એશિયા કપ 2025 માં આજે ભારત અને પાકિસ્તાન એક-બીજા સામે ટકરાશે. ભારતના ઓપરેશન સિંદૂર પછી બંને દેશો વચ્ચે આ પહેલી આંતરરાષ્ટ્રીય મેચ છે. જોકે, દેશભરના ક્રિકેટ ચાહકોના ભાગ પડી ગયા છે, એક બાજુ લોકો વિરોધ કરી રહ્યા છે, ત્યારે બીજી બાજુ લોકો ટીમ ઈન્ડિયાને સંપૂર્ણ સમર્થન આપી રહ્યા છે. આ દરમિયાન બોલિવૂડ અભિનેતા સુનીલ શેટ્ટીની પ્રતિક્રિયા પણ આવી છે.
સુનીલ શેટ્ટીએ શું કહ્યું?
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વિશે સમાચાર એજન્સી સાથે વાત કરતા અભિનેતા સુનીલ શેટ્ટીએ કહ્યું કે, 'આ એક આંતરરાષ્ટ્રીય રમત છે. તમે તેમના નિયમોથી બંધાયેલા છો. ભારતીય હોવાને કારણે આપણે આ મેચ જોવી કે નહીં, આપણે મેચ જોવા જવું કે નહીં તે આપણો વ્યક્તિગત નિર્ણય છે. આ નિર્ણય ભારતે લેવાનો છે. પરંતુ તમે ક્રિકેટરોને રમવા માટે દોષી ઠેરવી શકો નહીં.'
તમારે ન જોવી હોય તો ન જોવો, નિર્ણય તમારે લેવાનો છે: સુનીલ શેટ્ટી
અભિનેતાએ આગળ કહ્યું, 'તેઓ ખેલાડીઓ છે અને તેમની પાસેથી દેશનું પ્રતિનિધિત્વ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. મને લાગે છે કે આ નિર્ણય આપણે જ લેવાનો છે. જો હું તે જોવા ન માંગુ, તો હું તે નહીં જોઉં. તમારે શું કરવાનું છે તે તમારા પર નિર્ભર છે.'
અભિનેતા ઝાયેદ ખાને પણ આપ્યો ટેકો
સુનિલ શેટ્ટી સાથે ફિલ્મ 'મૈં હૂં ના'માં કામ કરી ચૂકેલા અભિનેતા ઝાયેદ ખાને પણ ટીમ ઈન્ડિયાને ટેકો આપ્યો છે. અભિનેતાએ કહ્યું, 'અમારી ટીમ ખૂબ જ મજબૂત છે. રમતગમતમાં કોઈ પણ પ્રકારનું રાજકારણ ન જોવું જોઈએ. ભારત 100% એશિયા કપ જીતશે.' જ્યારે અભિનેતાને પૂછવામાં આવ્યું કે શું આ મેચ રમવી જોઈએ. તો તેમણે કહ્યું, 'કેમ નહીં? રમત તો રમત છે...જે પણ સંબંધો બનાવી શકાય છે, તેને બનાવવા દો.'
મેચ ક્યારે શરૂ થશે?
એશિયા કપ 2025 ની 6ઠ્ઠી મેચ આજે એટલે કે રવિવાર 14 સપ્ટેમ્બરે દુબઈના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમય મુજબ આ મેચ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. જે કોઈ આ મેચ જીતશે તેને સુપર-4 ની ટિકિટ મળી શકે છે. આવી સ્થિતિમાં આજની મેચ ખૂબ જ મહત્વપૂર્ણ બનવાની છે. તમે આ મેચને ડીડી અને સોની સ્પોર્ટ્સ પર લાઈવ જોઈ શકો છો.