લોડ થઈ રહ્યું છે...

ગાંધીનગર: આવતીકાલે કેબિનેટની બેઠક, ચિંતન શિબિર અને કૃષિ રાહત પેકેજ પર કરાશે સમીક્ષા

image
X
સોનલ અનડકટ, ગાંધીનગર
ગાંધીનગર ખાતે આવતીકાલે રાજ્ય સરકારની મહત્વપૂર્ણ કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે. આ બેઠક એવા સમયે યોજાઈ રહી છે જ્યારે રાજ્યના વહીવટી માળખા અને જનતાને સ્પર્શતા અનેક મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. આ બેઠકનો મુખ્ય એજન્ડા રાજ્ય સરકાર દ્વારા આયોજિત ચિંતન શિબિરની રૂપરેખા તૈયાર કરવાનો રહેશે. રાજ્યના મુખ્ય સચિવ આ શિબિર અંગે વિસ્તૃત ચર્ચા કરીને કેબિનેટ સમક્ષ તેની વિગતો રજૂ કરશે. આ ચિંતન શિબિરનો હેતુ રાજ્યના વહીવટી તંત્રને વધુ અસરકારક બનાવવાનો અને આગામી સમય માટેની વિકાસ યોજનાઓની દિશા નક્કી કરવાનો છે.

મુખ્ય નિર્ણયોમાં કૃષિ અને ખેડૂતો સંબંધિત બે મુખ્ય મુદ્દાઓ પર સઘન સમીક્ષા કરવામાં આવશે
કૃષિ રાહત પેકેજ: તાજેતરમાં જાહેર કરાયેલા કૃષિ રાહત પેકેજ સંદર્ભે રાજ્યભરમાંથી મળેલી અરજીઓની વર્તમાન સ્થિતિ અને તેની સઘન સમીક્ષા હાથ ધરવામાં આવશે. આ સમીક્ષાનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે, પાત્રતા ધરાવતા તમામ ખેડૂતોને ઝડપથી અને સરળતાથી સહાય મળી રહે.

ટેકાના ભાવે ખરીદી: રાજ્યમાં વિવિધ કૃષિ જણસોની ટેકાના ભાવે (MSP) ખરીદીની ચાલી રહેલી કામગીરીની પ્રગતિની પણ સમીક્ષા કરવામાં આવશે. સરકાર ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટેની વ્યવસ્થા પર ભાર મૂકશે.

આ ઉપરાંત, કેબિનેટ બેઠકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની પણ ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવશે. રાજ્યમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે લેવાયેલા પગલાં અને ભાવિ આયોજન પર મંથન થશે.

વિકાસના કામોની વાત કરીએ તો, રાજ્યમાં હાઈવે તેમજ રોડ-રસ્તાની કામગીરીની પ્રગતિ અંગે વિગતવાર સમીક્ષા હાથ ધરાશે. રસ્તાના બાકી કામોની સમયમર્યાદા અને ગુણવત્તા જાળવવા અંગે પણ મહત્ત્વના સૂચનો અને નિર્ણયો લેવામાં આવે તેવી સંભાવના છે. આ બેઠક રાજ્યના વહીવટી માળખા, કૃષિ ક્ષેત્ર અને માળખાગત સુવિધાઓ માટે આવનારી નીતિઓ અને નિર્ણયોની દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વની ગણવામાં આવી રહી છે.