ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની સીઝનમાં આજે દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાઈ રહી હતી. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં લખનૌની ટીમના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. 20 ઓવર બાદ લખનૌને જીતવા માટે 208 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેમાં દિલ્હીએ 19 રને શાનદાર જીત મેળવી હતી.
પુરનની ફિફ્ટી ટીમને જીત ન અપાવી શકી
208 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી લખનૌની શરૂઆત ખરાબ રહી છે. પહેલી જ ઓવરમાં કેપ્ટન કે એલ રાહુલ 5 રનના અંગત સ્કોરે ઈશાંતના બોલ પર આઉટ થયો હતો. તો ઈનિંગની ત્રીજી ઓવરમાં આફ્રિકન પ્લેયર ક્વિન્ટન ડી કોકે 12 રનના અંગત સ્કોરે ઈશાંતને પોતાની વિકેટ ફેંકી દીધી. માર્કસ સ્ટોઈનિશ પણ બેટિંગમાં કઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહીં તે 5 રનના અંગત સ્કોરે અક્ષર પટેલના એક બોલ પર સ્ટમ્પ આઉટ થયો. દિપક હુડ્ડા પણ 0 રનના સ્કોરે ઈશાંતનો શિકાર બન્યો. બાદમાં પૂરને બાજી સંભાળી અને પુરનને અર્શદ ખાનનો સાથ મળ્યો પરંતુ આ બંનેની બેટિંગ લખનૌને જીત ન અપાવી શકી. લખનૌ તરફથી નિકોલસ પૂરને 27 બોલમાં 61 રન બનાવ્યા અને અર્શદ ખાને 33 બોલમાં 58 રન બનાવ્યા હતા. નિકોલસ પુરન મુકેશ કુમારનો શિકાર બન્યો. ઈનિંગના અંતે લખનૌની 19 રને હાર થઈ. દિલ્હી વતી ઈશાંત શર્માએ સૌથી વધુ 4 ઓવરમાં 34 રન આપી 3 વિકેટ લીધી હતી જ્યારે ખલીલ અહેમદ, અક્ષર પટેલ, મુકેશ કુમાર, કુલદીપ યાદવ અને ટ્રિસ્ટન સ્ટબસે 1 - 1 વિકેટ લીધી હતી. દિલ્હીએ આ મેચમાં કુલ 8 બોલરોનો ઉપયોગ કર્યો હતો.
આ હારથી લખનૌનું પ્લેઓફનું ગણિત બગડયું
જો કે આ બધું હોવા છતાં દિલ્હી માટે પ્લેઓફમાં પહોંચવું મુશ્કેલ લાગી રહ્યું છે. તેનું કારણ તેનો નબળો નેટ રન રેટ -0.377 છે. બીજી તરફ લખનૌની ટીમની છેલ્લી મેચ હજુ બાકી છે. અત્યાર સુધી તેણે 13માંથી 6 મેચ જીતી છે અને તેના 12 પોઈન્ટ છે. લખનૌ સાતમા નંબરે છે. દિલ્હી સામેની આ કારમી હારે લખનૌની ટીમનું ગણિત પણ બગાડી નાખ્યું છે. આ જ કારણ છે કે છેલ્લી મેચ જીતવા છતાં લખનૌની ટીમ માટે પ્લેઓફમાં જવું મુશ્કેલ છે. તેનું કારણ પણ તેનો નબળો નેટ રન રેટ -0.787 છે.