર્થતંત્ર માટે ગંભીર ખતરો બની રહ્યો છે. એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે દેશમાં 6 કરોડ મૃતકોના આધાર કાર્ડ હજુ પણ એક્ટિવ છે. આ આંકડો સરકાર અને સામાન્ય જનતા માટે લાલબત્તી સમાન છે.

છેલ્લા ૧૫ વર્ષમાં આશરે ૮ કરોડ લોકોના મૃત્યુ થયા છે, પરંતુ તેમાંથી UIDAI દ્વારા માત્ર ૧.૮૩ કરોડ કાર્ડ જ નિષ્ક્રિય કરાયા છે. આ 6 કરોડ એક્ટિવ 'ભૂતિયા' આધાર કાર્ડનો સીધો ઉપયોગ બેંકોમાં છેતરપિંડી, ખોટા ખાતા અને સરકારી યોજનાઓમાં અબજો રૂપિયાના ગોટાળા માટે થઈ રહ્યો છે. મૃતકોના નામે પેન્શન, રાશન અને સબસિડી લેવાઈ રહી છે.

SBI માં મૃતકોના 8 લાખ ખાતા સક્રિય
આ ગોટાળા માત્ર સરકારી યોજનાઓ પૂરતા સીમિત નથી. SBI માં મૃતકોના ૮ લાખ ખાતા સક્રિય હોવાનું બહાર આવ્યું છે, જ્યારે PDS સિસ્ટમમાં પણ ૪.૫ લાખ મૃતકોના રેશન કાર્ડ ચાલુ હતા. આ ગેરરીતિઓએ આધાર સિસ્ટમની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. UIDAI એ સ્વીકાર્યું છે કે મૃત્યુ નોંધણી સિસ્ટમમાં ગંભીર ખામીઓ છે. તેમણે રજિસ્ટ્રાર જનરલ પાસેથી ડેટા મેળવી સર્વે શરૂ કર્યો છે, પરંતુ ડેટા મેચિંગમાં પણ ૪૮ લાખ નામો મેચ ન થવા જેવી મોટી ગડબડ સામે આવી છે.

UIDAI ડિસેમ્બર સુધીમાં 2 કરોડ કાર્ડ નિષ્ક્રિય કરશે
વધુમાં, આધાર ડેટાબેઝમાં ૮.૩ લાખ આધાર ધારકોની ઉંમર ૧૦૦ વર્ષથી વધુ નોંધાયેલી છે, જે શંકાસ્પદ છે અને તેની પણ તપાસ શરૂ થઈ છે. પરિસ્થિતિની ગંભીરતા જોતાં, UIDAI એ ડિસેમ્બર સુધીમાં ૨ કરોડ કાર્ડ નિષ્ક્રિય કરવાની અને ડેટાને સ્વચ્છ કરવાની કવાયત શરૂ કરી છે. જોકે, નવા ડેથ પોર્ટલ પર લોકોનો ઓછો પ્રતિસાદ આ પ્રક્રિયામાં અવરોધરૂપ બની રહ્યો છે.