ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 પહેલા, પંજાબ કિંગ્સ (PBKS) ટીમે તેના નવા કેપ્ટનની જાહેરાત કરી છે. પ્રીતિ ઝિન્ટાની માલિકીની આ પંજાબ ટીમે શ્રેયસ અય્યરને કમાન સોંપી છે. પરંતુ હજુ પણ 4 ટીમો એવી છે જે કેપ્ટનની શોધમાં છે. આ ચાર ટીમો કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR), રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB), લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને દિલ્હી કેપિટલ્સ (DC) છે. આ ચારેય ફ્રેન્ચાઇઝીએ હજુ સુધી પોતાના કેપ્ટનની જાહેરાત કરી નથી. ચાહકો આની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
પંજાબ ફ્રેન્ચાઈઝીએ પોતાના નવા કેપ્ટનની જાહેરાત એકદમ અલગ રીતે કરી છે. તેણે ટીવી શો બિગ બોસ દ્વારા આ જાહેરાત કરી છે. શોના હોસ્ટ અને અભિનેતા સલમાન ખાને કાર્યક્રમ દ્વારા પંજાબ ટીમના નવા કેપ્ટનની જાહેરાત કરી હતી. આ શોમાં સલમાન ખાન સાથે શ્રેયસ અય્યર, યુઝવેન્દ્ર ચહલ અને શશાંક સિંહ ગેસ્ટ તરીકે જોવા મળ્યા હતા.
શ્રેયસ અય્યરે ગત સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની કેપ્ટનશીપ કરી હતી. તેણે શાહરૂખ ખાનની માલિકીની KKR ટીમને એક દાયકા પછી તેનું ત્રીજું IPL ટાઇટલ અપાવ્યું. શ્રેયસે તેની કેપ્ટનશીપ હેઠળ દિલ્હીની ટીમને 2020 IPLની ફાઇનલમાં પહોંચાડી હતી.
IPL 2024માં કોલકાતાને ચેમ્પિયન બનાવ્યા બાદ, શ્રેયસે મુંબઈને તેની કેપ્ટનશિપ હેઠળ બીજી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી પણ અપાવી. તે રણજી અને ઈરાની ટ્રોફી જીતનારી મુંબઈની ટીમનો પણ ભાગ હતો. જો કે KKRએ શ્રેયસને જાળવી રાખ્યો નહોતો. આ પછી, શ્રેયસ અય્યરે IPL મેગા ઓક્શનમાં પ્રવેશ કર્યો, જ્યાં પંજાબ ફ્રેન્ચાઇઝીએ તેને રૂ. 26.75 કરોડની જંગી બોલી લગાવીને ખરીદ્યો.
કોલકાતાને પણ નવા કેપ્ટનની જરૂર
ડિફેન્ડિંગ ચેમ્પિયન KKR એક કેપ્ટનની શોધમાં છે. શ્રેયસ અય્યર ગત સિઝનમાં કેપ્ટન હતો, પરંતુ હવે તે પંજાબ કિંગ્સની કમાન સંભાળશે. હવે કોલકાતા ટીમની કેપ્ટનશિપ માટે બે નામ મોખરે છે. આ બંને નામ છે અજિંક્ય રહાણે અને વેંકટેશ અય્યર. રહાણે અગાઉ રાજસ્થાન રોયલ્સ (RR)ની કેપ્ટનશીપ કરી ચૂક્યો છે. તે રણજીમાં મુંબઈનો કેપ્ટન પણ છે. વેંકટેશ ઘણા વર્ષોથી KKR સાથે છે.
શું રાહુલ દિલ્હીની કમાન સંભાળશે?
દિલ્હી કેપિટલ્સ અને ઋષભ પંત અલગ થઈ ગયા છે. હવે દિલ્હી ફ્રેન્ચાઇઝી નવા કેપ્ટનની શોધમાં છે. કેએલ રાહુલ તેના દાવામાં સૌથી આગળ છે. તે અગાઉ લખનૌ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સની કેપ્ટનશિપ કરી ચૂક્યો છે. કેએલ રાહુલ ઉપરાંત અક્ષર પટેલ પણ દાવેદાર છે, જે ડોમેસ્ટિક ક્રિકેટમાં ગુજરાતનો કેપ્ટન છે. અક્ષરને હાલમાં જ ભારતીય T20 ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
કોહલી ફરીથી RCBની કમાન સંભાળશે
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેના કેપ્ટન ફાફ ડુ પ્લેસીસને મુક્ત કર્યો હતો અને તેને ઓક્શનમાં પણ ખરીદ્યો નહોતો. હવે આ ટીમ પણ કેપ્ટનની રાહ જોઈ રહી છે. જેમાં વિરાટ કોહલી અને રજત પાટીદારનું નામ મોખરે છે. કોહલી બેંગલુરુની જવાબદારી સંભાળી ચૂક્યો છે. પાટીદાર લાંબા સમયથી ફ્રેન્ચાઇઝીનો હિસ્સો છે અને તાજેતરમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ફાઇનલમાં મધ્યપ્રદેશની કપ્તાની કરી હતી.
ઋષભ પંત આ ટીમનો કેપ્ટન બનશે
લખનૌ સુપર જાયન્ટ્સ પણ આ વખતે કેપ્ટનની શોધમાં છે. ગત સિઝનમાં કેએલ રાહુલે કમાન સંભાળી હતી અને તેને મુક્ત કરવામાં આવ્યો હતો. ફ્રેન્ચાઇઝીએ 27 કરોડ રૂપિયાની મોટી રકમ ચૂકવીને રિષભ પંતને ખરીદ્યો છે. આવી સ્થિતિમાં પંતને ટીમનો કેપ્ટન બનાવવામાં આવશે તે નિશ્ચિત જણાય છે. તેમના સિવાય નિકોલસ પુરનને પણ આ ફ્રેન્ચાઈઝીની જવાબદારી સંભાળવા માટે દાવેદાર માનવામાં આવે છે.