ભાવેશસિંહ રાજપુત, અમદાવાદ
આગામી 3 ઓક્ટોબરનાં પહેલા નોરતે અમદાવાદ શહેર પોલીસની નવનિર્મીત કમિશનર કચેરીનું ઉદ્દાટન થનાર છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આ કચેરીને ખુલ્લી મુકવામાં આવશે, તેવામાં આ કાર્યક્રમને લઈને અમદાવાદ શહેર પોલીસે તડામાર તૈયારીઓ શરૂ કરી છે. આ કાર્યક્રમમાં 12 હજારથી વધુ લોકો હાજર રહેશે અને જાણીતા સુર સમ્રાટ કિર્તીદાન ગઢવી અને રાજભા ગઢવી લાઈવ પર્ફોમ કરશે.
700થી વધુ VVIP રહેશે હાજર
140 કરોડ રૂપિયાનાં ખર્ચે તૈયાર થયેલી નવી પોલીસ કમિશનર કચેરીની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ રિમોટ કંટ્રોલથી શહેર એસઓજીની જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટરનું લોકાર્પણ કરશે અને સાયબર ક્રાઈમની તેરા તુજકો અપર્ણનું પોર્ટલનું ઉદ્ધાટન અને સાયબર સેફ બુકનું અનાવરણ કરશે. મહત્વનું છે કે આ કાર્યક્રમમાં 700 થી વધુ VVIP મહેમાનો ઉપસ્થિત રહેશે. આ કમિશનર કચેરીમાં વ્હીકલ અને ફેસ રેક્ઝનાઈઝ સિસ્ટમ સાથેનો કંટ્રોરૂમ તૈયાર કરાયો છે. પરિસરમાં ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળે પ્રજા લક્ષી કચેરીઓ આવેલી છે, જ્યારે સાતમાં માળે પોલીસ કમિશનરની ચેમ્બર છે. ટેરેસ ગાર્ડન સહિત 2 અલગ અલગ કેફેટેરિયા પણ બનાવવામાં આવ્યા છે.
જી.એસ મલિક શહેરનાં 38માં પોલીસ કમિશનર
6-5-1960 માં અમદાવાદ શહેરનાં પ્રથમ પોલીસ કમિશનર નિરંજન દાસ હતા. ત્યારે હાલમાં અમદાવાદનાં 38માં પોલીસ કમિશનર તરીકે જી.એસ મલિક કાર્યરત છે. તેવામાં તેઓની આગેવાનીમાં આ સમગ્ર ઉદ્ધાટન કાર્યક્રમ યોજાનાર છે, જે કાર્યક્રમમાં હાજર રહેનારા VVIP અને અન્ય મહેમાનોની આગેવાનીની જવાબદારી પણ ક્રાઈમ બ્રાંચ સહિતની એજન્સીને સોંપવામાં આવી છે.
કિર્તીદાન ગઢવી- રાજભા ગઢવી રેલાવશે સુર
3 ઓક્ટોબરનાં સાંજે 5 વાગે આસપાસ ઉદ્ધાટન કાર્યક્રમ શરૂ થશે, જે કાર્યક્રમની શરૂઆતમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરવામા આવશે. જેમાં જાણીતા સુરસમ્રાટ કિર્તીદાન ગઢવી, સુપ્રસિદ્ધ સાહિત્યકાર રાજભા ગઢવી અને જાણીતા લોક ગાયક નારાયણભાઈ ઠાકર, જાણીતા સાહિત્યકાર હરેશદાન ગઢવી પર્ફોમ કરશે, જે કાર્યક્રમનુ સંચાલન ભરતદાન ગઢવી દ્વારા કરવામાં આવશે. સાથે સીદ્દીક ડાન્સ પણ એક ખાસ ગૃપ દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે.
CM સહિતનાં મહાનુભાવો રહેશે હાજર
આ કાર્યક્રમમાં ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવી સહિતનાં કેબિનેટ મંત્રી અને લોકસભા અને રાજ્યસભા સાંસદો ઉપસ્થિત રહેશે. સાથે જ રાજ્યનાં અનેક સિનિયર IPS અધિકારી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કમિશનર, મેયર સહિતનાં પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.