છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં મંગળવારે નક્સલ વિરોધી અભિયાન દરમિયાન ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) બ્લાસ્ટને કારણે બે સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા હતા. આ સાથે અન્ય એક સૈનિક સ્પાઇક ટ્રેપ પર પગ મૂકતાં ઘાયલ થયો હતો. ઘાયલ જવાનોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આ પછી તેમને વધુ સારવાર માટે રાયપુર લઈ જવામાં આવ્યા હતા.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના બીજાપુર અને દંતેવાડા જિલ્લાની સરહદ પર સ્થિત જંગલમાં બની હતી. ત્યાં સુરક્ષા દળોની સંયુક્ત ટીમ નક્સલ વિરોધી અભિયાન પર નીકળી હતી. ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનો પણ તેમાં સામેલ હતા. આ દરમિયાન બે સૈનિકો પ્રેશર એક્ટિવેટેડ IEDના સંપર્કમાં આવ્યા હતા. જેના કારણે વિસ્ફોટ થયો હતો, જેમાં બે જવાન ઘાયલ થયા હતા. ત્રીજો સૈનિક નક્સલવાદીઓ દ્વારા ગોઠવવામાં આવેલી સ્પાઇક ટ્રેપ પર પગ મૂકતાં ઘાયલ થયો હતો.
ઘાયલ જવાનોને રાયપુરની શ્રી નારાયણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બંને ઘાયલ જવાનોની ઓળખ ડીઆરજી કોન્સ્ટેબલ વિજય કુમાર (26) અને સીઆરપીએફ કોન્સ્ટેબલ પ્રમોદ કુમાર (42) તરીકે થઈ છે.
બીજી તરફ બીજાપુર જિલ્લાના એક ગામમાં નક્સલીઓએ બે લોકોની હત્યા કરી નાખી છે. આ ઘટના સોમવારે રાત્રે તારેમ પોલીસ સ્ટેશન વિસ્તારના બગડીચેરુ ગામમાં બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર, અજાણ્યા નક્સલીઓએ ધારદાર હથિયાર વડે બે ગ્રામવાસીઓનું ગળું કાપીને હત્યા કરી નાખી. તેમની ઓળખ કરમ રાજુ (32) અને માદવી મુન્ના (27) તરીકે થઈ છે. જેમાં બંનેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આ ઘટનાની માહિતી મળ્યા બાદ મંગળવારે સવારે પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.