લોડ થઈ રહ્યું છે...

DRIની ઓપરેશન ફાયર ટ્રેઇલ હેઠળ મોટી કાર્યવાહી, મુન્દ્રા બંદર પરથી 5 કરોડ રૂપિયાની કિંમતના ચાઇનીઝ ફટાકડાનો વિશાળ જથ્થો જપ્ત

image
X
મૌલિક ઉપાધ્યાય, અમદાવાદ
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ તેના 'ઓપરેશન ફાયર ટ્રેઇલ' (Operation Fire Trail) હેઠળ એક મોટી સફળતા હાંસલ કરી છે. DRIની ટીમે ગુજરાતના મુંદ્રા બંદર પરથી ગેરકાયદેસર રીતે આયાત કરાયેલા ₹5 કરોડ રૂપિયાની કિંમતના ચાઇનીઝ ફટાકડાનો વિશાળ જથ્થો જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં DRI અધિકારીઓએ ચીનથી આવેલા એક 40-ફૂટના કન્ટેનરને આંતર્યું. આ કન્ટેનરને દસ્તાવેજોમાં 'વોટર ગ્લાસ સેટ' તરીકે જાહેર કરવામાં આવ્યું હતું, જે દાણચોરીનું કાવતરું છતું કરે છે. તસ્કરોએ ભારતમાં પ્રતિબંધિત ચીની ફટાકડાની હેરાફેરી કરવા માટે પાણીના ગ્લાસ અને ફૂલદાની જેવા નિર્દોષ કાર્ગોની આડ લીધી હતી.

ચાઇનીઝ ફટાકડાની કરવામાં આવી રહી હતી આયાત
વિગતવાર તપાસ કરતાં અધિકારીઓએ ગ્લાસ સેટ અને અન્ય માલસામાનની પાછળ છુપાવેલા 30,000 નંગથી વધુ ચાઇનીઝ ફટાકડાનો મોટો જથ્થો શોધી કાઢ્યો હતો. ભારતમાં ફટાકડાની આયાત કરવા માટે ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) અને પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન (PESO) તરફથી જરૂરી લાઇસન્સ મેળવવું ફરજિયાત છે, જે આ આયાતકાર પાસે નહોતા. લાઇસન્સ વગર આ પ્રકારના ફટાકડાની આયાત સંપૂર્ણપણે ગેરકાયદેસર અને જોખમી છે.


DRI દ્વારા આ ગેરકાયદેસર ફટાકડા અને કવર કાર્ગો સહિત કુલ ₹5 કરોડની કિંમતનો માલ જપ્ત કરવામાં આવ્યો છે. દાણચોરીના આ પ્રયાસને નિષ્ફળ બનાવીને DRIએ દેશમાં ગેરકાયદેસર અને સંભવિત જોખમી ચીની ફટાકડાના પ્રવેશ પર અંકુશ લગાવ્યો છે.

DRIની ટીમે ઓપરેશન 'ફાયર ટ્રેઇલ' હેઠળ આ દાણચોરીના નેટવર્કના મુખ્ય સૂત્રધારની પણ ધરપકડ કરી છે અને હવે આ આંતરરાષ્ટ્રીય દાણચોરીના રેકેટના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ સફળતા ભારતીય બંદરો પર DRIની સતર્કતા અને દાણચોરી વિરોધી અભિયાનની અસરકારકતા દર્શાવે છે.