રાજ્યમાં હજુ BZ કૌભાંડમાં એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે. બીજી તરફ BZ જેવુ વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. રાજકોટમાં બ્લોકઆરા કંપનીનું 300 કરોડનું પોન્ઝી કૌભાંડ સામે આવ્યું છે. જેમાં 8000 લોકોના નાણાં ફસાયા હોવાની વિગતો સામે આવી રહી છે.
રાજકોટમાં બ્લોકઆરા કંપનીનું 300 કરોડનું પોન્ઝી કૌભાંડ સામે આવ્યું છે. આ કંપનીમાં 8000 રોકાણકારોના 300 કરોડ ડૂબ્યા હોવાની વિગતો મળી રહી છે. બ્લોકઆરા કંપની સવા ચાર લાખના રોકાણ સામે રોજ 4 હજારનું વળતર આપવાની રોકાણકારોને લાલચ આપવામાં આવી હતી. ત્યારે હવે સંચાલકો કંપનીને તાળા મારીને ફરાર થઈ ગયા છે. આ કૌભાંડમાં ભોગ બનનાર રાજકોટના મુલતાની મોહસીન રસીદભાઈ નામના અરજદારે પોલીસ કમિશ્નરમાં અરજી કરી છે. આ સાથે સુરતમાં આ મામલે ગુનો નોંધાયો છે.
અરજી કરનાર મોહસીનભાઈ રસીદભાઈ મુલતાણી સહિતના રાજકોટના રોકાણકારોએ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું કે, અમે અમીત મનુભાઈ મુલતાનીને વર્ષોથી ઓળખીએ છીએ. અમે એક જ જ્ઞાતિના છીએ. જુન-2022 માં અમીતે રાજકોટ આવીને કહ્યું હતું કે, તે બ્લોક એરા કંપનીના સૌરાષ્ટ્ર હેડ છે. આ કંપની ક્રિપ્ટો કરન્સી - "TBAC" કોઈનનું કામ કરે છે. જેમાં બ્લોક ઓરા કંપનીના "TBAC" કોઈનમાં રોકાણ કરવાની સ્કીમ જણાવી હતી. આ આ સ્કીમમાં રોકાણ કરવાથી રોજ સારું વળતર મળે છે. ત્યારબાદ કંપનીની ઝુમ મીટીંગ તથા મુંબઈ સ્થિત સાહારા સ્ટાર હોટલમાં યોજેલ મોટી મિટીંગના વીડિયો બતાવ્યો હતો. આ બાદ અનેક લોકોએ તેમની સ્કીમમાં રોકાણ કર્યું હતું. રોજબરોજ તે વેબસાઈટ પર રોકાણનું વળતર દેખાડતું હતું અને અવારનવાર કંપનીના લોકો વિશેષ નાણાં રોકાણ કરવા માટે મોટી મોટી હોટલોમાં કોન્ફરન્સ કરતા હતાં, અને લોકોને લોભામણી લાલચો આપતા. આ બાદ અમને રકમ ઉપાડવા માટે કંપનીનો સંપર્ક કર્યો હતો. તો તેઓએ જણાવ્યું કે, હાલ થોડો સમય સીસ્ટમમાં એરર આવી ગઈ છે. જેથી થોડા દિવસમાં વધારે વળતર સાથે પૈસા પરત કરીશું. ત્યારબાદ અનેક બહાનાઓ આગળ ધરી અમારી માતબર રકમ પરત ન કરી. અમે WWW.COINMARKET.COM" પર તપાસ કરતા જાણવા મળ્યું કે, "blockaura" કે "TBAC" કોઈન કોઈ જગ્યાએ લિસ્ટીંગ થયા નથી. અમે કંપનીના લોકોનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે તેઓ મુંબઈ જતા રહ્યાં છે. આમ, અનેક લોકોએ આ સ્કીમમાં રોકાણ કરીને પોતાના નાણા ગુમાવ્યાં છે.