લોડ થઈ રહ્યું છે...

પાલનપુરના હીરાની ચમક ઝાંખી પડી, રત્નકલાકારોની કપરી સ્થિતિ, સરકાર પાસે સહાયની કરી માંગ

image
X
વિક્રમ ઠાકોર, બનાસકાંઠા
એક સમયે સમગ્ર ગુજરાતમાં હીરા નગરી તરીકેની ખ્યાતિ પામનાર બનાસકાંઠાનું પાલનપુર આજે પોતાના હીરા ઉદ્યોગના મૃતપાય અવસ્થામાંથી પસાર થઈ રહ્યું છે. પરિણામે, હજારો રત્નકલાકારો પોતાનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતા સરકાર સમક્ષ સહાયની માંગ કરી રહ્યા છે. પાલનપુરનો હીરા ઉદ્યોગ વિશ્વભરમાં જાણીતો હતો. એક સમયે આ શહેરમાં 800થી વધુ હીરાના કારખાનાઓ ધમધમતા હતા, જેમાં 50થી 60 હજાર રત્નકલાકારો કામ કરતા હતા. જોકે, છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ભારે મંદીએ આ ઉદ્યોગની કમર તોડી નાખી છે.

મંદીની અસર એટલી ગંભીર છે કે, દિવાળી પહેલા જ્યાં 800માંથી માંડ 100થી 120 કારખાના ચાલુ હતા, ત્યાં દિવાળી બાદ માત્ર 10 ટકા જ કારખાના ખૂલ્યા છે. આના કારણે મોટા ભાગના રત્નકલાકારો બેકાર બન્યા છે. એક તરફ મોંઘવારીનો માર અને બીજી તરફ કામ ન મળવું – આ બેવડા સંકટને કારણે આ કલાકારો માટે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું અત્યંત મુશ્કેલ બની ગયું છે.

જો આ જ સ્થિતિ ચાલુ રહેશે અને એક પછી એક કારખાના બંધ થતા રહેશે, તો પાલનપુરમાંથી હીરા ઉદ્યોગ અને તેની હીરાનગરીની ઓળખ સંપૂર્ણપણે ગુમ થઈ જવાનો ભય છે. આ ગંભીર સંજોગોમાં રત્નકલાકારોએ સરકાર સમક્ષ તાત્કાલિક પગલાં લેવાની અને હીરા ઉદ્યોગ પર સંજીવની છાંટી તેને ફરી બેઠો કરવાની આજીજી કરી છે. આ ઉદ્યોગ અને તેની સાથે જોડાયેલા હજારો પરિવારોને બચાવવા માટે સરકારી સહાય અને નીતિગત હસ્તક્ષેપ અત્યંત જરૂરી છે.