OMG : સ્ટેશન માસ્તર સુઇ ગયા અને ડ્રાઇવર સિગ્નલ માટે અડધો કલાક હોર્ન વગાડતો રહ્યો
યુપીના ઈટાવામાં સ્ટેશન માસ્ટરની બેદરકારીના કારણે કોટા-પટના એક્સપ્રેસ અડધો કલાક સુધી સિગ્નલની રાહ જોઈને સ્ટેશન પર ઉભી રહી. વાસ્તવમાં સ્ટેશન માસ્તરને ઊંઘ આવી ગઈ હતી જેના કારણે તેઓ ફરજ પર હતા ત્યારે ઊંઘી ગયા હતા. તેમને જગાડવા માટે ટ્રેન ડ્રાઈવરે વારંવાર હોર્ન વગાડવો પડ્યો હતો. રેલવેએ આને ગંભીર બેદરકારી ગણાવી છે અને સ્ટેશન માસ્ટરને નોટિસ ફટકારી છે.
ઉત્તર પ્રદેશના ઈટાવામાં એક સ્ટેશન માસ્તર ડ્યુટી દરમિયાન સૂઈ ગયો, જેના કારણે ટ્રેન અડધો કલાક સ્ટેશન પર સિગ્નલની રાહ જોતી રહી. આ મામલો 3 મેનો છે. ઇટાવા નજીકના ઉદી મોર રોડ સ્ટેશન પર પટના-કોટા એક્સપ્રેસ ટ્રેન લગભગ અડધા કલાક સુધી સિગ્નલની રાહ જોતી રહી, પરંતુ સ્ટેશન માસ્તર ઊંઘમાં હોવાને કારણે ટ્રેન ઊભી રહી. આ રેલવે સ્ટેશન આગ્રા ડિવિઝન હેઠળ આવે છે. ઘટનાને ગંભીરતાથી લઈને સ્ટેશન માસ્ટરને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. સ્ટેશન માસ્તરની આ બેદરકારીના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.
આગ્રા રેલવે ડિવિઝનના પીઆરઓ પ્રશસ્તિ શ્રીવાસ્તવે જણાવ્યું કે, 'અમે સ્ટેશન માસ્ટરને ચાર્જશીટ જાહેર કરી છે અને અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે.' રેલ્વે અધિકારીઓએ જણાવ્યું કે, ઉદી મોડ રોડ સ્ટેશન ઈટાવા પહેલાનું એક નાનું પરંતુ મહત્વનું સ્ટેશન છે કારણ કે આગ્રા અને ઝાંસીથી પ્રયાગરાજ તરફ જતી ટ્રેનો આ સ્ટેશન પરથી પસાર થાય છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્ટેશન માસ્ટરને જગાડવા અને ટ્રેનને આગળ વધારવા માટે ટ્રેનના લોકો પાયલટે ઘણી વખત હોર્ન વગાડવો પડ્યો હતો. એક સૂત્રએ કહ્યું, 'સ્ટેશન માસ્ટરે પોતાની ભૂલ સ્વીકારી છે અને ભૂલ માટે માફી માંગી છે. તેણે કહ્યું કે, તે સ્ટેશન પર એકલો હતો કારણ કે, ડ્યુટી પરનો કર્મચારી તેની સાથે ટ્રેકની તપાસ માટે ગયો હતો.
ડિવિઝનલ રેલ્વે મેનેજર (ડીઆરએમ) તેજ પ્રકાશ અગ્રવાલે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે કારણ કે, તેમનું ધ્યાન ટ્રેનોના સમયને સુધારવા પર છે. તે કર્મચારીઓને તેમની સમયની પાબંદી સુધારવા માટે દબાણ અને પ્રોત્સાહિત કરી રહ્યા છે. આ જ કારણ છે કે તે વિભાગમાં ટ્રેનો 90 ટકા સમય પર દોડી રહી છે. અધિકારીના જણાવ્યા અનુસાર, 'સ્ટેશન માસ્ટરની બેદરકારીએ માત્ર અન્ય લોકોની મહેનત અને સમર્પણને બગાડ્યું નથી પરંતુ ટ્રેનની કામગીરી માટે પણ ગંભીર ખતરો ઉભો કર્યો છે.'