ગાંધીનગરની ગોસિપ..
આર પી ગુપ્તાની વહેલી વિદાય પાછળ કોણ જવાબદાર?
દિલ્હીમાં ડેપ્યુટેશન પર ગયા બાદ નિવૃત્ત થયા પછી મહત્વની જવાબદારી સંભાળી રહેલા ગુજરાત કેડરના નિવૃત IAS અધિકારી આરપી ગુપ્તાને એક મહિના પહેલા તેમનો કાર્યકાળ પૂર્ણ કરી દેવામાં આવતા ગુજરાતની લોબીમાં સમગ્ર ટોપીક ચર્ચાના ચકડોળે ચડ્યો છે. એક મહિના પછી જ કાર્યકાળ પૂર્ણ કરનાર ગુપ્તાને શું નડી ગયું તે બાબતમાં જાત જાતની વાતો ચાલી રહી છે.
આર.પી.ગુપ્તા
ગુજરાત કેડરના IAS ઓફિસર આરપી ગુપ્તા લાંબા સમયથી ડેપ્યુટેશન ઉપર હતા અને નિવૃત્ત થયા બાદ તેમને બે વર્ષ માટે કેન્દ્ર સરકારની સોલાર કંપનીના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા હતા. તેમનો કાર્યકાળ એક માસ પહેલા પૂર્ણ થવાનો હતો પરંતુ કેન્દ્ર સરકારે તેમને એક માસ પહેલા જ ફ્રી કરી દીધા હતા. આર પી ગુપ્તાને એક માસ પહેલા શા માટે છૂટા કરી દેવાયા એ માટે જાત જાતની ચર્ચાઓ ચાલી રહી છે.
રાજ્યના સચિવાલયમાં ચાલી રહેલી ચર્ચા મુજબ એક મોટી કોર્પોરેટ કંપની ગુપ્તાને નડી ગઈ હોવાની વાતો ચાલે છે જોકે આમાં જ્યાં સુધી ગુપ્તા કોઈ સત્તાવાર વાત ન કરે ત્યાં સુધી મોઢા એટલી વાતો ચાલી રહી છે. એવું સંભળાઈ રહ્યું છે કે ગુજરાતની જ એક મોટી કંપનીએ ફરિયાદ કરતા ગુપ્તાને એક માસ પહેલા છુટા કરી દેવામાં આવ્યા છે. હવે કારણ જે હોય તે પરંતુ ગુજરાતમાં આ ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે.
અમદાવાદમાં ITનું ઓપરેશન શા માટે પાછું ઠેલાયું?
અમદાવાદમાં એક મીડિયા હાઉસ સહિત અનેક જગ્યા ઉપર ચાલુ સપ્તાહમાં પણ પડેલા દરોડાનું ઓપરેશન એક સપ્તાહ પહેલા જ આયોજિત થયું હતું. પરંતુ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ સર્જાતા આ ઓપરેશન પાછું ઠેલાયું હતું એવી વાત જાણવા મળી છે કે 7મેના રોજ આ ઓપરેશન પ્લાન થયું હતું. પરંતુ તણાવ પરિસ્થિતિ વચ્ચે એર સ્ટ્રાઈક થઈ જતા ઓપરેશન પાછું ગયું હતું અને ચાલુ સપ્તાહમાં અમદાવાદમાં દરોડા પડ્યા હતા.
અમદાવાદમાં ચાલુ સપ્તાહમાં મોટા પાયે પડેલા દરોડાનું આયોજન દિલ્હી અને મુંબઈથી ગત તારીખ 7 મેના રોજ થયું હતું આ ઓપરેશન માટે બહારગામથી આવનાર પાસે 100 જેટલા અધિકારીઓની ફ્લાઈટમાં ટિકિટ પણ બુક થઈ ગઈ હતી. પરંતુ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ સર્જાતા ઓપરેશન મૂલતવી રાખવામાં આવ્યું હતું અને પરિસ્થિતિ એ સર્જાઈ હતી કે ફ્લાઈટમાં બુક થયેલી તમામ ટિકિટો કેન્સલ કરવામાં આવી હતી.
એવી વાત પણ સંભળાય છે કે દિલ્હી મુંબઈથી મોટાપાયે ઇન્કમટેક્સની ટીમ આવનાર હોવાના કારણે ગુજરાતમાં પણ મોટું ઓપરેશન થશે એવી અફવા ફેલાઈ હતી. પરંતુ 7 મેનુ ઓપરેશન મુલતવી રહેતા અફવા હશે એવું માનીને સૌ કોઈએ વાત પડતી મૂકી હતી. પરંતુ પરિસ્થિતિ શાંત થતા ઓપરેશન ફરી ગોઠવાયું હતું અને ચાલુ સપ્તાહમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં આશરે 35 થી 40 જગ્યાએ દરોડા પડ્યા હતા
જોકે ઇન્કમટેક્સમાં જવલ્લે જ બનતી ઘટના ગુજરાતમાં બની હતી એક વખત ઓપરેશન નક્કી થયા પછી બહુ ઓછી વખત દરોડાની કાર્યવાહી સ્થગિત થતી હોય છે અને આવું જ અમદાવાદમાં પડેલા દરોડામાં થયું છે.
શ્વાન રજીસ્ટ્રેશનની વાતથી અધિકારીઓ પણ ફફડી ઊઠ્યા
અમદાવાદમાં નાની માસુમ બાળકીને એક શ્વાને ફાડી ખાધા બાદ શ્વાન રજીસ્ટ્રેશન જાહેર થવાની સાથે જ અધિકારીઓ પણ ફફડી ગયા છે. વાત એવી આવી રહી છે કે રાજ્યમાં ફરજ બજાવતા મોટા ભાગના અધિકારીઓને ત્યાં એક અથવા એકથી વધારે શ્વાન છે ત્યારે સવાલ એવો ઉપસ્થિત થાય છે કે આ અધિકારીઓએ શ્વાનનું રજીસ્ટ્રેશન કરાવ્યું હશે. જોકે ઘણા અધિકારીઓ તો અમદાવાદમાં પણ રહે છે ત્યારે આ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે કે કેમ એ પણ એક મોટો સવાલ ઉપસ્થિત થયો છે જોકે અધિકારીઓમાં તો હોતી હે ચલતી હે ચાલે છે એમ કોઈ પણ રીતે રસ્તો કાઢી લેવામાં આવશે તેમ મનાઈ રહ્યું છે.
અમદાવાદમાં એક નાનકડી બાળકીને શ્વાને ફાડી ખાધા બાદ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો હતો અને તાત્કાલિક અસરથી શ્વાન રજીસ્ટ્રેશન અમલમાં લાવવામાં આવ્યું હતું જેના પગલે શ્વાનને રાખનાર માલિકો રજીસ્ટ્રેશનની કાર્યવાહીમાં જોડાવવું પડશે. જોકે સૌથી મોટો સવાલ એ ઉપસ્થિત થયો છે તે રાજ્યના મોટાભાગના અધિકારીઓ પાસે એકથી વધારે શ્વાન છે ત્યારે આ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે કે ખાટલે મોટી ખોટની માફક તેઓ પણ નિયમ સુકી ગયા છે તેવો પ્રશ્ન પુછાય રહ્યો છે.
રાજ્યના અનેક IAS અને IPS અધિકારીઓ અમદાવાદમાં રહે છે ત્યારે તેઓ રજીસ્ટ્રેશનની કાર્યવાહીમાં જોડાશે કે તેમણે રજીસ્ટ્રેશન કરાવ્યું છે કે નહીં તે સહિતના સવાલો ચાલી રહ્યા છે જોકે રજીસ્ટ્રેશનની વાત આવવાની સાથે જ અનેક અધિકારીઓ ચોકી ગયા છે જોકે કેટલાકે તો અમદાવાદમાં અગાઉ ફરજ પણ બજાવી છે ત્યારે નિયમની અમલવારીમાં ચૂકી ગયા છે કે હવે નિયમનું પાલન કરશે તે વાત પણ પુછાય રહી છે.
જોકે સચિવાલય અને અન્ય જગ્યાએ ચર્ચા ચાલી રહી છે કે નિયમ તો લોકોને લાગુ પડે છે ને અધિકારીઓ તો કોઈને કોઈ છટકબારી કરીને રસ્તો કાઢી લેશે પરંતુ શ્વાનમાં રજીસ્ટ્રેશન આવતા મોટી સંખ્યામાં લોકોએ હાશકારો અનુભવ્યો છે.
મીટીંગ ,સીટીંગ ઈટીંગ અને..
ગાંધીનગરમાં સતત ચાલી રહી છે મીટીંગ
ગાંધીનગરમાં સતત ચાલતા મિટિંગના દોરથી પ્રજાના પ્રતિનિધિઓ અને લોકો પરેશાન થઈ રહ્યા હોવાની સતત બુમરાણ ઉઠી રહી છે. પરંતુ ઉચ્ચ પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી.અગાઉ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સોમવાર અને મંગળવારે મીટીંગથી દૂર રહેવાના બહાર પાડેલા આદેશનું પણ હવે પાલન નથી થતું એવી ફરિયાદ ઉઠવા પામી છે. ગાંધીનગરના કોઈ પણ બ્લોકમાં કોઈપણ દિવસે તમે ચક્કર મારો તો 'સાહેબ મિટિંગમાં' છે તેવો જ જવાબ મળે છે. જોકે પ્રજાના પ્રતિનિધિઓ અને લોકો ફરિયાદ ક્યાં કરે તે પણ એક મોટો સવાલ ઉપસ્થિત થયો છે.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઈ આવ્યા ત્યારે તેમણે આ મીટીંગની માથાકૂટ ઓછી થાય તે માટે એક લેખિત આદેશ બહાર પાડ્યો હતો અને સોમવારે તેમજ મંગળવારે અધિકારીઓ મીટીંગથી દૂર રહેશે તેવી સૂચના આપી હતી પરંતુ આપણે ગુજરાતમાં તો કોઈ પણ જગ્યાએ 'શેઠની શિખામણ ઝાંપા'સુધી તે કહેવત મુજબ થોડો સમય નિયમનું પાલન થયું પરંતુ પાછળથી સતત મીટીંગનો દોર શરૂ થઈ ગયો હતો
પંકજ જોશી, મુખ્ય સચિવ
અત્યારે ગાંધીનગર સચિવાલયના કોઈપણ બ્લોકમાં કોઈપણ દિવસે અને કોઈપણ સમયે અરજદાર કે પછી પ્રજાના પ્રતિનિધિ કે કોઈપણ લોકો જાય છે ત્યારે સાહેબ મિટિંગમાં છે અને કલાકો પછી ફ્રી થશે તેવો જવાબ મળે છે. હકીકતમાં મંગળવાર પ્રજા અને પ્રજાના પ્રતિનિધિનો દિવસ હોય છે ત્યારે કેટલાક પદાધિકારીઓ અને અધિકારીઓ મળતા હોય છે પરંતુ અમુક અધિકારીઓ અને પદાધિકારીઓ મિટિંગમાં વ્યસ્ત હોવાના કારણે લોકો અને પ્રજાના પ્રતિનિધિઓને નિરાશ થઈને પરત ફરવું પડતું હોય છે.
સચિવાલયમાં આવતા લોકોમાં સતત પૂછાઇ રહ્યું છે કે દરરોજ ઢગલાબંધ મિટિંગની શા માટે જરૂર હોય છે જોકે વહીવટી તંત્રને તંત્ર ચલાવવા માટે મીટીંગ જરૂરી જ હોય છે પરંતુ દરરોજ સવારથી સાંજ સુધી મિટિંગનો દોર અને એક પણ દિવસ બ્રેક શા માટે નહીં એવો સવાલ પણ પૂછવામાં આવી રહ્યો છે લોકો તો એવું કહે છે કે, મુખ્યમંત્રીના આદેશનું પાલન ન થતું હોય તો ઉચ્ચ અધિકારીની વાત આ બાબુઓ ક્યાંથી સાંભળે? તો એક વાત એવી પણ છે કે મુખ્ય સચિવ પંકજ જોશીએ આનો રસ્તો કાઢવો જોઈએ.વહીવટી તંત્રના વડા મુખ્ય સચિવ હોય છે ત્યારે તેમણે પોતે દરેક કચેરીનું સુપરવિઝન કરાવીને એકાદ દિવસ બધા અધિકારીઓ ફ્રી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. જો કે મુખ્ય સચિવ પણ સતત દિવસમાં સતત મીટીંગોમાં જ વ્યસ્ત હોય છે ત્યારે તે પોતાના તાબા ના લોકોને કેવી રીતે સૂચના આપે? ગાંધીનગરમાં ચાલતી સતત મીટીંગથી મીડિયા પણ પરેશાન છે પરંતુ દરેક લોકોના મનમાં એક જ વાત છે કે રજૂઆત કરવા ક્યાં જવું અને પ્રશ્ન એ થાય છે કે જાય તો જાયે કહા.. જોકે આ પરિસ્થિતિનું નિરાકરણ મુખ્યમંત્રી અથવા મુખ્ય સચિવ જ કરી શકે તેમ છે. એક વાત એવી પણ સંભળાય છે કે પ્રજાના પ્રતિનિધિઓ આ બાબતે મુખ્યમંત્રી પાસે રજૂઆત કરવા જવાના છે હવે એ લોકો રજૂઆત કરવા જશે કે જેમ ચાલે એમ ચાલવા દેશે એ પણ આગળના સમયમાં ખબર પડશે. પરંતુ ગાંધીનગરમાં દરેક જગ્યાએ સતત મીટીંગ ના પ્રવાહથી લોકો પરેશાન છે એ હકીકત છે. હવે તો લોકો હસતા હસતા એવું પણ બોલે છે કે મીટીંગ.. ઇટીંગ.. સીટીંગ.. પછી કઈ આગળ બોલવા જેવું નથી.
હવે જિલ્લા આયોજન મંડળ વધુ સક્ષમ બનશે
ગુજરાતમાં દર વખતે કેબિનેટ પહેલા મળતી સેક્રેટરીઓની મિટિંગમાં આ વખતે જિલ્લા આયોજનનો મુદ્દો સતત છવાયેલો રહ્યો હતો. દરેક જિલ્લામાં કામ કરતા જિલ્લા આયોજન મંડળને વધુ સક્ષમ બનાવવાની દિશામાં ચર્ચા વિચારણા થઈ હતી જેના હિસાબે હવે દરેક કલેકટર કચેરીમાં જિલ્લા આયોજન મંડળ તરફ વધુ ધ્યાન અપાશે.
આ વખતે બુધવારે COSની મળેલી બેઠકમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી પરંતુ અસરકારક રીતે દરેક જિલ્લામાં કામ નહીં કરી રહેલા જિલ્લા આયોજન મંડળને વધુ મજબૂત બનાવવાની દિશામાં ફોકસ થયું હતું. મુખ્ય સચિવ પંકજ જોશીએ આ મુદ્દાને આગળ કરીને હવેથી જિલ્લા આયોજન મંડળમાં કામ વધુ અસરકારક રીતે થાય અને લોકોને વધુ લાભ મળે તે દિશામાં કામ કરવા સૂચના આપી હતી. આ બાબતમાં દરેક જિલ્લાના પ્રભારીને કલેકટરો સાથે સંકલન કરીને કામ આગળ વધારવા તાકીદ કરવામાં આવી હતી. જેના પગલે હવે એવું લાગી રહ્યું છે કે દરેક જિલ્લામાં આયોજન મંડળ વધુ અસરકારક બનશે.
પહેલાના સમયમાં આયોજન મંડળની મીટીંગ મળતી હતી અને મિટિંગમાં ચર્ચા મુજબના કામો આગળ વધારવામાં આવતા હતા પરંતુ છેલ્લા કેટલાક સમયથી કામગીરી ઠંડી પડી હોવાની રજૂઆતના પગલે ચિલ્લા આયોજન મંડળને વધુ મજબૂત બનાવવા તરફ ચર્ચા થઈ હતી અને જરૂરી સુચના અપાઈ હતી.