એક મુલાકાત/ શું આ તસવીર ઝારખંડથી લઈને દિલ્હીની રાજનીતિમાં મોટો બદલાવ લાવશે?
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા સાથે મુલાકાત કરી છે, જેની રાજકીય વર્તુળોમાં ખૂબ ચર્ચા છે.
લોકસભા ચૂંટણી 2024 પહેલા દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ દિલ્હીમાં રાજકારણ ગરમાયું છે. EDની કસ્ટડીમાં હોવા છતાં કેજરીવાલ દિલ્હીથી સરકાર ચલાવી રહ્યા છે. તેમની ગેરહાજરીમાં તેમની પત્ની સુનિતા કેજરીવાલ સક્રિય છે અને આજે તેઓ ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેનને મળ્યા હતા. કલ્પના સોરેન પોતે કેજરીવાલના ઘરે ગઈ હતી.
સુનિતા કેજરીવાલે કલ્પના સોરેનનું તેમના આગમન પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે. આને રાજકીય દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે લોકસભા ચૂંટણી માટેના ઈન્ડીયા ગઠબંધનમાં, આમ આદમી પાર્ટી દિલ્હીમાં કોંગ્રેસ સાથે ગઠબંધનમાં છે અને કોંગ્રેસ ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા સાથે ગઠબંધનમાં છે .
ઝારખંડના પૂર્વ CMની પત્ની કલ્પના સોરેન દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજ સાથે અરવિંદ કેજરીવાલના CM આવાસ પર સુનીતા કેજરીવાલને મળવા પહોંચી હતી. આ દરમિયાન પંજાબ સરકારના મંત્રી કુલદીપ ધાલીવાલ પણ સુનિતા કેજરીવાલને મળ્યા છે.
બંનેના પતિની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે
ખાસ વાત એ છે કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને હાલમાં જ દારૂ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જ્યારે આ પહેલા 31 જાન્યુઆરીએ EDએ ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનની ધરપકડ કરી હતી. 8 કલાક સુધી ચાલેલી સખત પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી.