ભાવેશસિંહ રાજપુત, અમદાવાદ/ ગુજરાતમાં એક સયમ હતો કે ગેંગવોર ચાલતી હતી, જેમાં એક ગેંગનાં એક સભ્યની જો હત્યા થતી તો ખૂનનો બદલો લેવા તે ગેંગનાં માણસો સામેની ગેંગનાં સભ્યોની હત્યા કરતા હતા. તેવામાં ગુજરાત ATS ની ટીમે ફરી વાર ગેંગ વોર જેવી ઘટના સર્જાતા અટકાવી છે. બે વર્ષ પહેલા બોટાદમાં બાઈક પર જતા યુવકની ગોળી મારીને હત્યા કરાઈ હતી, જેનો બદલો લેવા માટે મૃતકનાં ભાઈ અને તેનાં સાગરીતે હથિયારો ખરીદ્યા હતા અને આરોપીઓની હત્યા કરવાના ઈરાદે ફરતા હતા. જોકે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાંથી બન્ને ઝડપાઈ ગયા છે.
ગુજરાત ATS એ માહિતીના આધારે અસારવાની સિવિલ હોસ્પિટલ પરિસરમાંથી મુનાફ માકડ અને તૌસીફ ખલિયાણી નામનાં બોટાદનાં બે શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓની તપાસ કરતા તેઓની પાસેથી 2 પિસ્તોલ અને 6 કારતુસ મળી આવ્યા હતા. જેથી ગુજરાત ATS એ આર્મસ એક્ટનો ગુનો નોંધી આરોપીઓનાં રિમાન્ડ મેળવ્યા છે.
હત્યાનો બદલો લેવા ખરીદ્યા હથિયાર
આરોપીઓની તપાસ કરતા સામે આવ્યું કે અંદાજે 2 વર્ષ પહેલા મુનાફ માકડનાં ભાઈ મોહસીન માકડ બાઈક પર જતો હતો ત્યારે સિરાજ ડોન અને અફઝલ નામનાં શખ્સે ગોળી મારી હત્યા કરી હતી. તે સમયે મુનાફ માકડને પણ હાથમાં છરી વાગી હતી. અને તે ભાઈની હત્યાનો બદલો લેવા માટે તે આ હથિયારો લઈને ફરતો હતો.
સારવાર માટે આવ્યા અને પકડાયા
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ઝડપાયેલા બન્ને આરોપીઓ જે સિરાજ ડોન અને અફઝલની હત્યા કરવા માટે હથિયારો લાવ્યા હતા તે બન્ને આરોપીઓ સામે બોટાદમાં ગુજસીટોકનો ગુનો નોંધાયેલો હતો જેમાં તે જેલમાં હતા. જોકે અફઝલ જેલમાંથી પેરોલ પર છુટીને ફરાર થઈ ગયો હતો. આ બન્ને શખ્સો તેની શોધમા હતા. અને સિવિલ હોસ્પિટલમાં કોઈ સારવાર કરાવવા માટે આવ્યા હતા.
આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ
ઝડપાયેલા બન્ને આરોપીઓ પણ ઝડપાયેલા આરોપીઓ ધરાવે છે. મુનાફ માકડ સામે હત્યાનાં પ્રયાસ સહિતનાં 8 ગુના નોંધાયા છે, જ્યારે તૌસિફ ખલિયાણી સામે 7 જેટલા ગુના નોંધાયા છે. ઝડપાયેલા આરોપીઓ પણ ગેંગમા કામ કરતા હોવાથી ગુજરાત એટીએસએ આ આરોપીઓ હથિયાર કોની પાસેથી લાવ્યા હતા અને આ હથિયારોનો ઉપયોગ કર્યો છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.