Loksabha Election 2024: આ બેઠક પરથી ચૂંટણી લડશે ગુલામ નબી આઝાદ, જામશે ખરાખરીનો જંગ
જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદ આગામી લોકસભા ચૂંટણી 2024 અનંતનાગ-રાજૌરી બેઠક પરથી લડશે. તેમની પાર્ટી DPAPએ મંગળવારે આ જાણકારી આપી.
જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદ આગામી લોકસભા ચૂંટણી 2024 અનંતનાગ-રાજૌરી બેઠક પરથી લડશે. તેમની પાર્ટી DPAPએ મંગળવારે આ જાણકારી આપી. ગુલામ નબી આઝાદે 2022માં કોંગ્રેસ છોડી દીધી હતી અને પાર્ટી સાથેની તેમની પાંચ દાયકા લાંબી સફરનો અંત કર્યો હતો. કોંગ્રેસ છોડ્યા પછી, આઝાદે પોતાનું રાજકીય સંગઠન બનાવ્યું - ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (DPAP).
"DPAP કોર કમિટીની બેઠક આજે યોજાઈ હતી જેમાં ગુલામ નબી આઝાદને ચૂંટણી લડાવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. ગુલામ નબી આઝાદ અનંતનાગ-રાજૌરી બેઠક પરથી ચૂંટણી લડશે.2014માં ઉધમપુર બેઠક પરથી બીજેપી નેતા જીતેન્દ્ર સિંહ સામે હાર્યા બાદ આઝાદ માટે આ પહેલી લોકસભા ચૂંટણીહશે .
જમ્મુ અને કાશ્મીર અપની પાર્ટી (JKAP) અને ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (DPAP) એ મંગળવારે કહ્યું કે તેઓ આગામી લોકસભા ચૂંટણી માટે કેન્દ્રશાસિત પ્રદેશમાં પૂર્વ-ચૂંટણી ગઠબંધન માટે સમાન વિચારધારા ધરાવતા પક્ષો સાથે ચર્ચા કરવા તૈયાર છે. જો કે, અલ્તાફ બુખારીની આગેવાની હેઠળની JKAP એ વૈચારિક મતભેદોને કારણે ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે કોઈપણ જોડાણને નકારી કાઢ્યું છે.
અલ્તાફ બુખારીની પોતાની પાર્ટી સાથે ગઠબંધનની શક્યતા અંગે મોહિઉદ્દીને કહ્યું કે આ મોરચે કોઈ પ્રગતિ થઈ નથી. "અમારી પાસે સમય ઓછો છે અને વાટાઘાટોમાં વધુ પ્રગતિ થઈ નથી. તેથી વધુ સારું રહેશે કે તેઓ તેમનું કામ કરે અને અમે અમારું કામ કરીએ. તેઓ કોઈપણ સંજોગોમાં અનંતનાગ બેઠકમાં રસ ધરાવતા ન હતા," તેમણે કહ્યું.
મોહિઉદ્દીને કહ્યું કે કાશ્મીરની અન્ય લોકસભા સીટો માટેના ઉમેદવારો યોગ્ય સમયે નક્કી કરવામાં આવશે. DPAPના મુખ્ય પ્રવક્તા સલમાન નિઝામીએ જણાવ્યું હતું કે સમાન વિચારધારા ધરાવતા પક્ષો સાથેની ચર્ચા હજુ પ્રારંભિક તબક્કામાં છે. "આખરી નિર્ણય આગામી દિવસોમાં DPAP પ્રમુખ ગુલામ નબી આઝાદ દ્વારા લેવામાં આવશે.
જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશમાં કુલ 5 લોકસભા બેઠકો છે, જેમાંથી એક અનંતનાગ-રાજૌરી સંસદીય બેઠક છે. લોકસભા ચૂંટણી 2019 માં, આ બેઠક જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સના ઉમેદવાર હસનૈન મસૂદીએ જીતી હતી, અને તેમને 40180 મત મળ્યા હતા. કોંગ્રેસ બીજા ક્રમે રહી હતી.
આ વખતે નેશનલ કોન્ફરન્સ (NC) એ જમ્મુ અને કાશ્મીરની અનંતનાગ-રાજૌરી સીટ પરથી પાર્ટીના વરિષ્ઠ નેતા મિયાં અલ્તાફ અહેમદ લહરવીની ઉમેદવારીની જાહેરાત કરી છે. આ સાથે પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની આગેવાની હેઠળની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) સાથે ગઠબંધનની શક્યતા લગભગ સમાપ્ત થઈ ગઈ છે. અનંતનાગ-રાજૌરી લોકસભા સીટ મહેબૂબા મુફ્તીનો ગૃહ મતવિસ્તાર છે. મહેબૂબા મુફ્તીએ 2014માં આ સીટ જીતી હતી. તેમના પિતા અને પીડીપીના સ્થાપક, સ્વર્ગસ્થ મુફ્તી મોહમ્મદ સઈદ પણ 1998માં તત્કાલીન અનંતનાગ સીટ પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે, જોકે તેમણે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી.
અગાઉ અનંતનાગ તરીકે ઓળખાતી સીટનું નામ બદલીને અનંતનાગ-રાજૌરી રાખવામાં આવ્યું હતું કારણ કે પૂંચ અને રાજૌરી જિલ્લાઓને પણ 2022ની સીમાંકન કવાયતમાં તેમાં સામેલ કરવામાં આવ્યા હતા. દક્ષિણ કાશ્મીરમાં અનંતનાગ પ્રદેશ મુસ્લિમ પ્રભુત્વ ધરાવતો છે.