ઑસ્ટ્રિયાની એક શાળામાં ગોળીબારની ઘટનામાં 11 લોકોના મોત થયા છે. ઑસ્ટ્રિયન પ્રસારણકર્તા ORF એ ગૃહ મંત્રાલયને ટાંકીને જણાવ્યું હતું કે દક્ષિણ-પૂર્વ ઑસ્ટ્રિયાના ગ્રાઝ શહેરની એક શાળામાં મંગળવારે થયેલા ગોળીબારમાં ઘણા લોકો માર્યા ગયા હતા, જેમાં શંકાસ્પદ હુમલાખોરનો પણ સમાવેશ થાય છે.
ગોળીબાર કરી પોતે કરી લીધી આત્મહત્યા
ગોળીબાર કરનાર એક વિદ્યાર્થી હોવાનું જાણવા મળી રહ્યું છે જેણે શાળાના બે વર્ગખંડોમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ગોળીબાર કર્યા પછી તેણે પોતે બાથરુમમાં જઈને આત્મહત્યા કરી લીધી હતી, તેનો મૃતદેહ શાળાના બાથરુમમાંથી મળી આવ્યો હતો. આ ગોળીબાર પાછળ હુમલાખોરનો હેતુ શું હતો તે હજી પણ જાણવા મળ્યો નથી. આ ઘટનાને લગતા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
ગોળીબારમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ખરાબ રીતે થયા ઘાયલ
ઑસ્ટ્રિયન પોલીસનું કહેવું છે કે શાળામાંથી ગોળીબારના અવાજો આવ્યા બાદ પોલીસ સવારે 10 વાગ્યાથી શહેરમાં મોટી કાર્યવાહી કરી રહી છે. ઑસ્ટ્રિયન પ્રસારણકર્તાના જણાવ્યા અનુસાર ગોળીબારમાં કેટલાક વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ ખરાબ રીતે ઘાયલ થયા છે. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થયા છે જેમાં શાળાની બહાર પોલીસ તૈનાત જોવા મળી રહી છે. એક વીડિયોમાં હુમલાનો ભોગ બનેલા લોકોને હેલિકોપ્ટર દ્વારા લઈ જવામાં આવી રહ્યા છે.
પોલીસે આખી શાળાને ઘેરી શોધખોળ હાથ ધરી
ઑસ્ટ્રિયન પોલીસના જણાવ્યા અનુસાર હુમલાથી પ્રભાવિત માધ્યમિક શાળા જે વિસ્તારમાં આવેલી છે ત્યાં એક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. શાળાની ઇમારતની શોધખોળ કરવામાં આવી છે અને આખી શાળાને ઘેરી લેવામાં આવી છે.
ગોળીબારમાં ઘાયલ થયેલા લોકોની કરવામાં આવી રહી છે સારવાર
ગોળીબારમાંથી ભાગી ગયેલા શાળાના વિદ્યાર્થીઓને તેમના માતાપિતાને સોંપવામાં આવ્યા છે જ્યારે ઘાયલોની સારવાર ચાલી રહી છે.