ભાવેશસિંહ રાજપુત, અમદાવાદ/ શહેરના પોલીસ બેડામાં ચાલતી ચર્ચાઓ અને જાણી અજાણી વાતો સાથે tv13 ગુજરાતી દર સપ્તાહે છાનેખૂણે થકી આવી વાતો આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે. તેવામાં હાલમાં જ શહેર પોલીસ કમિશનરની નવી કચેરીનું ઉદ્ધાટન થયું છે. જોકે આ કચેરીના ઉદ્ધાટન પહેલા જ આગલા દિવસે ડોમ તુટી પડ્યો, થોડા દિવસો પહેલા પોલીસકર્મીએ ગોળી મારી જીવન ટુંકાવ્યું અને બિલ્ડીંગ બનતા સમયે શ્રમીકનાં પણ અકસ્માતે મોત થયા હતા. જોકે આ બાબતે વચ્ચે શહેરનું એક એવુ પોલીસ સ્ટેશન પણ છે જેને અપશુકનિયાળ પોલીસ સ્ટેશન તરીકેની ઓળખ મળી રહી છે.
2021 માં થયુ હતુ ઉદ્ધાટન
સામાન્ય રીતે કોઈ પણ ગુનેગારને પોલીસ સ્ટેશનમાં પગ મુકવામાં પગ થથરતા હોય છે પરંતુ અમદાવાદનું એક એવુ પોલીસ સ્ટેશન છે જ્યાં પીઆઈ પણ પગ મુકતા થથરે છે. અમદાવાદ શહેરની મધ્યમાં આવેલા રોડ પર આવેલા એક પોલીસ સ્ટેશનનું ઉદ્ધાટન વર્ષ 2021માં ઉદ્ધાટન થયું હતું. તે પહેલા આ પોલીસ સ્ટેશન એક પેટ્રોલપંપની બાજુમાં આવેલી જગ્યામાં ચાલતુ હતું. પોલીસ સ્ટેશન તૈયાર થયા બાદ લાંબા સમય સુધી તેનુ ઉદ્ધાટન થયું ન હતું અને ઉદ્ધાટન થયા બાદ પણ ત્યાં ફરજ બજાવતા પોલીસકર્મીઓને કામ કરવાની મજા આવતી ન હતી.
20 દિવસમાં જ પોલીસકર્મીનો આપઘાત
આ પોલીસ સ્ટેશનનાં ઉદ્ધાટન થયાનાં 20 દિવસની અંદર જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસકર્મીએ પોતાને લમણે ગોળી મારી આપઘાત કર્યો હતો. જે કેસમાં લાંબા સમય સુધી આપઘાત કરવા પાછળનું કોઈ ચોક્કસ કારણ પોલીસ જાણી થકી ન હતી. જે ઘટના બાદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓમાં પણ ભવનને લઈને ચર્ચાનો વિષય બન્યો હતો.
ફરજ પરનાં પીઆઈનાં સતત દવાખાનાં ધક્કા
જે ઘટનાના થોડા સમય બાદ પોલીસ સ્ટેશનમાં એક મહિલા પોલીસ ઈન્સ્પેક્ટરની નિમણુક થઈ હતી. તેઓએ ત્યાં અનેક મહિનાઓ સુધી કામ કર્યું પરંતુ ત્યાં ફરજ પર હતા તે સમયગાળામાં તેઓનાં પરિવારમાં સતત બિમારી અને હોસ્પિટલની દોડાદોડી રહેતી હતી. અંતે તેઓએ આ પોલીસ સ્ટેશનમાંથી પોતાની બદલી કરાવી સાઈડ પોસ્ટીંગ લઈ લીધું હતું.
મહિલા પોલીસ કોન્સ્ટેબલે કર્યો આપઘાત
આ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક મહિલા પોલીસ કોન્સ્ટેબલે 7 મહિનાં પ્રેમપ્રકરણમાં ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું. જેમાં પ્રેમી દ્વારા સતત અપાતા ત્રાસનાં કારણે આપઘાત કર્યો હોવાનું ખુલ્યું હતું, બાદમાં તે પોલીસકર્મીનાં પ્રેમીએ પણ નજીકની એક હોટલમાં આપઘાત કરી લીધો હતો. તે સમયે પણ આ પોલીસ સ્ટેશન ચર્ચામાં રહ્યું હતું.
હાજર થયેલા પીઆઈ સતત ચિંતામાં
શરૂઆત થયાનાં 3 વર્ષમાં બે પોલીસ કર્મીનાં આપઘાતની ઘટનાનાં કારણે આ પોલીસ સ્ટેશનમાં પોસ્ટીંગ મેળવવામાં કોઈ પોલીસ ઈન્સ્પેક્ટરને રસ રહ્યો ન હતો. જોકે પોલીસ સ્ટેશન કાર્યરત છે એટલે પીઆઈ તરીકે અધિકારી તો મુકવા જ પડે એટલે થોડા મહિનાંઓ પહેલા થયેલી બદલીમાં એક અધિકારીને આ પોલીસ સ્ટેશનના પીઆઈ તરીકે મુકવામાં આવ્યા. જોકે તેઓ ત્યાં હાજર થયા ત્યાર બાદથી સતત નાની મોટી બિમારી કે પછી કારણ વિનાના ટેન્શનમાં રહેતા હોય તેવી ચર્ચા છે.
આ પોલીસ સ્ટેશનમાં નોકરી ન મળે તેવી પ્રાર્થના
હાલમાં જ અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા 20 જેટલા પીઆઈની બદલીઓ કરવામાં આવી અને હજુ પણ આગામી દિવસોમાં અન્ય પીઆઈની બદલીઓ કરવામાં આવશે. તેવામાં આ પોલીસ સ્ટેશનમાં પોતાની બદલી ના થાય તેવી અનેક પીઆઈ પ્રાર્થના કરી રહ્યા છે.