જયંતિ સરધારાના વિવાદને લઈ દિનેશ બાંભણિયાનું મોટું નિવેદન, ટૂંક સમયમાં થશે મોટા ખુલાસા... જાણો વિગત
દિનેશ બાંભણિયાએ એક્સ પર પોસ્ટ કરી જયંતિ સરધારા પર સમાજને બદનામ કરવા કાવતરું રચ્યાનો આરોપ લગાવતા કહ્યું કે, ખોડલધામ અને સરદારધામને બદનામ કરવાની સોપારી જયંતિ સરધારાને કોણે આપી તેનો ટૂંક સમયમાં ખુલાસો કરવામાં આવશે
રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા અને જૂનાગઢ પીઆઇ સંજય પાદરીયા વચ્ચે થયેલ વિવાદ મામલે એક બાદ નવા વળાંકો સામે આવી રહ્યા છે. આ દરમિયાન હવે ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણિયાએ મોટો ખુલાસો કર્યો છે. દિનેશ બાંભણિયાએ એક્સ પર પોસ્ટ કરી જયંતિ સરધારા પર સમાજને બદનામ કરવા કાવતરું રચ્યાનો આરોપ લગાવતા કહ્યું કે, ખોડલધામ અને સરદારધામને બદનામ કરવાની સોપારી જયંતિ સરધારાને કોણે આપી તેનો ટૂંક સમયમાં ખુલાસો કરવામાં આવશે
દિનેશ બાંભણિયાએ કહ્યું કે, સમાજ ઉત્થાન નું કામ કરતી પાટીદાર સમાજ ની સંસ્થા ખોડલધામ અને સરદાર ધામ વચ્ચે વિખવાદ ઊભો કરવાની અને સમાજ ની બંને સંસ્થા ને બદનામ કરવાની સોપારી જેન્તીભાઇ સરધારા ને કોને આપી ..ક્યાં ફાર્મ હાઉસ માં આપી એ તમામ વિગતો આગામી સમય માં આવશે ...સમાજ માં ખૂબ રોષ ...
જાણો શું છે વિવાદ
થોડા દિવસો પહેલા ભાજપના પૂર્વ કોર્પોરેટર અને પાટીદાર અગ્રણી જયંતિ સરધારા પર જીવલેણ હુમલો થયો હતો. જે મામલે અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. મવડી કણકોટ રોડ પર આવેલા પાર્ટી પ્લોટ નજીક આ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ ખોડલધામ સાથે સંકળાયેલા PI સંજય પાદરિયા એ હુમલો કર્યાનો આરોપ કરાયો હતો. જયંતિ સરધારાએ PI સંજય પાદરિયા પર ગંભીર આક્ષેપ કર્યા હતો. જે મામલે PI તરીકે જૂનાગઢ જીલ્લાના ચોકી પોલીસ ટ્રેનીંગ સેન્ટરમાં ફરજ બજાવતા સંજય પાદરીયાએ તપાસનીશ અધિકારીને લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, અમે તા.25.11.2024ના રોજ હું રમેશભાઈ ગીરધરભાઈ ખુંટના પુત્રના લગ્નમાં કણકોટ રોડ ઉપર આવેલ શ્યામ પાર્ટી પ્લોટમાં લગ્નમાં ગયા હતા ત્યારે અમે રાત્રીના સમય 8.15થી 8.30 વચ્ચે પહોંચેલ હતા. અહીં જયંતીભાઈ સરધારા હાજર હતા ત્યાં અમારે સામાન્ય બોલાચાલી થયેલ હતી. ત્યારબાદ હું ફંકશન મૂકીને બહાર ચાલ્યો ગયો હતો અને બહારના ભાગમાં જયંતિભાઈ સરધારા મળ્યા હતા. અહીં સામાન્ય ઝપાઝપી થઈ હતી. તે સિવાય કોઈ બનાવ બનવા પામેલ નથી તેમ છતાં તેઓએ મારા વિરૂધ્ધ હથિયારના કુંદા મારી જાનથી મારી નાખવાની તથા ખૂનની ધમકી આપવાની વગેરે બાબતોની ખોટી અને ઉપજાવી કાઢેલ ફરીયાદ આપેલી છે.