Ahmedabad: ગાડી સરખી રીતે ચલાવવાનું કહેનારા યુવકની હત્યા, ઘટનાનાં કલાકો બાદ પણ બોપલ પોલીસ અંધારામાં...

અમદાવાદનાં બોપલ વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે એક વિદ્યાર્થીની હત્યાનો બનાવ બનવા પામ્યો છે. કારના વર્ણનનાં આધારે બોપલ પોલીસ એલસીબી અને એસઓજી તપાસ શરૂ કરી છે, હત્યાના 12 કલાક બાદ પણ બોપલ પોલીસને ગાડીની ઓળખ કરવામાં નિષ્ફળ નીવડી છે.

image
X
ભાવેશસિંહ રાજપુત, અમદાવાદ/ શહેરનાં બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન સરખુ ચલાવવાનું કહેનાર વિદ્યાર્થીને બદલામાં મોત મળ્યું છે. જે મામલે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. શેલામાં આવેલી માયકા ઈન્સ્ટીટ્યૂટમાં એમબીએમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા યુવકની હત્યા થઈ છે. 
 
 મિત્ર સાથે બહાર નિકળ્યો હતો યુવક
અમદાવાદનાં બોપલ વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે એક વિદ્યાર્થીની હત્યાનો બનાવ બનવા પામ્યો છે. મૂળ યુપીનાં અને અમદાવાદનાં માયકા ઈન્સ્ટીટ્યૂટમાં એમબીએમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતો પ્રિયાંશુ જૈન તેનાં મિત્ર પૃથ્વીરાજ મહાપાત્ર સાથે રવિવારે કોલેજમાં કંપનીનું ઈન્ટરવ્યૂ હોવાથી તેના અન્ય મિત્ર ચૈતન્ય ડાકોરેનું બુલેટ લઈને સુટ સીવડાવવા ગયા હતા. જ્યાંથી વકીલ બ્રિજ પાસે નાસ્તો કરી કોલેજ જતા હતા ત્યારે સન સાઉથ સ્ટ્રીટ કોમ્પલેક્ષ પાસે પહોંચતા પ્રિયાંશુને સ્વીટ લેવી હોવાથી કેક લઈને રેન ફોરેસ્ટ ચાર રસ્તા પાસે વળવા માટે ઉભા હતા, ત્યારે એક ફોર વ્હીલ ચાલક તેની ગાડી પુરઝડપે બુલેટ પાસેથી ટર્ન લીધી હતી. જેથી પ્રિયાંશુએ હિન્દીમાં ઈતની જોર સે ક્યો ગાડી ચલા રહે હો, તેવી બુમ મારી હતી.


 કારમાંથી બે હાથમાં છરીઓ લઈ કર્યો હુમલો
બન્ને મિત્રો થોડા આગળ પહોંચતા તે કાર ચાલકે તેઓનો પીછો કર્યો હતો અને બન્ને મિત્રોને ઉભા રખાવ્યા હતા. ગાડીમાંથી ચાલકે ઉતરી તુમ લોગ રોંગ સાઈડ મે હો તો મેં જોર સે નહી ચલાઉંગા તેમ કહી ઝઘડો કર્યો હતો. દરમિયાન ગાડી ચાલકે અચાનક પોતાની કારમાંથી બન્ને હાથમાં છરીઓ કાઢી અને પ્રિયાંશુ જૈન પર હુમલો કર્યો હતો. યુવક લોહીલુહાણ થતા કાર ચાલક કાર લઈને ફરાર થઈ ગયો હતો. 

  મહિલા કાર ચાલકે કરી મદદ
જે બાદ પૃથ્વીરાજ મહાપાત્રાએ રોડ પરથી પસાર થતા વાહનો પાસે મદદ માંગી હતી, ત્યારે મીનાક્ષી પંડ્યા નામની કારચાલક મહિલા મદદે આવી અને ઈજાગ્રસ્ત હાલતમાં પ્રિયાંશુ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં મોડી રાત્રે તબીબે પ્રયાંશુ જૈનને મૃત જાહેર કર્યો હતો.