ICC એવોર્ડ્સમાં ભારતની ડબલ ધમાલ; બુમરાહ-મંધાનાએ મારી બાજી
બુમરાહે ICCને ટાંકીને કહ્યું , 'મારા માટે આ એક ખાસ સિદ્ધિ છે', જૂન મહિના માટે આઈસીસી સર્વશ્રેષ્ઠ ખેલાડીનો એવોર્ડ જીતીને હું ખૂબ જ અભિભૂત છું. અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યાદગાર દિવસો પછી આ મારા માટે ખાસ સિદ્ધિ છે. મંધાનાએ કહ્યું, હું જૂન મહિના માટે ICC મહિલા શ્રેષ્ઠ ખેલાડીનો એવોર્ડ જીતીને ગર્વ અનુભવું છું. ટીમે જે રીતે પ્રદર્શન કર્યું અને તેમાં મારા યોગદાનથી હું ખૂબ જ ખુશ છું.
T20 વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરનાર ભારતીય ઝડપી બોલર જસપ્રિત બુમરાહે કેપ્ટન રોહિત શર્માને હરાવીને જૂન મહિના માટે ICC શ્રેષ્ઠ ખેલાડીનો એવોર્ડ જીત્યો હતો. આ મામલે બુમરાહે માત્ર રોહત જ નહીં પરંતુ અફઘાનિસ્તાનના રહેમાનુલ્લા ગુરબાઝને પણ પાછળ છોડી દીધો છે. જ્યારે મહિલા કેટેગરીમાં ભારતીય ઉપ-કેપ્ટન સ્મૃતિ મંધાના વિજેતા તરીકે થઈ છે.
T20 વર્લ્ડકપમાં બુમરાહનુ જોરદાર પ્રદર્શન
બુમરાહે T20 વર્લ્ડ કપમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે તાજેતરમાં પૂરા થયેલા T20 વર્લ્ડ કપમાં 15 વિકેટ લીધી હતી અને તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. આ 30 વર્ષીય બોલરે આ ટૂર્નામેન્ટમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું અને તેણે 8.26ની એવરેજ અને 4.17ના ઈકોનોમી રેટથી બોલિંગ કરી હતી. ભારત ટૂર્નામેન્ટમાં એકપણ મેચ હાર્યા વિના T20 વર્લ્ડકપનો ખિતાબ જીતનારી પ્રથમ ટીમ બની છે. ભારતીય ટીમની કેનેડા સામેની ગ્રુપ સ્ટેજની મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી, પરંતુ રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમે તમામ આઠ મેચ જીતી હતી.
બુમરાહે ખાસ સિદ્ધિ ગણાવી
બુમરાહે ICCને ટાંકીને કહ્યું , 'મારા માટે આ એક ખાસ સિદ્ધિ છે', જૂન મહિના માટે આઈસીસી સર્વશ્રેષ્ઠ ખેલાડીનો એવોર્ડ જીતીને હું ખૂબ જ અભિભૂત છું. અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યાદગાર દિવસો પછી આ મારા માટે ખાસ સિદ્ધિ છે. એક ટીમ તરીકે અમારી પાસે ઉજવણી કરવા માટે ઘણું બધું છે અને હું આ વ્યક્તિગત સિદ્ધિથી ખુશ છું. પ્રદર્શન કરવું અને ટ્રોફી જીતવી પણ ખાસ છે અને હું આ ક્ષણ હંમેશા યાદ રાખીશ. હું અમારા કેપ્ટન રોહિત શર્મા અને ગુરબાઝને પણ આ સમયગાળા દરમિયાન તેમના શાનદાર પ્રદર્શન માટે અભિનંદન પાઠવું છું. હું ખુશ છું કે મને વિજેતા પસંદ કરવામાં આવ્યો.
મંધાનાએ પણ બાજી મારી
મંધાનાએ પ્રથમ વખત આ એવોર્ડ જીત્યો હતો. તેણે ગયા મહિને સાઉથ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું અને ત્રણ મેચમાં બે સદી અને એક અડધી સદી ફટકારી હતી. મંધાનાએ આ રેસમાં ઈંગ્લેન્ડની માયા બાઉચિયર અને શ્રીલંકાની વિશ્મી ગુણારત્નેને પાછળ છોડી દીધા છે. મંધાનાએ દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ વનડેમાં 117 રન બનાવ્યા હતા. આ સિવાય તેણે બીજી મેચમાં સતત બીજી સદી ફટકારી અને 120 બોલમાં 136 રન બનાવ્યા. ત્રીજી મેચમાં પણ મંધાના સદી તરફ આગળ વધી રહી હતી, પરંતુ 90 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ સમયગાળા દરમિયાન મંધાનાએ 100થી વધુના સ્ટ્રાઈક રેટથી 343 રન બનાવ્યા હતા. મંધાનાએ કહ્યું, હું જૂન મહિના માટે ICC મહિલા શ્રેષ્ઠ ખેલાડીનો એવોર્ડ જીતીને ગર્વ અનુભવું છું. ટીમે જે રીતે પ્રદર્શન કર્યું અને તેમાં મારા યોગદાનથી હું ખૂબ જ ખુશ છું. અમે ODI અને ટેસ્ટ શ્રેણી જીતી છે અને મને આશા છે કે અમે ભવિષ્યમાં પણ આ ગતિ જાળવી રાખીશું અને હું ભારતની જીતમાં યોગદાન આપતો રહીશ.