આખા ગુજરાતમાં ચોમાસું જામ્યું છે છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના બધા જ જીલ્લામાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે. આગામી ત્રણ કલાકમાં ભારેથી મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જે વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, નવસારી, ડાંગ, સુરત, તાપી, કચ્છ અને બનાસકાંઠાનો સમાવેશ થાય છે.
મોરબી, જામનગર, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ અને નર્મદામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાંધીનગર, અમદાવાદ,ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ,દાહોદ, સુરેન્દ્રનગર,બોટાદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને રાજકોટમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
જુલાઈમાં જોરદાર વરસાદ રહ્યો
ગુજરાતમાં આખો જુલાઈનો મહિનો વરસાદના નામે રહ્યો છે. જુલાઈના આખા મહિનામાં ગુજરાતના અલગ-અલગ ભાગોમાં ખૂબ વરસાદ થયો છે. તાજેતરમાં હવામાન વિભાગ તરફથી એક રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર આ વર્ષે ગુજરાતમાં સામાન્ય કરતાં 20 ટકા વધુ વરસાદ થયો છે. જોકે આ મામલામાં અમદાવાદ પાછળ રહી ગયું, અહીં સામાન્ય કરતાં 8 ટકા ઓછો વરસાદ થયો છે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં આ મોસમનો સૌથી વધુ વરસાદ થયો, જે 75 ટકા વધુ છે. રાજ્યના 3 જિલ્લા તો એવા છે જ્યાં 100 ટકાથી વધુ વરસાદ થઈ રહ્યો છે.
24 કલાકમાં 172 તાલુકાઓમાં વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામા વરસાદ નોંધાયો છે,જેમાં સૌથી વધુ વાપીમાં પોણા 7 ઇંચ વરસાદ નોંધાયો છે.કપરાડામાં 6 ઇંચથી વધુ વરસાદ,પારડી, ધરમપુરમાં 4 ઇંચથી વધુ વરસાદ,ઉમરગામમાં પોણા 4 ઇંચથી વધુ વરસાદ,જામનગરના જોડીયામાં 2 ઇંચથી વધુ વરસાદ,છોટાઉદેપુર, નવસારીમાં 2-2 ઇંચ વરસાદ,ખેરગામ, જલાલપોરમાં 2-2 ઇંચ વરસાદ,વાલોડ અને બારડોલીમાં 2-2 ઇંચ વરસાદ,સોનગઢ, ડાંગ અહવામાં 2-2 ઇંચ વરસાદ નોંધાયો છે.