વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રશિયા-યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. બ્રિક્સ સંમેલન દરમિયાન કઝાનમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની તેમની દ્વિપક્ષીય બેઠકમાં પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે ભારત શાંતિ અને સ્થિરતાની વહેલી સ્થાપનાને સંપૂર્ણ સમર્થન આપે છે. વાતચીત દરમિયાન પીએમ મોદીએ કહ્યું, "અમારા તમામ પ્રયાસો માનવતાને પ્રાથમિકતા આપે છે. ભારત ભવિષ્યમાં દરેક સંભવિત સહયોગ માટે તૈયાર છે."
ત્રણ મહિનામાં વડાપ્રધાન મોદીની રશિયાની આ બીજી મુલાકાત છે. "છેલ્લા ત્રણ મહિનામાં રશિયાની મારી બે મુલાકાતો અમારા ગાઢ સંકલન અને ગાઢ મિત્રતાને પ્રતિબિંબિત કરે છે. જુલાઈમાં મોસ્કોમાં અમારી વાર્ષિક સમિટએ દરેક ક્ષેત્રમાં અમારો સહયોગ મજબૂત કર્યો છે," તેમણે કહ્યું. મોદીએ એમ પણ કહ્યું કે છેલ્લા 15 વર્ષમાં બ્રિક્સે પોતાની એક ખાસ ઓળખ બનાવી છે અને હવે દુનિયાના ઘણા દેશો તેમાં જોડાવા માંગે છે.તેમણે કહ્યું "હું આવતીકાલે બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે આતુર છું,"
દ્વિપક્ષીય વાટાઘાટો દરમિયાન, પુતિને જુલાઈમાં પીએમ મોદીની રશિયાની મુલાકાતનો ઉલ્લેખ કરતા કહ્યું, "મને યાદ છે કે અમે જુલાઈમાં મળ્યા હતા અને ઘણા મુદ્દાઓ પર ખૂબ સારી ચર્ચા કરી હતી. અમે ઘણી વખત ટેલિફોન પર પણ વાત કરી છે. હું તેમનો આભારી છું. તમે કેઝાન આવવાનું આમંત્રણ સ્વીકાર્યું છે."
રશિયન રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું, "આજે અમે બ્રિક્સ સમિટના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપીશું અને તે પછી રાત્રિભોજન કરવામાં આવશે. બ્રિક્સ સમિટમાં આપણે અન્ય નેતાઓ સાથે મુલાકાત કરીને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવા જોઈએ." પુતિને એમ પણ કહ્યું કે, "રશિયા-ભારત સંબંધો વિશિષ્ટ રીતે વ્યૂહાત્મક ભાગીદારીનું પાત્ર જાળવી રાખે છે અને સક્રિય રીતે વિકાસ કરી રહ્યા છે."