જંબુસરમાં ભણાવવા બાબતે પ્રિન્સિપાલે શિક્ષકને માર માર્યો, CCTV થયા વાયરલ
ભરૂચના જંબુસરમાં નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્ર ઠાકોર દ્વારા એક શિક્ષકને માર મારવાની ઘટના સામે આવી છે. CCTV ફૂટેજમાં આચાર્યને શિક્ષક રાજેન્દ્રસિંહ પરમારને માર મારતા દૃશ્યમાં નોંધાયું છે.
ભરૂચના જંબુસરમાં શાળાના આચાર્ય દ્વારા શિક્ષકને માર મારવાની ઘટના સામે આવી છે. ઘટના જંબુસરની નવયુગ વિદ્યાલયની છે જ્યાં આચાર્યએ શિક્ષકને ઢોર માર માર્યો હતો. ઘટનાને લઇને ટ્રસ્ટીઓએ આચાર્યને સસ્પેન્ડ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. આચાર્ય હિતેન્દ્ર ઠાકોર શિક્ષકને માર મારતો હોવાના CCTV ફૂટેજ વાયરલ થયાં છે.
વીડિયોમાં જોઇ શકાય છે કે આચાર્ય હિતેન્દ્ર ઠાકોર અને શિક્ષક રાજેન્દ્ર સિંહ પરમાર વચ્ચે પહેલા કોઇ વાતને લઇને બોલાચાલી થાય છે. બાદમાં આચાર્ય હિતેન્દ્ર ઠાકોર ઉભા થઇને રાજેન્દ્ર સિંહ પરમાર પાસે જાય છે અને તેમને અચાનક થી માર મારવા મંડી પડે છે. થોડીવાર બાદ મામલો શાંત થાય છે અને તેઓ ફરી પોતાની ખુરશી પર આવી બેસી જાય છે. પરંતુ થોડીવાર બાદ ફરી તેઓ કોઇ વાતને લઇને ગુસ્સે થઇ જાય છે અને ફરીથી ઉભા થઇને શિક્ષક રાજેન્દ્રસિંહ પરમારને માર મારે છે. આ વખતે તેઓ પગ ખેંચીને તેમને જમીન પર પાડી દે છે અને પછી માર મારે છે. આ સમગ્ર ઘટનાના CCTV વાયરલ થઇ રહ્યા છે ત્યાર બાદ ટ્રસ્ટીઓએ આચાર્યને સસ્પેન્ડ કર્યા હોવાનું જાણવા મળ્યું છે