અર્શદીપ સિંહ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતીય ટીમ માટે એક મહત્વપૂર્ણ કડી છે અને તે ખૂબ જ આર્થિક રીતે બોલિંગ પણ કરે છે. તે ડેથ ઓવરોમાં યોર્કર અને સ્વિંગ સાથે અદ્ભુત બોલિંગ કરે છે. આ યુવા બોલરે ખૂબ જ ઓછા સમયમાં T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. હવે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ T20 મેચમાં તેણે ઇનિંગ્સની શરૂઆતમાં બોલિંગનું શાનદાર ઉદાહરણ બતાવ્યું છે.
યુઝવેન્દ્ર ચહલને છોડી દીધો પાછળ
અર્શદીપ સિંહે તેની પ્રથમ ઓવરમાં ફિલ સોલ્ટ અને બીજી ઓવરમાં બેન ડકેટની વિકેટ લીધી હતી. આ સાથે, તે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો અને નંબર-1 પર આવી ગયો છે. અર્શદીપે યુઝવેન્દ્ર ચહલનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હવે તેના નામે 97 T20 આંતરરાષ્ટ્રીય વિકેટ છે. ચહલે T20I ક્રિકેટમાં ભારત માટે કુલ 96 વિકેટ લીધી હતી.
T20I ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા ભારતીય બોલરો:
અર્શદીપ સિંહ- 97 વિકેટ
યુઝવેન્દ્ર ચહલ - 96 વિકેટ
ભુવનેશ્વર કુમાર - 90 વિકેટ
જસપ્રીત બુમરાહ- 89 વિકેટ
હાર્દિક પંડ્યા- 89 વિકેટ
વર્ષ 2022માં T20I ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું
અર્શદીપ સિંહે વર્ષ 2022માં T20 ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી, તે ભારતીય ઝડપી બોલિંગ આક્રમણમાં એક મહત્વપૂર્ણ કડી રહ્યો છે. તે દેશ હોય કે વિદેશમાં રમી રહ્યો હોય દરેક જગ્યાએ તેણે પોતાની બોલિંગથી પોતાની છાપ છોડી છે. તેણે ભારતને T20 વર્લ્ડ કપ 2024નું ટાઇટલ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને તે ભારતીય બોલર હતો જેણે T20 વર્લ્ડ કપ 2024માં સૌથી વધુ 17 વિકેટ લીધી હતી. ટી-20 વર્લ્ડ કપમાં ઘણા અવસર પર તેણે એવા સ્પેલ બોલ ફેક્યા હતા કે જેના માટે વિરોધી બોલરો પાસે કોઈ જવાબ નહોતો.
ODI ક્રિકેટમાં કર્યો કમાલ
અર્શદીપ સિંહે ભારતીય ટીમ માટે 8 ODI મેચમાં 12 વિકેટ પણ લીધી છે. તેને ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વનડે શ્રેણી અને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પણ તક મળી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, તે કેપ્ટન અને ટીમ મેનેજમેન્ટની દરેક અપેક્ષાઓ પર ખરો ઉતર્યો છે.