IND vs PAK : ભારત-પાકિસ્તાન મેચ લો-સ્કોરિંગ હોઈ શકે છે, પીચને લઈ મોટું અપડેટ આવ્યું સામે
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની છે. રિપોર્ટ અનુસાર, જે પીચ પર નેધરલેન્ડ-દક્ષિણ આફ્રિકા મેચ રમાઈ હતી તે જ પીચ પર ભારત-પાકિસ્તાનની મેચ રમાઈ શકે છે.
ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 9 જૂન (રવિવાર) ના રોજ ન્યુયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની છે. બંને ટીમો વચ્ચેની આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે શરૂ થશે. આ મેચમાં ભારતીય ટીમની કમાન રોહિત શર્મા સંભાળશે, જ્યારે પાકિસ્તાન ટીમની જવાબદારી બાબર આઝમના ખભા પર રહેશે.
આ મેચ પહેલા ન્યૂયોર્કની પિચને લઈને મહત્વની વિગત સામે આવી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ અહીં ડ્રોપ-ઈન પિચ પર સવાલ ઉઠાવ્યા હતા. રોહિતે કહ્યું હતું કે ક્યુરેટરને પણ ખબર નથી કે પિચ કેવી રીતે વર્તે છે. રોહિતે કહ્યું હતું કે ભારતીય ખેલાડીઓ ડ્રોપ-ઇન પિચોથી બહુ પરિચિત નથી.
આ પીચ પર ભારત-પાકિસ્તાનની મેચ થશે!
હવે આ મેચને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. રિપોર્ટ અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ એ જ પીચ પર રમાઈ શકે છે, જેના પર નેધરલેન્ડ-દક્ષિણ આફ્રિકાની મેચ યોજાઈ હતી. દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ વચ્ચે 8 જૂને મેચ રમાઈ હતી. તે મેચને 24 કલાક પણ વીતી નથી.
તે મેચમાં દક્ષિણ આફ્રિકાએ નેધરલેન્ડને માત્ર 103 રનમાં આઉટ કરી દીધું હતું. જોકે, લક્ષ્યનો પીછો કરતી વખતે દક્ષિણ આફ્રિકાની ટીમ પણ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી અને રન ચેઝ દરમિયાન છ વિકેટ ગુમાવી દીધી હતી. જો જોવામાં આવે તો હવે આ મેદાન પર ચાર T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. આ મેદાન પર સર્વોચ્ચ સ્કોર 137 રન છે, જે કેનેડાએ આયર્લેન્ડ સામે બનાવ્યો હતો. આ ચાર મેચોમાંથી ત્રણમાં, બીજી બેટિંગ કરનારી ટીમ વિજયી બની હતી, જ્યારે એક મેચમાં કેનેડાએ આયર્લેન્ડ સામે લક્ષ્યનો સફળતાપૂર્વક બચાવ કર્યો હતો.