લોડ થઈ રહ્યું છે...

રાજ્યભરમાં ઠંડીનો ચમકારો, સૌથી નીચું તાપમાન નલિયામાં 12.4 ડિગ્રી નોંધાયું

image
X
નવેમ્બર મહિનાની શરૂઆત થતાં જ ગુજરાત રાજ્યમાં ઠંડીનો ચમકારો ધીમે ધીમે વધવા લાગ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યભરમાં ઠંડીનો ચમકારામાં વધારો થયો હતો, જેના કારણે લોકોએ ગરમ વસ્ત્રો બહાર કાઢવા પડ્યા. સવારના પહોરમાં ઠંડો પવન ફૂંકાતા લોકો ઠૂઠવાયા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ વાતાવરણ સુકું રહેશે.

જોકે નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે રાજ્યના તાપમાનમાં વધ-ઘટ જોવા મળશે. દિવસના સમયે તડકો નીકળતો હોવાથી થોડી રાહત મળતી હતી, પણ રાત પડતાં જ પારો ગગડી જાય છે. ગુજરાતમાં સૌથી વધુ ઠંડીનું વર્ચસ્વ કચ્છના નલિયામાં જોવા મળ્યું, જ્યાં સૌથી નીચું તાપમાન 12.4 ડિગ્રી નોંધાયું. નલિયાના લોકોએ સવારમાં તાપણાંનો સહારો લેવો પડ્યો હતો.

અન્ય શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં 16 ડિગ્રી અને પાટનગર ગાંધીનગરમાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ઉત્તર ગુજરાતના ડીસામાં 14 ડિગ્રી અને ચરોતરના વલ્લભ વિદ્યાનગરમાં 16.8 ડિગ્રી તાપમાન હતું.સૌરાષ્ટ્રના શહેરોમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો. રાજકોટમાં 14.4 ડિગ્રી, પોરબંદરમાં 16.3 ડિગ્રી, કેશોદમાં 14.8 ડિગ્રી અને ભુજમાં 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બીજી તરફ, દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન પ્રમાણમાં ઊંચું રહ્યું. ભાવનગરમાં 19.8 ડિગ્રી, સુરતમાં 18.8 ડિગ્રી અને દક્ષિણ ગુજરાતના દમણમાં 19.6 ડિગ્રી તાપમાન નોંધાયું. સૌથી વધુ તાપમાન વેરાવળમાં 20 ડિગ્રી નોંધાયું છે.