રાજ્યમાં સહકારી બેંકો પર સાયબર એટેક! કરોડોના વ્યવહાર અટક્યા
રાજ્યમાં સહકારી બેન્કોનું કામકાજ અટકી પડ્યુ છે, છેલ્લા ત્રણ દિવસથી રાજ્યની અનેક સહકારી બેન્કોમાં ટેકનિકલ એરર આવવાના કારણે ટ્રાન્ઝેક્શનો થઇ શકતા નથી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ સાયબર એટેકની ઘટના છે.
ગુજરાતમાં આવેલી સહકારી બેન્કો પર સાયબર અટેક થયો હોવાનું સામે આવ્યું છે. આ મામલે કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે પ્રતિક્રિયા આપી છે અને જણાવ્યું છે કે, 150 જેટલી અર્બન બેંક સાઈબર અટેકનો ભોગ બની છે. ખેડૂતો, વિદ્યાર્થીઓ, વેપારીઓ સહિતના લોકોના ડિજિટલ વ્યવહારો અટકાયા છે. જેમાં ગૂગલ પે, પેટીએમ યુપીઆઈ સહિતના પેમેન્ટ છેલ્લા 72 કલાકથી બંધ જોવા મળી રહ્યા છે. જેના કારણે રાજ્યમાં 21 બેન્કોના 700 કરોડના ટ્રાન્ઝેક્શનો ખોરવાયા છે. ખાસ વાત છે કે, ટેકનિકલ ક્ષતિના કારણે સૉફ્ટવેર બંધ પડતા રાજ્ય ઉપરાંત સમગ્ર દેશની 356 બેન્કોના ટ્રાન્ઝેક્શનને પણ અસર પહોંચી છે.
અચાનક ઠપ્પ પડી ગયેલા બેન્કિંગ કામકાજ પર RBIએ પણ માહિતી આપી અને જણાવ્યુ હતું કે, સ્થિતિ સામાન્ય થશે ત્યારબાદ બેન્કિંગ કામકાજ શરૂ કરાશે. દેશની 356 બેન્કોના 5 હજાર કરોડના લેવડદેવડ પર અસર પહોંચતા જ આરબીઆઇએ તપાસ હાથ ધરી હતી અને ફૉરેન્સિક ઓડિટ કરાવીને રેન્સમવેર શોધી કાઢ્યું હતુ. આરબીઆઇએ જણાવ્યુ કે, રેન્સમવેરનો એટેક બ્રૉન્ટા ટેક્નોલોજીસની ઓસ્ટા નામની એપ પર થયો છે, જેના કારણે છેલ્લા ત્રણ દિવસથી UPI સહિતના ડિજીટલ ટ્રાન્ઝેક્શનને પણ અસર પહોંચી છે. બ્રોન્ટા ટેક્નોલોજી એ C-Edge કંપની સાથે જોડાયેલી છે. સૉફ્ટવેરની તપાસ બાદ ડિજીટલ ટ્રાન્ઝેક્શનનો શરૂ કરાશે, આમાં ખાસ કરીને રાજ્યમાં સહકારી બેન્કો એટલે કે જિલ્લા સહકારી બેન્કો, અર્બન કોઓરેટિવ બેન્કો અને ડિસ્ટ્રીક્ટ બેન્કોને વધુ અસર પહોંચી છે.
કોંગ્રેસે આ અંગે સરકાર પાસે કરી આ માંગણી
આ અંગે કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું કે, ખેડૂતો, યુવાનો, ધંધાદારીઓ, વિદ્યાર્થીઓ અમે દરેક લોકો આજે ઓનલાઇન પેમેન્ટનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે છેલ્લા 3 દિવસથી સહકારી બેંકોના ઓનલાઇનવ્યવહાર બંધ થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. સત્તાધીશો દ્વારા કોઇપણ પ્રકારનો જવાબ આપવામાં નથી આવી રહ્યો. જ્યારે બેંકો દ્વારા આ અંગે પણ કોઇ ખુલાસો કરવામાં નથી આવ્યો. જેનાથી લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયાં છે.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ સોફ્ટવેર 3 ગણી ઉંચી કિંમતથી વસાવવામાં આવ્યા છે. તેના પેટા કોન્ટ્રાક્ટ સત્તાધીશઓના મળતિયાઓને અને કુટુંબીજનોને આપવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા સરકાર પાસે એવી માંગણી કરવામાં આવી છે કે, સરકાર એવી જાહેરાત કરે કે, ખાતેદારોના રૂપિયા સુરક્ષિત છે. હેકર્સોએ કોઇપણ રૂપિયા ઉઠાવી નથી લીધા. આ બાબતે રિઝર્વ બેંકે પણ તાત્કાલિક પગલાં લેવા જોઇએ. આ બાબત માટે જે લોકો જવાબદાર છે તે લોકોને દંડવા જોઇએ. ગ્રાહકોને મુશ્કેલીમાં મુકનાર લોકો સામે કાયદાકીય પગલાં લેવા જોઇએ.