નશાની મજા બની મોતની સજા, મજા આવશે કહીને યુવકને મિત્રએ આપ્યું ઈન્જેક્શન, ઓવરડોઝનાં કારણે ગણતરીની મીનીટોમાં મોત
નશાનો શોખ કેટલો જોખમી થઈ શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડતો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. મિત્રએ મજા આવશે કહીને 18 વર્ષીય યુવકને ઈન્જેક્શનનો ડોઝ આપ્યો અને ગણતરીની મીનીટોમાં યુવકનું મોત થઈ ગયું.
ભાવેશસિંહ રાજપુત, અમદાવાદ/ અમદાવાદ સહિત ગુજરાતમાં યુવાવર્ગમાં નશા કરવાનું ચલણ સતત વધી રહ્યું હોય તેવી સ્થિતી જોવા મળી રહી છે, જોકે આ નશાનો શોખ કેટલો જોખમી થઈ શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડતો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. મિત્રએ મજા આવશે કહીને 18 વર્ષીય યુવકને ઈન્જેક્શનનો ડોઝ આપ્યો અને ગણતરીની મીનીટોમાં યુવકનું મોત થઈ ગયું.
મજા આવશે કહીને આપ્યો ઈન્જેક્શનનો ડોઝ
અમદાવાદનાં વટવા વિસ્તારમાં રહેતો 18 વર્ષીય પ્રિન્સ શર્મા કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. ગત 6 નવેમ્બરનાં રોજ તે પોતાનાં મિત્ર તરૂણ સાથે ઘરેથી કોલેજ જવા માટે નીકળ્યો હતો. જોકે તેનાં મિત્ર જયદીપ સુથારે તેને ફોન કરીને ઘોડાસર પાસેનાં બગીચામાં મળવા બોલાવ્યો હતો. જ્યાં પહોંચતા જયદીપ સુથારે તેને ઈન્જેક્શન બતાવી આનો ડોઝ લેવાથી મજા આવશે તેવુ જણાવ્યું હતું. જે બાદ તેણે પ્રિન્સ શર્માને મીડાલોઝમ નામનું ઈન્જેક્શનનો ડોઝ આપ્યો હતો. જોકે ગણતરીની મીનીટોમાં પ્રિન્સ શર્મા બેભાન થઈ ગયો અને તેના મોઢામાંથી ફીણ નીકળી ગયુ હતુ. જેથી પ્રિન્સ સાથે આવેલા તરુણે જયદીપને પ્રિન્સ સાથે શું થયું તેમ પુછતા તેણે આ ઈન્જેક્શનનાં નશાનો ડોઝ લેવાથી આવુ થાય તેમ જણાવી પોતાને કામ હોવાનું કહીને ત્યાંથી નીકળી ગયો હતો.
હોસ્પિટલ લઈ જવાતા મૃત જાહેર કરાયો
જયદીપ સુથારે નીકળતા સમયે તરૂણને આ અંગેની જાણ કોઈને પણ 4-5 કલાક સુધી કરવાની ના પાડી હતી. અને તે જાણ કરશે તો પ્રિન્સ શર્માએ નશો કર્યો છે તેવી ઘરમાં ખબર પડી જશે તેવુ કહીને ડરાવ્યો હતો. જોકે કલાકો બાદ પણ પ્રિન્સ ભાનમાં ન આવતા તરૂણે તેનાં અન્ય મિત્રને જાણ કરી બોલાવ્યો હતો અને બાદમાં પ્રિન્સનાં પરિવારને પણ જાણ થતા પ્રિન્સ શર્માને હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.