એક તરફ રાજ્યમાં ગુનાખોરી સામે પોલીસતંત્ર લાલ આંખ કરતું દેખાયું છે ત્યારે બીજી તરફ જરૂરિયાતમંદ વ્યક્તિ પર પોલીસ કર્મચારી માનવતા વરસાવતા જોવા મળ્યા છે. દુકાનમાં નોકરી કરનાર કર્મચારી નશાની હાલતમાં પકડાઈ જતા માલિકની બે બાળકીઓ પર જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવવાની ઘટના પ્રકાશમાં આવી છે. જે મામલે વટવા પોલીસે કર્મચારી આરોપીની ધરપકડ કરી છે. અને ફરિયાદી પાસે સારવારના પૈસા ન હોવાથી વટવા પોલીસ સ્ટેશનના પીઆઇ એ બંને બાળકોની સારવારનો ખર્ચ ઉઠાવ્યો હતો
વટવા પોલીસે તુષાર કોષ્ટીની લૂંટ અને જીવલેણ હુમલાના કેસમાં ધરપકડ કરી છે. આરોપી તુષાર કોષ્ટીને અભી સિધ્ધપુરાએ પોતાની ડેરી અને કરિયાણાની દુકાનમાં નોકરી અર્થે રાખ્યો હતો અને પોતાના ઘરમાં આશરો પણ આપ્યો હતો. ત્યારે નવરાત્રીના સમયમાં તુષાર કોષ્ટી દારૂના નશામાં એક વાર ઘરે આવતા ફરિયાદી અભી સિદ્ધપુરાએ ઘર છોડી દેવા અને નોકરીમાંથી હાંકી કાઢ્યો હતો. ત્યારે જેનો બદલો લેવા માટે ઘોડાસર પાસે આવેલા સમર્પણ એપાર્ટમેન્ટમાં 28 તારીખે વહેલી સવારે 12 અને 14 વર્ષની બે સગીર બહેનો પર જીવલેણ હુમલો કરી અને લૂંટ ચલાવી ફરાર થઇ ગયો હતો. વટવા પોલીસે આ સમગ્ર બનાવની ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી હતી, જેમાં પ્રાથમિક તપાસમાં સામે ઝડપાયેલા આરોપી તુષાર કોસ્ટી ઘરમાંથી 1,76 હજાર રૂપિયા લઇ ફરાર થઈ ગયો હતો. જે બાદ ફરિયાદીના એટીએમ કાર્ડમાંથી 10,000 ઉપાડી લીધા હતા. જે અંગે વટવા પોલીસે હત્યાનો પ્રયાસ અને લૂંટનો ગુનો દાખલ કર્યો હતો. આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઇ છે.
ફરિયાદીની સ્થિતિ સારી ન હતી અને તેમની પાસે પોતાની બાળકીની સારવારની વ્યવસ્થા ન હતી. જેથી ઈજાગ્રસ્ત બાળકીની સારવાર માટેનો ખર્ચ વટવા પોલીસ સ્ટેશનના પીઆઇ કુલદીપદાન ગઢવીએ ઉઠાવ્યો હતો. ફરિયાદી પરિવારે પીઆઇ કુલદીપ દાન ગઢવીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. ત્યારે આ મદદ કરવાથી ફરી એક વાર પોલીસની માનવતા ની મહેક પસરી હતી.