વડોદરામાં પૂર આવ્યુ અને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભાજપના નેતાઓ અને પ્રશાસનના પદાધિકારીઓ લોકોની મદદ કરવાને બદલે ઉલટાનું બળતામાં ઘી હોમતા જોવા મળ્યા છે. હમણાં જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું કે વિશ્વામિત્રીમાં સંભવતઃ પૂર સામે ટ્યૂબ, તરાપા અને દોરડા લોકોએ રાખવા જોઈએ. જેમનો ભરુપુર વિરોધ થયો અને પછી માફી માંગી હતી. ત્યારે આજે કોંગ્રેસે જનઆક્રોશ રેલી યોજી હતી અને મોટી સંખ્યામાં પૂર પીડિતો એ રેલીમાં જોડાયા હતા. જેમાં કોંગ્રેસના ગુજરાત રાજ્યના પ્રભારી મુકુલ વાસનિકે રાજકીય પ્રહાર કરતા કહ્યું કે, વડોદરાના રહિશોએ 2014માં નરેન્દ્ર મોદીને જીતાડીને દિલ્હી મોકલ્યા હતા, પણ દિલ્હીમાં ગયા બાદ પીએમ મોદી વડોદરાવાસીઓને ભૂલી ગયા.
વડોદરામાં આવેલા વરસાદી પૂરના મુદ્દે કોંગ્રેસના ગુજરાત રાજ્યના પ્રભારી મુકુલ વાસનિકે કહ્યું છે કે, ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે છતા વડોદરાને પૂરથી બચાવી શક્યા નથી. મુકુલ વાસનિકે રાજકીય પ્રહાર કરતા કહ્યું કે, વડોદરાના રહિશોએ 2014માં નરેન્દ્ર મોદીને જીતાડીને દિલ્હી મોકલ્યા હતા, પણ દિલ્હીમાં ગયા બાદ પીએમ મોદી વડોદરાવાસીઓને ભૂલી ગયા. વડોદરામાં આવેલા વિનાશક પૂર માટે સરકાર જવાબદાર છે. લોકોની કિંમતી ચીજવસ્તુઓ પાણીમાં ખરાબ થઈ ગઈ છે. સરકાર દ્વારા સર્વે પણ યોગ્ય અને સાચો થયો નથી. જેના કારણે સાચા અસરગ્રસ્તો સહાયથી વંચિત રહેશે.
કોંગ્રેસે કલેકટરને પાઠવ્યું આવેદન પત્ર
બોટ અને બેનરો સાથેની રેલી કલેક્ટર ઓફિસ પહોંચી હતી. જ્યાં પોલીસ દ્વારા લોકો અને કાર્યકરોને અંદર જતાં રોકવામાં આવ્યા હતાં. જે બાદ માંગણીઓ મુખ્યમંત્રી સુધી પહોંચાડવાની માગ સાથે કોંગ્રેસે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જે બાદ કલેક્ટર ઓફિસે જ રેલી પૂર્ણ કરવામાં આવી હતી.
જન આક્રોશ રેલીનો થયો હતો વિરોધ
કોંગ્રેસની જનઆક્રોષ રેલીના વિરોધમાં આવેલા લોકોએ જણાવ્યું કે, અમે માણેજા, મકરપુરા, જાબુઆ, તરસાલી વિસ્તારમાંથી આવ્યા છીએ. અમે 500 જેટલા લોકો વિરોધ કરવા આવ્યા છીએ. અમે ભાજપને સમર્પિત છીએ. અમને કોંગ્રેસ નથી ગમતી. અમને ભાજપે ખુબ સપોર્ટ કર્યો છે. અત્યારે પૂર આવ્યું તેમાં કીટો અને ઘરે ઘરે લોકોને દુધ અને પાણી પહોંચાડ્યા છે. અમે કોઇના કહેવાથી આવ્યા નથી.
વિરોધ મામલે જાણો શું કહ્યું કોંગ્રેસ શહેર પ્રમુખે
કોંગ્રેસના શહેર પ્રમુખ રૂત્વિજ જોષીએ જણાવ્યું કે, આ લોકો ભાજપના છે. અમે તો રાહુલ ગાંધીના સિપાહીઓ છીએ. નફરત કે બાઝાર મેં મહોબ્બતકી દુકાન ખોલી રહ્યા છીએ. અમે તમામને નમન કરી રહ્યા છીએ, તેમને પણ જોડાવવા માટે કહી રહ્યા છીએ.