દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ઘમરોળ્યું, વલસાડના વાપીમાં જળબંબાકાર, અનેક ગામો સંપર્ક વિહોણા, જાણો તમારા શહેરની સ્થિતિ
રાજ્યમાં હવે નૈઋત્યના ચોમાસાએ આગમન સાથે જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદનો તોફાની બેટિંગનો રાઉન્ડ શરૂ થઇ ગયો છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપી, ડાંગ અને નવસારી જેવા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં અત્યાર સુધીમાં 92 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં 92 તાલુકામાં વરસાદ
ચોમાસાની શરુઆત સાથે જ સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર જોવા મળી રહી છે. ગુજરાતમાં આજે વહેલી સવારે 6 થી બપોરેના 4 વાગ્યા સુધી 92 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 2 તાલુકામાં પાંચ ઇંચથી વધુ વરસાદ, 26 તાલુકામાં એક ઇંચથી 5 ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ વલસાડના વાપીમાં 7 ઇંચ વરસાદ વરસ્યો છે. પારડીમાં 5.04 ઇંચ, કપરાડામાં 4.49 ઇંચ વરસાદ નોંધાયો છે. ધરમપુરમાં 4.25 ઇંચ, ઉમરગામમાં 3.9 ઇંચ વરસાદ, ખેરગામમાં 3.86 ઇંચ, હાંસોટમાં 3.58 ઇંચ વરસાદ નોંધાયો છે.
વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ
વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ વાપીમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. વલસાડ જિલ્લા અને તાલુકામાં ધોધણાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં વાપી, ધરમપુરમાં, ઉમરગામ, કપરાડા સહિતના તાલુકા અને ગ્રામ્ય પંથકમાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા છે. હજુ પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
ભારે વરસાદથી અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પ્રભાવિત
વલસાડ નજીક નેશનલ હાઇવે પણ ઘુંટણ સમા પાણી ભરાતા વાહન ચાલકો ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વલસાડના કુંડી સરોન ગામ વચ્ચે નેશનલ હાઇવે 48 પર વરસાદી પાણી ભરાયા છે. સુરત-મુંબઈ તરફના હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. નેશનલ હાઇવે 48 પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. કુંડી સરોણ ગામ વચ્ચે હાઈવે પર બની રહેલા બ્રિજ ને લીધે રસ્તા પર પાણી ભરાયા છે. લાખો રૂપિયાનો ટેક્ક્સ વસુલતી NHAIની બેદરકારી સામે પણ સામે આવી છે. ચોમાસા પહેલા પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરાતા હાઇવે પર પાણી ભરાયા હોવાનું લોકોચર્ચા થઇ રહી છે.
વલસાડ વરસાદથી રસ્તાઓનુ અને પુલનુ ધોવાણ
વલસાડ જિલ્લા અને તાલુકામાં આજે જાણે આભ ફાટ્યું હોય તેમ વરસાદ વરસ્યો છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા છે. પાણીના પ્રવાહને કારણે કેટલીક જગ્યાએ રસ્તાઓનું ધોવાણ થતા વાહન વ્યવ્હાર ખોરવાયો છે.શાયલી અને બાલદેવી રોડ પર મોટું ગાબડું પડ્યું છે. નવા બની રહેલા પૂલ નજીક ધોવાણ થતાં રસ્તો બંધ કરાયો છે. રોડ વચ્ચે પડેલા ગાબડામાંથી પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો હોવાથી પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર મુલાકાત લીધી છે. સલામતીના ભાગરૂપે રસ્તો કોર્ડન કરી બંધ કરાયો છે.
વલસાડ: ધરમપુરની તાન નદીમાં ઘોડાપુરની સ્થિતિ
વલસાડના ધરમપુરની તાન નદીમાં ઘોડાપુરની સ્થિતિ છે. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં નવા નીર આવ્યા છે. બામતી ગામના લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળ્યા છે. બામતી અને કરંજવેરી ગામને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ નદી કિનારે ન જવા સ્થાનિકોને સૂચના અપાઈ છે.
નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે SDRFની ટીમ કરાઈ તૈનાત
નવસારી અને ઉપરવાસના જિલ્લાઓમાં ગત રોજથી પડી રહેલા ભારે વરસાદને કારણે જિલ્લાની નદીઓ બંને કાંઠે વહેતી થઈ છે. નદીઓના જળસ્તર વધવાને કારણે નદીઓ ઉપર બનેલ લો લેવલ બ્રિજ, નાળા અને નાના કોઝવે ઉપરથી પાણી ફરી વળતા જિલ્લાના 19 રસ્તાઓને તંત્ર દ્વારા પાણી ન ઉતરે ત્યાં સુધી બંધ કરવામાં આવ્યા છે. જિલ્લામાં હજુ 23 તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, ત્યારે વરસાદમાં કોઈપણ સ્થિતિને પહોંચી વળવા જિલ્લા તંત્ર એલર્ટ થયું છે. જ્યારે રાજ્ય સરકારમાંથી સુરતના વાવ ખાતેની SDRF ની ટીમ પણ નવસારીમાં સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. વરસાદી માહોલમાં નદીઓમાં પુરની સ્થિતિ બને અથવા કોઈપણ અનિચ્છનીય ઘટના ઘટે ત્યારે બચાવ કામગીરી માટે SDRF ના 24 જવાનોની ટીમ બચાવ સાધન સામગ્રી સાથે એલર્ટ મોડમાં તૈનાત કરાઈ છે.
ભરૂચઃ વાલિયા પંથકમાં જળબંબાકારની સ્થિતિ
ભરૂચઃ વાલિયા પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. 4 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા પાણી ભરાયા છે. અંકલેશ્વરથી વાલિયાને જોડતા સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા. નાળાની કામગીરીના પગલે અપાયેલા ડાયવર્ઝન પર પણ પાણી ફરી વળ્યા. ધસમસતા પાણી વચ્ચેથી પસાર થતા ઈકો કાર ફસાઈ હતી. કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો છે. સ્ટેટ હાઇવે પર વાહનવ્યવહાર બંધ થયો છે.
ડાંગ જિલ્લામાં જળબંબાકાર...અનેક ગામો સંપર્ક વિહોણા
ભારે વરસાદના કારણે ડાંગ જિલ્લાની મુખ્ય નદીઓ જેવી કે અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરીમાં ઘોડાપૂર આવ્યું છે. નદીઓમાં પાણી ભયજનક સપાટી વટાવી રહી છે, જેના પરિણામે અનેક કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે. અનેક કોઝવે પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. જિલ્લામાં કોઝવે ઉપર પાણી ફરી વળવાને કારણે 20થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે અને તેમનો બહારની દુનિયા સાથેનો સંપર્ક કપાઈ ગયો છે.
સુરત શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો
સુરત શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ઓલપાડના કુડસદ ગામે અંકુર ગલી વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.આજે વહેલી સવારે 6 થી બપોરે 3 વાગ્યા સુધીમાં સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં સાડા 3 ઈંચ ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના પગલે ઓલપાડના ફૂડસદ ગામની અંકુર ગલી વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. જેના પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આટલું જ નહીં, અહીંની દુકાનોમાં પણ વરસાદી પાણી ફરી વળતા લોકો નુકસાનની ભીતિ સેવી રહ્યાં છે. આવી જ રીતે પહેલા વરસાદમાં GIDC વિસ્તારમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં કામદારોને પણ હાલાકી પડી રહી છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats
app.com/L1eF5HL2qu51EIqrPVyoHB