રાજકોટ : યુટ્યુબર બન્ની ગજેરાની ઉત્તરાખંડથી ધરપકડ, બદનક્ષી બદલ રૂ.10 કરોડની નોટિસ ફટકારી
રાજકોટના યુટ્યુબર બન્ની ગજેરાની ઉત્તરાખંડથી ગોંડલ તાલુકા પોલીસે ધરપકડ કરી છે. બન્ની ગજેરા ઉપર 11 લાખની ખંડણીના ગુના સહિત જુદા જુદા 3 પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે. બન્ની ગજેરા સતત ગોંડલના રાજકારણ તેમજ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને પરિવાર વિષે વીડિયો બનાવી રહ્યો હતો. બેફામ વાણી વિલાસ થકી ગોંડલનું રાજકીય વાતાવરણ પણ ખરાબ કરવાનો બન્ની ગજેરાએ પ્રયત્ન કર્યો હતો.
આ ઉપરાંત બન્ની ગજેરાને જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયાએ પણ નોટીસ ફટકારી હતી. યુટ્યુબર બન્ની ગજેરા એ સોશિયલ મીડિયામાં અલ્પેશ ઢોલરીયા વિરુદ્ધ બેફામ વાણી વિલાસ કર્યો હતો. અલ્પેશ ઢોલરીયાએ પોતાની બદનક્ષી બદલ રૂપિયા 10 કરોડની નોટીસ ફટકારી હતી. અલ્પેશ ઢોલરીયા ઉપર ઉશ્કેરણીજનક ભાષણ, તેમજ યાર્ડમાંથી કરોડો રૂપિયા લઈ લીધાનો આક્ષેપ કર્યો હતો. અલ્પેશ ઢોલરીયા ઉપર ઉશ્કેરણીજનક ભાષણ, તેમજ યાર્ડમાંથી કરોડો રૂપિયા લઈ લીધાનો આક્ષેપ કર્યો હતો.અલ્પેશ ઢોલરીયાએ નોટિસમાં દિવસ 15માં સોશિયલ મીડિયામાંથી તમામ વિડીયો ડિલીટ કરી તેમજ લેખીતમાં આવું કૃત્ય ફરી ન કરવા બાંહેધરી આપવા જણાવ્યું છે.
અલ્પેશ ઢોલરિયા દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં યુ-ટ્યુબર બન્ની ગજેરા પર તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તાજેતરમાં બન્ની ગજેરા દ્વારા પોતાની યુ-ટ્યુબ ચેનલ પર કેટલાક એવા વીડિયો અપલોડ કરવામાં આવ્યા હતા. જેમાં અલ્પેશ ઢોલરિયા વિશે કથિત રીતે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરીને ખોટી માહિતી ફેલાવવામાં આવી હતી. આ વીડિયોના કારણે અલ્પેશ ઢોલરિયાની સમાજમાં અને રાજકીય ક્ષેત્રે છબી ખરડાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ કાનૂની નોટિસમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, બન્ને ગજેરા દ્વારા પ્રસારિત કરવામાં આવેલી તમામ માહિતી ખોટી છે. જે બદલ તેમણે તાત્કાલિક માફી માંગવી જોઈએ અને એવા વીડિયોને પોતાના પ્લેટફોર્મ પરથી દૂર કરવા જોઈએ. આ સાથે જ 15 દિવસની અંદર નોટિસનો સંતોષજનક જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. જો જવાબ આપવામાં નિષ્ફળ જશે, તો અલ્પેશ ઢોલરિયા તેની વિરુદ્ધ રૂ. 10 કરોડનો બદનક્ષીનો દાવો દાખલ કરવા મક્કમ છે.