એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)ના કરોડો સભ્યો માટે સારા સમાચાર છે. EPFO સભ્યોએ નોકરી બદલ્યા બાદ ફંડ ટ્રાન્સફર અને અન્ય સુધારા માટે ક્યાંય જવાની જરૂર નથી. આ તમામ કાર્યો માત્ર એક OTP વડે ઘરે બેસીને કરી શકાય છે. તેનાથી EPFO ઓફિસો પરનો બોજ પણ ઓછો થશે, કારણ કે હાલમાં ત્યાં લાંબી કતારો જોવા મળી રહી છે. સામાન્ય રીતે લોકો અહીં ફંડ ટ્રાન્સફર કરવા અથવા નામ, પિતાનું નામ અથવા જન્મ તારીખ બદલવા માટે આવે છે.
નવા નિયમ અનુસાર, EPFO સભ્યો તેમની વ્યક્તિગત માહિતી જેમ કે નામ વગેરેમાં સરળતાથી સુધારો કરી શકશે. કેન્દ્રીય મંત્રીએ શનિવારે આ માહિતી આપી હતી. સરકાર દ્વારા EPFOમાં સુધારા લાગુ કરવામાં આવ્યા છે, જેના પછી સભ્યો EPFOના ડિજિટલ પ્લેટફોર્મ પર જઈને તેમની અંગત માહિતીમાં સરળતાથી ફેરફાર કરી શકશે.
અગાઉ પ્રોસેસ ખૂબ જ લાંબી હતી
અગાઉ, સભ્યોને માહિતી બદલવા માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, 'EPFOના 10 કરોડથી વધુ લાભાર્થીઓ છે, જ્યારે પણ કોઈ સભ્યને EPFO પાસે ઉપલબ્ધ તેમની માહિતીમાં કોઈ ફેરફાર કરવો પડતો હતો, ત્યારે તેણે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું, પરંતુ હવે તેમાં સુધારા લાગુ કરવામાં આવ્યા છે. સભ્યો કોઈપણ બાહ્ય મદદ વિના સરળતાથી તેમની માહિતીમાં ફેરફાર કરી શકશે.
માહિતીમાં ફેરફારને લગતી લગભગ 8 લાખ ફરિયાદો
EPFOને નામમાં ફેરફાર અને અન્ય માહિતી સંબંધિત લગભગ 8 લાખ ફરિયાદો મળી છે. આ ફેરફારથી આ તમામ ફરિયાદો ટૂંક સમયમાં દૂર થઈ જશે. આ સિવાય કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, 'સરકારે EPFO એકાઉન્ટ ટ્રાન્સફરને સરળ બનાવવા માટે સુધારા પણ લાગુ કર્યા છે. હવે સભ્યો OTP દ્વારા સરળતાથી EPFO એકાઉન્ટ એક સંસ્થામાંથી બીજી સંસ્થામાં ટ્રાન્સફર કરી શકશે. અગાઉ આ માટેની પ્રક્રિયા ઘણી લાંબી હતી.
EPFO ની કેન્દ્રિય પેન્શન ચુકવણી સિસ્ટમનું રોલઆઉટ પૂર્ણ થયું
આ મહિનાની શરૂઆતમાં, EPFOએ કહ્યું હતું કે તેણે સમગ્ર દેશમાં તેની તમામ પ્રાદેશિક કચેરીઓમાં સેન્ટ્રલાઈઝ્ડ પેન્શન પેમેન્ટ્સ સિસ્ટમ (CPPS) નું રોલઆઉટ પૂર્ણ કર્યું છે. 68 લાખથી વધુ પેન્શનધારકોને તેનો લાભ મળશે. આ નવી સિસ્ટમથી લાભાર્થીઓને કોઈપણ બેંકમાંથી પેન્શન ઉપાડવાની સુવિધા મળશે. ઉપરાંત, પેન્શનની શરૂઆતના સમયે, લાભાર્થીએ વેરિફિકેશન માટે બેંકમાં જવાની જરૂર રહેશે નહીં. આ પગલું એવા પેન્શનરો માટે રાહતરૂપ બનશે જેઓ નિવૃત્તિ પછી પોતાના વતન જાય છે અને ત્યાં તેમનું આગળનું જીવન જીવે છે.