તેલંગાણાની કોંગ્રેસ સરકારે રાજ્યમાં પછાત જાતિ અનામત 23% થી વધારીને 42% કરી દીધી છે. રાજ્યના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ આજે એટલે કે 17 માર્ચે આ જાહેરાત કરી છે. આ સાથે રાજ્યમાં અનામતની કુલ મર્યાદા હવે વધીને 62 ટકા થઈ જશે, જે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત 50 ટકાની મર્યાદા કરતા વધુ છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસે 2023ની તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં OBC ક્વોટા 23 ટકાથી વધારીને 42 ટકા કરવાનું વચન આપ્યું હતું. રેડ્ડીએ સોશિયલ મીડિયા પર આ વિશે એક લાંબી પોસ્ટ પણ મૂકી છે અને તેના વિશે માહિતી આપી છે.
વિધાનસભામાં સીએમે કરી જાહેરાત
તેલંગાણા વિધાનસભામાં આ જાહેરાત કરતા મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું, 'કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વચન આપ્યું હતું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો પછાત વર્ગો માટે અનામત વધારીને 42 ટકા કરવામાં આવશે. સત્તા સંભાળ્યા પછી તરત જ અમારી સરકારે 4 ફેબ્રુઆરી, 2024 ના રોજ પછાત જાતિની વસ્તી ગણતરી શરૂ કરી. પાછલી સરકારે રાજ્યપાલને BC અનામત વધારીને 37 ટકા કરવા માટે પ્રસ્તાવ મોકલ્યો હતો પરંતુ અમારી સરકાર અગાઉના પ્રસ્તાવને પાછો ખેંચી રહી છે અને શિક્ષણ, રોજગાર અને રાજકીય તકોમાં પછાત જાતિના લોકોને 42 ટકા અનામત આપવા માટે નવો પ્રસ્તાવ મોકલી રહી છે.
વિપક્ષી પક્ષોને પણ સાથ આપવા કરી અપીલ
તેમણે કહ્યું, "ગૃહના નેતા તરીકે, હું ખાતરી આપું છું કે હું પછાત વર્ગોને અનામત લાભો પૂરા પાડવા માટે સક્રિય પગલાં લઈશ અને 42 ટકા અનામત પ્રાપ્ત કરવામાં નેતૃત્વ કરીશ." આ પ્રસંગે, રેડ્ડીએ તમામ પક્ષોના નેતાઓને તેમની સાથે આવવા અને આ મુદ્દા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા અપીલ કરી છે. જેથી અનામતને કાનૂની રક્ષણ મળી શકે. તેમણે કહ્યું કે, "ચાલો આપણે BC અનામતને 42 ટકા સુધી વધારવા માટે જરૂરી કાનૂની મદદ લઈએ અને જ્યાં સુધી પછાત વર્ગો માટે 42 ટકા અનામત પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અમે શાંત બેસીશું નહીં. અમે કામરેડ્ડી મેનિફેસ્ટો માટે પ્રતિબદ્ધ છીએ.'
તમને જણાવી દઈએ કે તેલંગાણામાં પછાત વર્ગની વસ્તી લગભગ 46.25 ટકા છે, જ્યારે અનુસૂચિત જાતિની વસ્તી 17.43 ટકા અને અનુસૂચિત જનજાતિની વસ્તી 10.45 ટકા છે.