ભારતીય મહિલા ટીમે ત્રીજી ODIમાં આયર્લેન્ડની મહિલા ટીમને 304 રને હરાવી અને ક્લીન સ્વીપ કરીને શ્રેણી 3-0થી જીતી લીધી છે. આ મેચમાં ભારત માટે બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય ટીમની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો જે સાચો સાબિત થયો. પ્રથમ બેટિંગ કરતા ટીમે 435 રન બનાવ્યા હતા, જેના જવાબમાં આયરલેન્ડ 131 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું અને ભારતીય મહિલા ટીમે ODI ક્રિકેટમાં પોતાની સૌથી મોટી જીત નોંધાવી છે.
ભારતીય મહિલા ટીમે પ્રથમ વખત મેળવી મોટી જીત
આ પહેલા વર્ષ 2017માં ભારતીય મહિલા ટીમે આયર્લેન્ડ સામેની ODI મેચમાં 249 રનથી જીત મેળવી હતી, જેમાં ભારતીય ટીમની કેપ્ટન મિતાલી રાજ હતી. હવે સ્મૃતિ મંધાનાની કેપ્ટન્સીમાં ભારતે આ રેકોર્ડને પલટી નાખ્યો અને 304 રનથી મેચ જીતીને ઈતિહાસ રચ્યો છે. કારણ કે પ્રથમ વખત ભારતીય મહિલા ટીમે 300 પ્લસ રનથી ODI મેચ જીતી છે અને આવું માત્ર મંધાનાની કેપ્ટનશીપમાં જ બન્યું છે.
ODI ક્રિકેટમાં ભારતીય મહિલા ટીમની સૌથી મોટી જીતઃ
આયર્લેન્ડ સામે 304 રનથી જીત, વર્ષ 2025
આયર્લેન્ડ સામે 249 રને જીત, વર્ષ 2017
વેસ્ટ ઈન્ડિઝ સામે 211 રને જીત, વર્ષ 2024
પાકિસ્તાન સામે 207 રનથી જીત, વર્ષ 2008
પ્રતિકા રાવલે 154 રનની રમી ઇનિંગ
પ્રથમ બેટિંગ કરતા ભારતીય મહિલા ટીમે 435 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ટીમ માટે પ્રતિકા રાવલે 154 રન અને સ્મૃતિ મંધાનાએ 135 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય રિચા ઘોષે 59 રનની ઇનિંગ રમી હતી. આ ખેલાડીઓના કારણે જ ભારતીય ટીમ જોરદાર મોટો સ્કોર કરવામાં સફળ રહી હતી.
દીપ્તિ શર્માએ ત્રણ વિકેટ ઝડપી
આ પછી આયર્લેન્ડ ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. જ્યારે ગેબી લેવિસ માત્ર એક બનાવીને આઉટ થઈ ગઈ હતી. કુલ્ટર રેલી પણ ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફરી હતી. ઓર્લા પ્રેન્ડરગાસ્ટે 36 રનનું યોગદાન આપ્યું હતું. સારાહ ફોર્બ્સે 41 રન બનાવ્યા હતા. બાકીના બેટ્સમેનો રન બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા. ભારતીય બેટ્સમેનો બાદ બોલરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. દીપ્તિ શર્માએ સૌથી વધુ ત્રણ વિકેટ પોતાના નામે કરી હતી. તેના સિવાય તનુજા કવરે બે વિકેટ લીધી હતી. તિતાસ સાધુ, સયાલી સાતઘરે અને મીની મણીએ એક-એક વિકેટ ઝડપી હતી.