ગુજરાતમાં થોડા સમયના વિરામ બાદ મેઘરાજાએ ફરી એક વખત ગુજરાતને ધમરોડવાનું ચાલુ કર્યું છે. બધા જ જિલ્લામાં લગભગ વરસાદ નોંધાયો છે. ઘણી જગ્યાએ અતિ ભારે તો ઘણી જગ્યાએ વરસાદે પોતાની હાજરી પુરાવી છે. હવામાન વિભાગે ગુજરાતના કેટલાક વિસ્તારમાં ફરી વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે ઘણી જગ્યાએ યલો એલર્ટ જાહેર કર્યું
ગુજરાતના 13 જિલ્લામાં વરસાદ વરસી શકે છે એવી આગાહી કરી છે. 13 જિલ્લા અને કેન્દ્રશાસીત પ્રદેશમાં આજે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે. સૌરાષ્ટ્રના ચાર , મધ્ય ગુજરાતના ત્રણ, તો દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં આજે ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે તો મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુરમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં આજે ભારે વરસાદનું હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. કેન્દ્રશાસિતપ્રદેશ દમણ, દાદરાનગર હવેલી અને દીવમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. નોંધનિય છે કે મંગળવારે રાજ્યના 121 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 17થી 24 જુલાઈ વચ્ચે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે તો દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાનું અનુમાન છે. ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં રાજ્યમાં 23.40 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ સૌરાષ્ટ્રમાં સિઝનનો 30.57 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો કચ્છમાં અત્યાર સુધીમાં 6.87 ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 27.08 ટકા વરસાદ વરસ્યો છે. તો ઉત્તર ગુજરાતમાં 16.32 અને મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 15.15 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
રાજ્યમાં વરસાદને લઈને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી સમયમાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈને લાઈન ડિપાર્ટમેન્ટના નોડલ અધિકારીઓ સાથે મુદ્દાવાર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં IMDના અધિકારી દ્વારા વરસાદની સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી હતી. તથા આગામી 14 જુલાઈ, 2024 સુધી રાજયમાં ભારે વરસાદની આગાહી અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. રાજયમાં ભારે વરસાદની ચેતવણીના ભાગ રૂપે NDRF/SDRFની ટીમોનું જિલ્લાઓ ખાતે ટીમોનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલ છે અને જિલ્લા વહીવટીતંત્રના આદેશ અનુસાર રાહત/બચાવની કામગીરી કરવા સૂચના આપવામાં આવેલ છે. આ બેઠકમાં સિંચાઈ, SSNNL, CWC- Mahi & Tapi Division, ફોરેસ્ટ, આરોગ્ય, BISAG-N, ફિશરીઝ, ઇન્ડિયન નેવી, કોસ્ટ ગાર્ડ, GMB., ઊર્જા, માર્ગ અને મકાન, GSRTC, UDD, ફાયર, પંચાયત, પશુપાલન, ICDS, ફૂડ એન્ડ સિવિલ સપ્લાય, માહિતી વિભાગના તથા ઈન્ડિયન એરફોર્સ ના નોડલ અઘિકારીઓ હાજર રહ્યા હતા.