દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદી માહોલ જારી રહ્યો છે. તે જ સમયે, ગુજરાત, તેલંગાણા અને આંધ્રપ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. હવામાન વિભાગે 4 સપ્ટેમ્બરે આંદામાન અને નિકોબાર ટાપુઓ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને પૂર્વ ગુજરાતના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે.
આ વર્ષે અત્યાર સુધીમાં ગુજરાતમાં સિઝનના સરેરાશ વરસાદના 116 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હજુ પણ વરસાદ ચાલુ છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. વર્તમાન પરિસ્થિતિમાં ચાર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને કારણે અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જારી કરવામાં આવી છે.
અમદાવાદ હવામાન વિભાગના નિયામક એ.કે. દાસે જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિમાં ગુજરાત પર લો પ્રેશર, શીયર ઝોન, મોનસૂન ટ્રફ અને સાયક્લોનિક સરક્યુલેશન પ્રવર્તી રહ્યું છે, જેના કારણે આગામી બે દિવસમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. ગઈકાલ સુધી, ઑફશોર ટ્રફ પણ ગુજરાત ઉપર હાજર હતો, પરંતુ હવે તે લેસ માર્કમાં ફેરવાઈ ગયો છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન પણ નબળું પડીને લો પ્રેશરમાં પરિવર્તિત થયું છે. તેથી માછીમારોને દરિયા કિનારે ન જવા ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગે 4 સપ્ટેમ્બરે ગુજરાતના બનાસકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. દરમિયાન 5 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આગામી 2 દિવસમાં આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ ઉપરાંત 6 સપ્ટેમ્બરે અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 7 સપ્ટેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને 8 અને 9 સપ્ટેમ્બરે નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં વરસાદ ચાલુ છે. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન ભરૂચના વાલિયા તાલુકામાં સૌથી વધુ 12 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ તાપીના સોનગઢમાં 10 ઈંચથી વધુ અને વ્યારા તાલુકામાં 9 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં ડાંગ જિલ્લામાં સૌથી વધુ સરેરાશ 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે સમગ્ર તાપી જિલ્લામાં 5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
3 સપ્ટેમ્બર 2024ના રોજ સવારે 6 વાગ્યા સુધી રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 116 ટકાથી વધુ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 179 ટકાથી વધુ વરસાદ કચ્છ વિસ્તારમાં નોંધાયો છે, ત્યારબાદ સૌરાષ્ટ્ર વિસ્તારમાં 125 ટકાથી વધુ અને દક્ષિણ ગુજરાત વિસ્તારમાં 117 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં 113 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનના કુલ સરેરાશ વરસાદના 95 ટકા વરસાદ નોંધાયો છે.
દેશનું હવામાન કેવું રહેશે?
હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટ અનુસાર, આગામી 24 કલાક દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને પૂર્વ ગુજરાતના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. જ્યારે વિદર્ભ, કોંકણ અને ગોવા, તટીય કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરપૂર્વ ભારતમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત પશ્ચિમ હિમાલય, પંજાબ, હરિયાણા, ઓડિશા, રાયલસીમા, કેરળ અને લક્ષદ્વીપના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને તમિલનાડુમાં હળવો વરસાદ થઈ શકે છે.