ગઇકાલે અમદાવાદ પોલીસે એક લિસ્ટ જાહેર કર્યું હતું. જેમાં કોન્સ્ટેબલમાંથી ગોપાલ ઇટાલિયાને હેડ કોન્સ્ટેબલ બનાવવામાં આવ્યા છે. ત્યારે આ મામલે ગોપાલ ઇટાલિયાએ ટ્વિટ કર્યું હતું. અને ત્યાર બાદ અમદાવાદ પોલીસની એક પ્રેસનોટ સામે આવી હતી. જેને લઈને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે, મને ક્યારેક કાયમી કર્મચારી તરીકેની ડ્યુટી મળી જ નથી. મતલબ કે હું ક્યારેક કોન્સ્ટેબલ બન્યો જ નથી તો પછી કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ શા માટે બનાવવામાં આવે? તો પછી આ કાયમી પગારના કોન્સ્ટેબલની લિસ્ટમાં મારું નામ શા માટે આવ્યું?
ગોપાલ ઇટાલીયાએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગઈકાલે આખો દિવસ સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી કે મને ભાજપ સરકાર દ્વારા હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન આપવામાં આવ્યું છે. આ ઘટના બાદ અમદાવાદ પોલીસનો એક ખુલાસો આવ્યો, તેના પર આજે વાત કરીશું. જો ભૂતકાળની વાત કરું તો અમદાવાદ પોલીસ દ્વારા મારું ઘડતર થયું છે, અમદાવાદ પોલીસના માધ્યમથી જ હું જીવનમાં આગળ આવ્યો છું. માટે ગુજરાત પોલીસ અને અમદાવાદ પોલીસ માટે મને અપાર પ્રેમ અને લાગણી છે. ગુજરાત પોલીસ મારો પરિવાર છે અને અમદાવાદ પોલીસ મારું ઘર છે. આજની તારીખમાં પણ મારા અનેક મિત્રો કોન્સ્ટેબલ છે, પીએસઆઇ છે, એએસઆઇ છે. આખા ગુજરાતમાં હજારો પોલીસ મિત્રો લાગણીથી મારી સાથે જોડાયેલા છે.
તો આ ઘણા મિત્રોએ મને મારા પ્રમોશનના સમાચાર જોયા કટાક્ષમાં અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે "અમારી સાથે આવી જાઓ સાથે મળીને નોકરી કરીએ." પરંતુ એ શક્ય નથી કારણ કે એક મોટા લક્ષ તરફને મારું જીવન આગળ વધાર્યું છે. પરંતુ આજે હું અમદાવાદ પોલીસ તરફથી જે પ્રેસ નોટ આવી તે બાબતે ખુલાસો કરવા માંગુ છું. આ પ્રેસ નોટ તદ્દન પાયા વિહોણી છે. એમાં જે પણ માહિતી આપી છે તે ખોટી અને ભ્રામક છે.
10 વર્ષથી નોકરીમાં નથી તો મારુ નામ કેમ ?
ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, અમદાવાદ પોલીસે લખ્યું છે કે આ લિસ્ટ પોલીસનું પ્રમોશનનો લિસ્ટ નથી. પરંતુ પ્રવર્તતા એટલે કે સિન્યોરિટીનું લિસ્ટ છે. મારું કહેવું છે કે હું છેલ્લા દસ વર્ષથી પોલીસ ખાતામાં છું જ નહીં તો મારી વિગત શા માટે મંગાવો છો? પ્રવર્તતા યાદી હોય તો પણ તેમાં મારું નામ ન હોવું જોઈએ. પ્રમોશનનું લિસ્ટ હોય તેમાં પણ મારું નામ ન હોવું જોઈએ. વધુમાં પોલીસની પ્રેસ નોટમાં લખ્યું છે કે આ 887 કર્મચારીઓ વિરુદ્ધ કોઈ ખાતાકીય તપાસ કે ફોજદારી કે એસીબી ચાલુ છે કે કેમ તેની માહિતી મંગાવી છે. પરંતુ જો હું નોકરીમાં જ નથી તો મારા વિરુદ્ધ શું ખાતાકીય તપાસ કે ફોજદારી હોય?
અધિકારીએ આ પત્ર સરખી રીતે વાંચેલ નથી
આ પ્રેસનોટમાં વધુ વાત લખી છે કે "ગોપાલ ઇટાલીયા સન 2012માં હાજર હોય તેના કારણે તેમનું નામ યાદીમાં લખ્યું છે. પરંતુ તેમના નામની સામે કોઈ પોલીસ સ્ટેશન દર્શાવવામાં આવ્યું નથી." બીજા ઘણા કોન્સ્ટેબલના નામની સામે ખાનુ ખાલી છે અને આ ખાનું ખાલી હોય તેનો મતલબ એ છે કે જે કોન્સ્ટેબલ ઓએ સીસીસીનું સર્ટિફિકેટ જમા નથી કરાવ્યું તે કોન્સ્ટેબલનું ખાનુ ખાલી રાખવામાં આવ્યું છે, જેથી કરીને તેને બઢતી આપતા પહેલા સર્ટિફિકેટ જમા કરાવી દે. ત્યારબાદ છેલ્લા ફકરામાં પ્રેસ નોટમાં લખ્યું છે કે, "ગોપાલ ઇટાલીયાને સ્પષ્ટ રીતે બઢતી આપવામાં આવી નથી. સોશિયલ મીડિયામાં ચાલતા મેસેજ તથ્ય વિહીન છે. ગોપાલ ઇટાલીયાએ જે પત્ર મુક્યો છે તે તેમણે પૂરો વાંચેલ નથી." મારું પણ એવું જ કહેવું છે કે અમદાવાદ શહેર પોલીસના અધિકારીએ આ પત્ર સરખી રીતે વાંચેલ નથી.
ઊઠવ્યા આ સવાલો
સૌથી ગંભીર સવાલ એ છે કે જ્યારે મેં રાજીનામું આપ્યું ત્યારે હું પોલીસ કોન્સ્ટેબલ એટલે કે પોલીસ લોકરક્ષક તરીકે ફરજ બજાવતો હતો. એટલે કે પાંચ વર્ષના ફિક્સ પગારના પ્રોબેશનમાં હું નોકરી કરતો હતો. જો હું પાંચ વર્ષ નોકરી પૂરી કરું તો પાંચ વર્ષના અંતે મને રેગ્યુલર પે-સ્કેલ એટલે કે કાયમી નોકરી એટલે કે કોન્સ્ટેબલ તરીકેની મને ડ્યુટી મળે. મેં જ્યારે રાજીનામું આપ્યું ત્યારે હું કાયમી કર્મચારી તરીકે ફરજ નહોતો બજાવતો પરંતુ હું ફિક્સ પગારના કર્મચારી તરીકે નોકરી કરતો હતો. મેં પાંચ વર્ષ પૂરા કર્યા જ નથી પોલીસ ખાતામાં, એટલે કે મને ક્યારેક કાયમી કર્મચારી તરીકેની ડ્યુટી મળી જ નથી. મતલબ કે હું ક્યારેક કોન્સ્ટેબલ બન્યો જ નથી તો પછી કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ શા માટે બનાવવામાં આવે? તો પછી આ કાયમી પગારના કોન્સ્ટેબલની લિસ્ટમાં મારું નામ શા માટે આવ્યું?
અનેક નામમાં થયા છે લોચા
વધુ એક ગંભીર બાબત એ છે કે જ્યારે આ લિસ્ટ બહાર આવ્યું, ત્યારે મને ઘણા પોલીસ મિત્રોના ફોન આવ્યા અને મેં પણ ઘણા પોલીસ મિત્રોને ફોન કર્યા ત્યારે મને જાણવા મળ્યું કે આ લીસ્ટમાં ફક્ત મારું જ નહીં પરંતુ એવા અનેક નામ છે જે લોકો હાલમાં પોલીસ ખાતામાં નોકરી કરતા જ નથી. ચાર-પાંચ લોકો એવા છે જે પોલીસ ખાતામાં નોકરી કરે છે પરંતુ કોન્સ્ટેબલ નથી, એએસઆઇ છે અથવા પીઆઇ છે. જે માણસે કોન્સ્ટેબલમાંથી રાજીનામું મૂકીને એએસઆઇ કે પી એસ આઈની ભરતી પાસ કરીને અને અમદાવાદ સિવાયના જિલ્લામાં પીએસઆઇ બની ગયા છે, તેવા વ્યક્તિનું નામ અમદાવાદના કોન્સ્ટેબલના લિસ્ટમાં કેવી રીતે આવ્યું? જે માણસ પોલીસ ખાતાની નોકરીમાંથી રાજીનામું આપીને બીજા ખાતાની નોકરીમાં લાગી ગયા છે, તેમનું નામ આ લિસ્ટમાં કઈ રીતે આવ્યું? તો આ આખી યાદીમાં ફક્ત ગોપાલ ઇટાલીયાનું નામ નહીં પરંતુ અનેક એવા લોકોનું નામ છે જેમનું નામ આ લિસ્ટમાં ન હોવું જોઈએ. તો આવી ગંભીર બેદરકારી થઈ છે, તેને સહર્ષ રીતે સ્વીકારીને તેને સુધારવાનો પ્રયત્ન કરવાની બદલે હાલ જે ઘટનાક્રમ બની રહ્યો છે તે ખરેખર ખોટો છે.
વધુ એક મહત્વપૂર્ણ વાત. જો પોલીસની પ્રેસનોટને આપણે સાચી માની લઈએ કે 2012માં ગોપાલભાઈ ઇટાલીયા પોલીસ ખાતામાં જોડાયા માટે તેમનું નામ આ લીસ્ટમાં છે તો 2016 માં હું મહેસુલી ક્લાર્ક તરીકે જોડાયો હતો, તો શું ક્લાર્કના પ્રમોશનની યાદીમાં પણ મારું નામ હશે? શું નોકરી છોડ્યા બાદ દર 10 વર્ષે પ્રમોશનના લિસ્ટમાં મારું નામ હશે? આવી ગંભીર બેદરકારી હોવા છતાં માનનીય નાયબ પોલીસ કમિશનર કંટ્રોલરૂમ અમદાવાદે જે ખુલાસો આપ્યો છે તેને આપણે સમજી શકીએ કે તેમના પર રાજકીય દબાણ હશે. હું મારા ઘડતર માટે અમદાવાદ પોલીસનો આભાર માનું છું, પરંતુ આજે બેદરકારી થઈ છે તે અયોગ્ય છે. આ લિસ્ટમાં બીજા પણ આવા નામ હશે, ગોપાલ ઇટાલીયા તો જાણીતો ચહેરો છે માટે આ વાત સૌના ધ્યાનમાં આવી, પરંતુ કોઈ છગન મગનનું નામ આમાં આવી જાય અને જો તે લોકો પોલીસ સ્ટેશનને જઈને હાજર થઈ જાય તું કાયદા વ્યવસ્થાની કેટલી મોટી સમસ્યા ઊભી થાય. તો આ બાબત મુદ્દે ગુજરાતની જનતા અને ગુજરાતની સરકારનું ધ્યાન દોરવા માંગુ છું કે આ લીસ્ટ પર ધ્યાન દેવામાં આવે અને આ લિસ્ટનો સુધારો થાય અને રેકોર્ડને ટાઈમ ટુ ટાઈમ અપડેટ કરવામાં આવે અને રેકોર્ડની આધુનિક રીતે સાચવવામાં આવે.