રાજકોટ દુષ્કર્મની ઘટનાને લઈ ઈસુદાન ગઢવીએ ગૃહમંત્રી પર લગવ્યા ગંભીર આક્ષેપો, જાણો શું કહ્યું
ઇસુદાન ગઢવીએ ગુજરાત સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, શું પોલીસ તંત્રને ફક્ત સરકારી કાર્યક્રમોમાં જ વ્યસ્ત રાખવાની છે કે પોલીસને પોતાનું કામ પણ કરવા દેવામાં આવશે? શું પોલીસને ફક્ત વિપક્ષને અને આંદોલનને દબાવી નાખવા માટે જ ઉપયોગ કરવામાં આવશે? ગુજરાતના મુખ્યમંત્રી પણ મૌની બાબા બની ગયા છે.
રાજ્યમાં દુષ્કર્મની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન ગુજરાતના રાજકોટમાં ફરી એકવાર ફક્ત સાત વર્ષની દીકરી સાથે દુષ્કર્મની ઘટના ઘટી. જેને લઈ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ સરકાર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, કલકત્તામાં જે ઘટના ઘટી હતી તેના કરતાં પણ વધુ ભયાનક ઘટના રાજકોટમાં ઘટી છે. એની પહેલા દાહોદમાં, સુરેન્દ્રનગરમાં, મહેસાણામાં, કચ્છમાં, આણંદ અને જસદણમાં પણ આવી ઘટનાઓ ઘટી હતી. ગૃહમંત્રી ફાંકા ફોજદારી કરે છે, પરંતુ તેઓ કાયદો વ્યવસ્થા જાળવી શકતા નથી. આજે ફક્ત સાત વર્ષની દીકરીઓ નરાધમોના હાથે પિંખાઈ રહી છે, ત્યારે ગૃહમંત્રી શું કરી રહ્યા છે?
ઇસુદાન ગઢવીએ ગુજરાત સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, શું પોલીસ તંત્રને ફક્ત સરકારી કાર્યક્રમોમાં જ વ્યસ્ત રાખવાની છે કે પોલીસને પોતાનું કામ પણ કરવા દેવામાં આવશે? શું પોલીસને ફક્ત વિપક્ષને અને આંદોલનને દબાવી નાખવા માટે જ ઉપયોગ કરવામાં આવશે? ગુજરાતના મુખ્યમંત્રી પણ મૌની બાબા બની ગયા છે. કલકત્તાની ઘટના સમયે ખૂબ જ શિખામણો આપવામાં આવતી હતી પરંતુ કલકત્તાની ઘટના બાદ ગુજરાતમાં 20 થી વધુ ઘટનાઓ ઘટી છે જેમાં બળાત્કાર, હત્યા અને ગેંગરેપ જેવી ઘટનાઓ ઘટી છે. પરંતુ હજુ પણ ગુજરાતના મૌની બાબાનું મૌન તૂટતું નથી. ગુજરાતમાં આ જે ઘટનાઓ ઘટી છે તેના માટે ગૃહમંત્રી અને મુખ્યમંત્રીએ જવાબદારી લેવી જોઈએ.
જાણો શું છે ઘટના
રાજકોટમાં સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. એક માનેલા ભાઈએ બહેનની 7 વર્ષની પુત્રી સાથે દુષ્કર્મ આચરીને મામા-ભાણેજના સબંધો લજવ્યાં હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે ફરિયાદ નોંધાવતા યુનિવર્સિટી રોડ પર રહેતી મહિલાએ જણાવ્યું હતું કે, તેણીના પતિનું બે વર્ષ પહેલાં અવસાન થયું હતું. હાલ પોતે તેની 7 વર્ષની પુત્રી સાથે રહે છે અને ચાર વર્ષથી યુનિવર્સિટી રોડ પર આવેલી કિડની હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરી ગુજરાન ચલાવે છે. તેમની સાથે આરોપી દિલીપ ચૌહાણ પણ સફાઈ કામદાર તરીકે નોકરી કરતો હોય જેથી બંને પરિચયમાં આવ્યાં હતાં. ગત તા.4 ના ફરિયાદી તેમના ઘરે પહોંચી ત્યારે ત્યાં એક કેન પડ્યું હતું. જેથી તેણીએ કેન વિશે પુત્રીને પૂછતાં ભાંગી પડેલી બાળકીએ રડતી આંખે જણાવ્યું હતું કે, આરોપી દિલીપે તું ઘરે ન હતી, ત્યારે ઘરમાં ઘસી આવી ધરારીથી દુષ્કર્મ આચર્યું હતું. ઉપરાંત થોડાં દિવસ પહેલાં પણ બળજબરી કરી દુષ્કર્મ કરી કોઈને વાત ન કહેવા ધમકી આપી હતી. ત્યારે પોલીસે ફરિયાદ નોંધી અને આરોપીની ધરપકડ કરી છે.