રાજસ્થાનનાં વેપારીને હનીટ્રેપમાં ફસાવી તોડ કરનાર ટોળકીનો સાગરીત ઝડપાયો, અનેક વેપારીઓને ફસાવ્યા હોવાનો ખુલાસો
એક કારમાં 3 જેટલા શખ્સો આવ્યા અને યુવતીના પતિ તરીકેની ઓળખ આપી હતી. યુવતીએ પણ વેપારીને ફસાવવા વેપારીએ તેની સાથે દુષ્કર્મ કર્યો છે તેવુ જણાવી તમામ આરોપીઓ ભેગા મળી વેપારીનું અપહરણ કરી 50 લાખની માંગણી કરી હતી, વેપારી પાસેથી એક લાખ રોકડા, સોનાની ચેઈન, વીંટી પડાવી લઈ દહેગામ હાઈવે પર ઉતારી ફરાર થઈ ગયા હતા.
ભાવેશસિંહ રાજપુત, અમદાવાદ/ હનીટ્રેપમાં ફસાવી વેપારીઓ પાસેથી પૈસા પડાવવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. હાલમાં જ અમદાવાદ ગ્રામ્યની નળસરોવર પોલીસે હનીટ્રેપમાં અનેક લોકોને ફસાવી તોડ કરનાર ટોળકી પકડી પાડી હતી, તેવામાં રાજસ્થાનનાં રીયલ એસ્ટેટનાં વેપારીને એક યુવતીએ ફસાવી અમદાવાદમાં સાઈટ બતાવવાનાં બહાને નરોડામાં બોલાવ્યો હતો. જ્યાંથી અલગ અલગ જગ્યાઓ પર ફેરવી અંતે નર્મદા કેનાલ પાસે લઈ ગઈ હતી.
જ્યાં અચાનક એક કારમાં 3 જેટલા શખ્સો આવ્યા અને યુવતીના પતિ તરીકેની ઓળખ આપી હતી. યુવતીએ પણ વેપારીને ફસાવવા વેપારીએ તેની સાથે દુષ્કર્મ કર્યો છે તેવુ જણાવી તમામ આરોપીઓ ભેગા મળી વેપારીનું અપહરણ કરી 50 લાખની માંગણી કરી હતી, વેપારી પાસેથી એક લાખ રોકડા, સોનાની ચેઈન, વીંટી પડાવી લઈ દહેગામ હાઈવે પર ઉતારી ફરાર થઈ ગયા હતા.
અંતે આ મામલે નરોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા નરોડા પોલીસે આરોપીઓ સાથે ગુનામાં સામેલ જયરાજસિંહ બોરિચા નામનાં યુવકની ધરપકડ કરી છે, તેની સાથે આ ગુનામાં સામેલ મંગળુ ખાચર, વીજય ઉર્ફે ભીખો, શિતલ પટેલ ઉર્ફે હીના સહિત અન્ય એક યુવતી હતી. જેથી ફરાર આરોપીઓની પોલીસે શોધખોળ હાથ ધરી છે. આ ટોળકીએ અનેક લોકોને ભોગ બનાવી છે, જેથી નરોડા પોલીસે અન્ય ભોગ બનનારની તપાસ હાથ ધરી છે.
આ ટોળકીનો માસ્ટર માઈન્ડ મંગળુ ખાચર છે જે બોટાદનો રહેવાસી છે અને તે આ પ્રકારની પ્રવૃતિ કરવાની માનસિકતા ધરાવતો હોવાનું પોલીસને ધ્યાને આવ્યું છે. તેની સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે જેથી અન્ય આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.