મેક્સિકો પર લાદવામાં આવેલા ટેરિફને ટ્રમ્પે એક મહિના માટે મુલતવી રાખી, જાણો શું છે મામલો
મેક્સિકો પર લાદવામાં આવેલા અમેરિકન ટેરિફને એક મહિના માટે મોકૂફ રાખવામાં આવ્યા છે, પરંતુ કેનેડા અને ચીનમાંથી આયાત પર ટેરિફ અમલમાં રહેશે.
મળતી માહિતી પ્રમાણે મેક્સિકો પર લાદવામાં આવેલા અમેરિકન ટેરિફને એક મહિના માટે મોકૂફ રાખવામાં આવ્યા છે, પરંતુ કેનેડા અને ચીનમાંથી આયાત પર ટેરિફ અમલમાં રહેશે. મેક્સિકોએ તેની સરહદ પર 10,000 સૈનિકો તૈનાત કરવાનું અને ડ્રગની દાણચોરી રોકવાનું વચન આપ્યું હતું. જેને લઇ હવે સરકાર પગલાં લઇ શકે છે.
મેક્સિકોના રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમે સોમવારે કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની વાતચીત બાદ મેક્સિકો પર લાદવામાં આવેલા ટેરિફને એક મહિના માટે સ્થગિત કરી દેવામાં આવ્યા છે. વ્હાઇટ હાઉસે તેમના નિવેદનની પુષ્ટિ કરી છે. જો કે, કેનેડા અને ચીનમાંથી આયાત પર લાદવામાં આવેલ ટેરિફ ચાલુ રહેશે.
કેનેડા અને ચીન સામે ટેરિફ આવતીકાલથી લાગુ કરાશે
ત્યારે કેનેડા અને ચીન સામે ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફ મંગળવારથી લાગુ થવાના છે. ટ્રમ્પે ભવિષ્યમાં આયાત પર વધુ ટેરિફ લાદવાનું વચન આપ્યું હતું. વેપાર કરારો ટકાઉ રહેશે કે કેમ અને શું ટેરિફ વેપાર યુદ્ધની શરૂઆત છે તે અંગે મૂંઝવણ રહે છે. અમેરિકી રાષ્ટ્રપતિએ સોમવારે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો સાથે ફોન પર વાત કરી અને કહ્યું કે બંને નેતાઓ બપોરે 3 વાગ્યે ફરી વાત કરશે.
મેક્સિકોએ પણ ટેરિફ લાદવાની યોજના મુલતવી રાખી
કેનેડા અને મેક્સિકોએ પણ અમેરિકાના પગલાનો જવાબ આપવા માટે ટેરિફ લાદવાની યોજના બનાવી હતી. જોકે, મેક્સિકોએ તેને હાલ પૂરતું અટકાવી દીધી છે. ટ્રમ્પે કેનેડા પ્રત્યે અસંતોષ વ્યક્ત કરતા કહ્યું કે તે અમેરિકન બેંકોને કેનેડામાં બિઝનેસ કરવા દેતી નથી, જે એક મોટો મુદ્દો છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે આ ડ્રગ વોર છે અને મેક્સિકો અને કેનેડાથી આવી રહેલા ડ્રગ્સને કારણે હજારો લોકોના મોત થયા છે.