ગાંધીનગરની ગોસિપ
સંદીપ સાંગલે માટે શું આવ્યા રાહતના સમાચાર
ગુજરાતના સિનિયર IAS અધિકારી સંદીપ સાંગલે માટે ચાલુ સપ્તાહમાં આવ્યા છે રાહતના સમાચાર.. વિકલાંગતાના મુદ્દે મુશ્કેલીનો સામનો કરી રહેલા સંદીપ સાંગલેએ આપેલો બીજો મેડિકલ ટેસ્ટ તેમના માટે રાહત રૂપ સાબિત થયો હતો. બીજી વખત દિલ્હીના મેડિકલ બોર્ડ સમક્ષ હાજર થયા બાદ આવેલા રિપોર્ટમાં સંદીપ સાંભલેને ક્લીનચીટ મળી ગઈ છે જેના હિસાબે ગુજરાતના વધુ એક અધિકારી મુશ્કેલીમાંથી બહાર આવી ગયા છે.
મહારાષ્ટ્રના એક મહિલા અધિકારીના વિકલાંગતાના મુદ્દે ઉભા થયેલા મુદ્દા બાદ દેશભરના અનેક IAS અધિકારીઓને UPSCએ મેડિકલ બોર્ડ સમક્ષ મોકલ્યા હતા. જેમાં ગુજરાતના પણ પાંચ અધિકારીઓને મેડિકલ બોર્ડનું તેડું આવ્યું હતું. દિલ્હી ખાતે થયેલી મેડિકલ તપાસમાં પાંચ અધિકારી પૈકી ચાર અધિકારીઓને અગાઉ જ ક્લીનચીટ મળી ગઈ હતી પરંતુ સંદીપ સાંગલેને વધુ એક વખત મેડિકલ બોર્ડ સમક્ષ હાજર થવું પડ્યું હતું.
અગાઉના ટેસ્ટમાં સર્જાયેલા પ્રશ્ન બાદ બીજી વખત અપાયેલા મેડિકલ ટેસ્ટ પછી આવેલા પરિણામે સંદીપ સાંગલેને ખૂબ જ મોટી રાહત આપી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચાલુ સપ્તાહમાં જ UPSC દ્વારા પત્ર આવી ગયો છે અને સંદીપ સાંગલે દ્વારા વિકલાંગતાનો રજૂ કરવામાં આવેલો દાવો સાચો છે તેવો રિપોર્ટ આપી દેવામાં આવ્યો છે જેના હિસાબે અન્ય ચાર અધિકારીઓની માફક સાંગલેને પણ ક્લીન ચીટ મળી ગઈ છે આમ પહેલા ચાર અધિકારીને મેડિકલ ટેસ્ટમાં ગ્રીન સિગ્નલ મળ્યા પછી સાંગલે સામે ઊભા થયેલા સવાલનો પણ છેવટે જવાબ આવી ગયો છે અને પોઝિટિવ જવાબ આવતા આઈએસ બેડાએ રાહત ની લાગણી અનુભવી છે.
રાજ્યના બે શહેરમાં બે ભાઈનો જબરો દબદબો..
ગુજરાતના મુખ્ય બે શહેર ગાંધીનગર અને રાજકોટમાં બે ભાઈનો જબરો દબદબો જોવા મળ્યો છે. એક ભાઈ રાજકારણમાં આગળ છે તો બીજા ભાઈ વહીવટી તંત્રમાં મોખરાનું સ્થાન ધરાવે છે આપણે વાત કરી રહ્યા છીએ ગાંધીનગરના કલેક્ટર મેહુલ દવે અને તેમના લઘુબંધુ માધવ દવેની.. અમરેલીના RSS પરિવાર માંથી આવતા આ પરિવારના બે ભાઈઓએ અલગ અલગ ફિલ્ડમાં હાંસલ કરેલી સિદ્ધિથી સમસ્ત બ્રહ્મ સમાજમાં ગૌરવની લાગણી વ્યક્ત થઈ રહી છે.
તાજેતરમાં ભાજપના શહેર જિલ્લા પ્રમુખોની થયેલી વરણીમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે માધવ દવેની પસંદગી થઈ.. શાંત સૌમ્ય અને ખૂબ જ ઉમદા વ્યક્તિત્વના માલિક માધવ દવેની ભાજપ પ્રમુખ તરીકે પસંદગી થતાં રાજકોટમાં કામ કરી રહેલા બે જૂથને ભાજપ માટે ઝટકો આપ્યો હતો લોકો એવું માને છે કે માધવ દવે એક ગ્રુપની નજીક છે. પરંતુ ઘણા બધા લોકો જાણે છે કે માધવ દવે કોઈ ગ્રુપના વ્યક્તિ નથી અને સંઘ પરિવારના આશીર્વાદ હોવાના કારણે એક સારા વ્યક્તિ તરીકે તેમની પસંદગી થઈ છે.
માધવ દવેની પસંદગી થતા તેમના શુભચિંતકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી. જોગાનુજોગ કહો કે યોગાનુયોગ કહો એક ભાઈ સૌરાષ્ટ્રના મુખ્ય શહેરના મોટા પક્ષના વડા બન્યા છે તો બીજા ભાઈ તો અગાઉથી જ એટલે કે મેહુલ દવે ગાંધીનગરના કલેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે RSS ના જુના જોગી કિશોરભાઈ દવેના બંને પુત્ર માધવ દવે અને મેહુલ દવે અલગ અલગ ક્ષેત્રમાં હાંસલ કરેલી સિદ્ધિના કારણે લોકો હર્ષભેર બોલતા થઈ ગયા છે કે બે ભાઈ અલગ અલગ ફિલ્ડમાં છે. પરંતુ બંનેનું વર્ચસ્વ ગુજરાતના બે મુખ્ય શહેર ઉપર થઈ ગયું છે. એક વાત બીજી પણ એટલી રસપ્રદ છે કે જેમનું નામ આજે પણ સન્માન થી લેવાય છે એવા બંને ભાઈઓના પિતા કિશોરભાઈ દવે ભૂતકાળમાં અમરેલી નગરપાલિકાના પ્રમુખ પણ બન્યા હતા અને અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પણ તેમણે ખૂબ જ અસરકારક કામગીરી કરી હતી અને હવે તેમના પુત્ર માધવ દવે રાજકોટ ભાજપના પ્રમુખ બન્યા છે. આમ પિતાએ પક્ષને મજબૂત કરવા જિલ્લામાં જોર લગાડ્યું હતું તો હવે તેમનો પુત્ર તેમના પથ ઉપર ચાલી શહેર ભાજપની કામગીરીને પણચાર ચાંદ લગાડશે.
ઇન્કમટેક્સના DGની અચાનક બદલી પાછળ કયા દરોડાની કાર્યવાહી કારણભૂત
ગુજરાત ઇન્કમટેક્સના ઇન્વિસ્ટીગેશન વિંગના DG પિયુષ જૈન ની અચાનક થયેલી બદલીથી રાજ્યનું વહીવટી તંત્ર પણ હલબલી ગયું છે. જનરલી ગુજરાતના વહીવટી તંત્રમાં આ રીતે અનેક વખત બદલી થઈ છે. પરંતુ કેન્દ્રના મોટા અધિકારીની એકાએક બદલી કરવાની ઘટનાએ કેન્દ્રના અધિકારીઓને પણ ચોંકાવી દીધા છે. રાજ્યમાં ઇન્કમટેક્સના પડેલા દરોડામાંથી જ કોઈ એક કેસ DGની બદલી પાછળ કારણભૂત હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
ગુજરાતના DG ઇન્કમટેક્સ તરીકે પિયુષ જૈનએ એક વર્ષ પહેલા ચાર્જ સંભાળ્યો હતો. તેમના સમયગાળા દરમિયાન રાજ્યમાં અનેક જગ્યાએ દરોડા પડ્યા હતા અને ઇન્કમટેક્સને બહુ મોટી માત્રામાં કાળું નાણું મળી આવ્યું હતું. જોકે ચાલુ સપ્તાહમાં જ તેમની એકાએક બદલીનો ઓર્ડર આવી ગયો હતો. કોઈને પણ કલ્પના ન હોય એ રીતના બદલીના ઓર્ડરમાં તેમને તાત્કાલિક અસરથી ચાર્જ છોડી દેવાનો આદેશ આવ્યો અને દિલ્હીમાં સાઈડપોસ્ટિંગમાં મૂકી દેવામાં આવ્યા. પિયુષ જૈન ટૂંક સમયમાં મેમ્બર બનવાના હતા અને તેમનું નામ CBDTના ચેરમેન તરીકે ચાલતું હતું એવા ટાંણે જ મેમ્બર બને તે પહેલા જ તેમને જોરનો ઝટકો લાગી ગયો છે. ગુજરાત ઇન્કમટેક્સ DGના વધારાના ચાર્જ તરીકે પુનાના DG ઇન્વેસ્ટીગેશન સંદીપ પ્રધાનને હવાલો સોંપવામાં આવ્યો છે સંદીપ પ્રધાનનુ ગુજરાત કનેક્શન પણ જબરું છે તેઓ ઇન્કમટેક્સમાં હોવા છતાં ગુજરાતમાં પાંચ વર્ષ સુધી ડેપ્યુટેશન ઉપર DG સ્પોર્ટ્સ ઓથોરિટી તરીકે સેવા આપી ચૂક્યા છે.
હવે વાત કરીએ પિયુષ જૈનની બદલી શા માટે થઈ? જોકે આ સવાલનો જવાબ મળી રહ્યો નથી પિયુષ જૈન સાથે કામગીરીમાં સંકળાયેલા અધિકારીઓ પણ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને ઇન્કમટેક્સના વડાની બદલીનું કારણ કોઈને સમજાતું નથી પરંતુ જે રીતે તેમની બદલી થઈ છે એ જોતા કોઈ ચોક્કસ કારણ હશે જ તેવું સૌ કોઈ લોકો માની રહ્યા છે. પિયુષ જૈન ઇન્કમટેક્સના DGહોવાના કારણે ચોક્કસ કોઈ દરોડાનો કેસ નડી ગયો હશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે હવે તેમના સમયગાળા દરમિયાન રાજ્યમાં અનેક જગ્યાએ સર્ચ ઓપરેશન થયા હતા પરંતુ ક્યાં ઓપરેશનમાં શું પ્રશ્ન થયોઅને તેમની બદલી થઈ ગઈ તે અંગે જાત જાતની અટકળો ચાલી રહી છે. હવે બદલી શા માટે થઈ એનો જવાબ તો કેન્દ્રનું નાણામંત્રાલય જ આપી શકે અથવા તો પિયુષ જૈનને ખબર હોય પરંતુ બંને સોર્સ પાસેથી કોઈ માહિતી મળી શકે તેમ નહીં હોવાના કારણે બધા જુદા જુદા કારણો જણાવી રહ્યા છે.
ઇન્કમટેક્સના DGની પોસ્ટ ચીફ પ્રિન્સિપલ કમિશનર દરજ્જાની હોય છે ત્યારે આટલા મોટા અધિકારીની અચાનક બદલી કરી નાખીને તેમને દિલ્હીમાં સાઈડમાં મૂકી દેવાની ઘટનાએ કેન્દ્રના તમામ અધિકારીઓ ની ઊંઘ હરામ કરી દીધી છે જોકે ગુજરાતના અધિકારીઓ માટે આ નવું નથી પરંતુ સેન્ટ્રલના અધિકારીઓને પણ કેન્દ્ર સરકારે ઇન્કમટેક્સના DGની બદલી કરીને એક નવો જ સંદેશ આપ્યો છે.
હોળી સેલિબ્રેશનમાં સિનિયરોની હાજરી તો જુનિયર ઘેરહાજર..!
હોળી ઉત્સવના ઉજવણીના કાર્યક્રમમાં આ વખતે સિનિયર IAS અધિકારીઓ હાજર રહ્યા હતા. તો જુનિયર અધિકારીઓની ગેરહાજરી જોવા મળી હતી ઘણા બધા ઓફિસરો એવું કહેતા સાંભળવા મળ્યા હતા કે હોળીની રજામાં જુનિયર ઓફિસરો ઘેરહાજર હતા..
ગુજરાત IAS એસોસિએશન દ્વારા દર વર્ષે હોળીના દિવસે ઉજવણીના કાર્યક્રમનું આયોજન થતું હોય છે આ વખતે આયોજન ગાંધીનગર જીમ ખાના ખાતે થયું હતું. સૌથી મોટી હાઈલાઈટ એ હતી કે હોલિકા દહન અને ફૂલોથી રમાયેલી હોળીમાં મોટાભાગના સિનિયર અધિકારીઓ હાજર રહ્યા હતા. આ સિલિબ્રેશનના કાર્યક્રમમાં નિવૃત્ત થયેલા અધિકારીઓ પણ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. ઊંડીને આંખે વળગે એવી બાબત હતી કે સંખ્યાબંધ જુનિયર અધિકારીઓ આ ઉત્સવથી દૂર રહ્યા હતા. આ મુદ્દો સિનિયર અધિકારીઓમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું.
દિવાળી, બેસતા વર્ષ અને અન્ય તહેવારો દરમિયાન થતા ગેટ ટુ ગેધર માં પહેલા અધિકારીઓની સંખ્યા બહુ મોટા પ્રમાણમાં રહેતી હતી પરંતુ આ વખતે હોળી ધુળેટીની ઉજવણી અમદાવાદના બદલે ગાંધીનગર રાખવામાં આવી હતી પરંતુ સૌથી મોટો સવાલ એ ઉપસ્થિત થયો કે જેટલી સંખ્યા થવી જોઈએ એટલી સંખ્યા થઈ ના હતી અને હાજરીમાં પણ સિનિયરો ઉપસ્થિત હતા પરંતુ ઘણા બધા જુનિયર અધિકારીઓની ગેરહાજરી દેખાઈ હતી.
ગાંધીનગર જીમખાનામાં હોલિકા દહનનો કાર્યક્રમ પણ યોજાયો હતો અને સાથોસાથ ધુળેટીની પૂર્વ સંધ્યાય ફૂલોથી અધિકારીઓ હોળી રમ્યા હતા અને ત્યારબાદ ડિનરનો કાર્યક્રમ પણ યોજાયો હતો પરંતુ ચર્ચાનો મુદ્દો જુનિયર અધિકારીની ગેરહાજરીનો રહ્યો હતો.
હવે ગમે ત્યારે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની જાહેરાત
હોળી ધુળેટીના તહેવારની પૂર્ણાહુતિ ની સાથે હોળાષ્ટક પણ પૂર્ણ થઈ ગયું છે ત્યારે ભાજપ વર્તુળો એવું માની રહ્યા છે કે હવે ગમે ત્યારે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થઈ જશે અને ગણતરીના દિવસોમાં જ સીઆર પાટીલના અનુગામીની પસંદગી થઈ જશે.
રાજ્યમાં જિલ્લા શહેર ભાજપના પ્રમુખ ની પસંદગી હોળાષ્ટક પહેલા થઈ જતા એવું લાગતું હતું કે હોળી ધુળેટીના તહેવાર બાદ જ પ્રદેશ પ્રમુખની ગતિવિધિ શરૂ થશે. હવે જ્યારે હોળાષ્ટક પૂર્ણ થઈ ગયું છે ત્યારે ફરીથી અટકળો શરૂ થઈ ગઈ છે કે ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ બહુ જલ્દીથી મળી શકે તેમ છે.
લાંબા સમયથી પ્રદેશ પ્રમુખની પસંદગીમાં 'તારીખ પે તારીખ ' જેવો ઘટના ક્રમ થઈ રહ્યો છે પરંતુ જેમ અચાનક શહેર જિલ્લા ભાજપ પ્રમુખની જાહેરાત થઈ એવી જ રીતે પ્રદેશ પ્રમુખની પણ જાહેરાત કરવા તરફ હાઈ કમાન્ડ આગળ વધી રહ્યું હોય તેવું મનાઈ રહ્યું છે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની ચૂંટણીના ઇન્ચાર્જ ભુપેન્દ્ર યાદવ પણ હવે બે ત્રણ દિવસમાં જ ગુજરાત આવશે તેવું સૌ કોઈ લોકો જણાવી રહ્યા છે. જોકે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. પરંતુ એક પછી એક સંગઠનના કામ જે રીતે આગળ વધી રહ્યા છે તે જોતાં ગુજરાત ભાજપના નેતાઓ એવું માની રહ્યા છે કે હવે ગણતરીના દિવસોમાં જ ગુજરાત ભાજપને નવા પ્રમુખ મળી જશે. જો કે આ પ્રમુખ ક્યાં ઝોનમાંથી આવશે તેની ચર્ચા પણ હવે થતી નથી.લગભગ લોકો એવું માની રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ચર્ચાતી વાતથી કોઈ અલગ જ નામ જાહેર કરાવશે. મોટાભાગના નેતાઓ એવું જણાવી રહ્યા છે કે પ્રદેશ પ્રમુખની પસંદગીમાં મગજ ચલાવવાનું બંધ કરી દો.. આમ આમ નવા પ્રદેશ પ્રમુખ ક્યાં ઝોન માંથી આવશે એ ચર્ચાનો તો અંત આવી ગયો છે પરંતુ બહુ જલ્દી નવા પ્રમુખ આવી જાય તેવી આશા સૌ કોઈ રાખી રહ્યું છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats
app.com/L1eF5HL2qu51EIqrPVyoHB