ભાવેશસિંહ રાજપુત, અમદાવાદ/ અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચકચારી હત્યાની ઘટના બની છે. ધનતેરસના દિવસે જ્યારે દેશભરમાં મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે ત્યારે લક્ષ્મી સમાન ગણાતી દીકરીની પિતાએ હત્યા કરી નાખી છે. જોકે હત્યા કર્યા બાદ પણ પિતાને સેજ પણ અફસોસ ન હોય તેમ પોલીસ સમક્ષ પોતે હાજર થયો છે.
રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા વસ્ત્રાલમાં વિનાયક સોસાયટીમાં આ સમગ્ર બનાવ આજે વહેલી સવારે બન્યો હતો. સોસાયટીમાં રહેતા આશાબેન કુશવાહના લગ્ન ૨૦ વર્ષ પહેલાં સમાજના રિવાજ મુજબ દિલીપ કુશવાહ સાથે થયા હતા. લગ્નના લાંબા સમય સુધી તેઓને સંતાન ન થતા હતા. જેના કારણે પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.
જે બાદ થોડાક વર્ષો પહેલા મેડિકલ સારવાર થકી તેઓને દીકરીનો જન્મ થયો હતો. જોકે દિલીપ કુશવાહને દીકરી પોતાની ન હોય તેવી અવારનવાર શંકા થતી હતી જેના કારણે તે પત્ની સાથે ઝઘડો કરતો હતો અને છેલ્લા પાંચ મહિનાથી પત્ની અને દીકરીને તરછોડીને અલગ જગ્યાએ રહેતો હતો.
મંગળવારે સવારના સમયે દિલીપ કુશવાહ ઘરે આવ્યો હતો અને તે દરમિયાન પત્ની સાથે ઝઘડો થયો હતો. ત્યારે આવેશમાં આવીને તેણે પાંચ વર્ષની દીકરી ધરા ઉર્ફે પરી અને પત્ની આશા પર લોખંડની પાઇપ થી હુમલો કર્યો હતો. જેથી સ્થળ પર જ પાંચ વર્ષની દીકરીનું મોત નીપજ્યું હતું.
આ ઘટનાની જાણ થતા રામોલ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી તે દરમિયાન જ આરોપી દિલીપ કુશવાહ રામોલ પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો. રામોલ પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરી છે.