અમિત શાહના નજીકના ગણાતા બિપિન ગોતાને હરાવનાર અને જીતનો હાર પહેરનાર કોણ છે જયેશ રાદડિયા

IFFCOના ડાયરેક્ટર માટે ફોર્મ ભરાયા. જેમાં જયેશ રાદડિયાએ પણ ફોર્મ ભર્યું અને સામે ભાજપે બિપિન ગોતાને મેન્ડેટ આપ્યું હતું. બન્નેએ ફોર્મ પરત ન ખેચ્યુ અને ચૂંટણી યોજાઇ જેમાં ધારાસભ્ય જયેશ રાદડિયાનો વિજય થયો.

image
X
નિકેત સંઘાણી, અમદાવાદ/ લોકસભાની ચૂંટણીના વિવાદો એક તરફ ચાલી રહ્યા હતા અને આ દરમિયાન જ IFFCOના ડાયરેક્ટર માટે ફોર્મ ભરાયા. જેમાં જયેશ રાદડિયાએ પણ ફોર્મ ભર્યું અને સામે ભાજપે બિપિન ગોતાને મેન્ડેટ આપ્યું હતું. બન્નેએ ફોર્મ પરત ન ખેચ્યુ અને ચૂંટણી યોજાઇ જેમાં ધારાસભ્ય જયેશ રાદડિયાનો વિજય થયો. ત્યારે અમિત શાહના નજીકના ગણાતા બિપિન ગોતાને હાર આપનાર જયેશ રાદડિયા અત્યાર સુધીમાં એક જ ચૂંટણી હાર્યા છે.   

સૌરાષ્ટ્રના ઇફકોના મતદારો જયેશ રાદડીયાના સમર્થનમાં હતા. સહકારી ક્ષેત્રમાં ખૂબ જ મોટો ઉલટફેર થયો છે. ભાજપે જે વ્યક્તિને મેન્ડેટ આપ્યું હતું તેની કારમી હાર થઈ છે. સહકારી ચૂંટણીમાં સૌરાષ્ટ્રનો જોરદાર દબદબો જોવા મળી રહ્યો છે.  જયેશ રાદડિયાને આ ચૂંટણીમાં 114 મત મળ્યા છે.  અને જયેશ રાદડિયા IFFCOના ડાયરેક્ટર બન્યા. જયેશ રાદડિયાએ પક્ષથી ઉપર વટ જઈ ફોર્મ ભર્યા બાદ પણ ચૂંટણી જીત્યા એ જયેશ રાદડિયાની રાજકીય પકડ કેટલી મજબૂત છે તે દર્શાવે છે. 

ભૂપેન્દ્ર પટેલ સરકારમાં પડતાં મુકાયા 
જયેશ રાદડિયાને રૂપાણી સરકારમાં અન્ન અને પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા અને ભુપેન્દ્ર સરકારમાં પડતા મુકવામાં આવ્યા છે. જ્યારથી જયેશ રાદડિયાને મંત્રી પદ્દ પરથી પડતા મુકવામાં આવ્યા ત્યાર બાદ સતત વિવાદમાં જ રહ્યા છે. ભાજપના જ નેતા એ જિલ્લા બેન્કમાં પ્યુનની ભરતીમાં જયેશ રાદડિયાએ કૌભાંડ કાર્ય હોવાના આરોપ લગાવ્યા હતા. આ સાથે જ રાજકોટ જિલ્લાના યાર્ડની ચૂંટણીઓમાં જૂથવાદ સામે આવ્યો હતો.  

ભરતી કૌભાંડમાં નામ આવ્યું 
વિજય રૂપાણીની સરકારમાં પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી રહેલા જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા વિરુદ્ધ ખુદ જિલ્લા ભાજપના જ આગેવાનો મેદાને આવ્યા હતા.  સહકારી ક્ષેત્રના 4 અસંતુષ્ટ સિનિયર આગેવાને રાજ્ય સરકારમાં જયેશ રાદડિયા વિરુદ્ધ પત્ર લખ્યો હતો અને તેમાં જયેશ રાદડિયા પર રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં ભરતી કૌભાંડ અને ગોલમાલ અંગે રજૂઆત કરી હતી. પરંતુ કોઈ કાર્યવાહી ન હતા હવે હરીફ જૂથ કોર્ટના શરણે ગયું. નીતિન ઢાંકેચાએ જયેશ રાદડિયા વિરુદ્ધ હાઇકોર્ટમાં રીટ દાખલ કરી  હતી.

ભાજપના જ નીતિન ઢાંકેચા, હરદેવસિંહ જાડેજા, પરષોત્તમ સાવલિયા, વિજય સખીયાએ જયેશ રાદડિયા વિરૂદ્ધ ભ્રષ્ટાચારના આરોપ કર્યા હતા. જેમાં રાજકોટ જિલ્લા બેંકના પ્યુનની ભરતીમાં કૌભાંડ આચર્યુ હોવાના આરોપ સાથે અગાઉ ગાંધીનગર ખાતે  ભાજપ નેતાઓ રજૂઆત કરી હતી. જેમાં તેમનો આરોપ હતો કે પ્યુનની ભરતીમાં રાદડિયા રૂ. 45 લાખ લઈ ભરતી કરી રહ્યા છે. જાહેર ખબર આપ્યા વગર તેમજ રોજગાર કચેરીમાં નામ મંગાવ્યા વગર ભરતી કરવામાં આવી હતી. 3 માસના રોજમદાર તરીકે પ્યુનની ભરતી કરી હતી જે બાદ કોઈ પણ પ્રકારના ઈન્ટરવ્યુ યોજ્યા વગર એક વર્ષ બાદ પ્યુનને કાયમી કરી નાખવામાં આવ્યા છે. પ્યુનને પાંચ વર્ષ બાદ ક્લાર્કનુ પ્રમોશન પણ આપી દેવાયું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
   
જયેશ રાદડિયા સહકારી ક્ષેત્રે પણ સતત આગળ વધી રહ્યા છે. જયેશ રાદડિયા રાજકોટ જિલ્લા બેંક સહીત રાજકોટ જિલ્લાના માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં સતત સક્રિય જોવા મળે છે. જયેશ રાદડિયા પોતાના પિતાના પગલે રાજકારણમાં આવ્યા તેમ ન કહી શકાય પરંતુ ધારાસભ્ય બનવામાં તેમના પિતાના આશીર્વાદ ચોક્કસ ગણી શકાય છે 

જયેશ રાદડિયાની રાજકીય સફર 
જયેશ રાદડિયા વિદ્યાર્થી સંગઠનને જ રાજકારણનું પ્રથમ પગથિયું બનાવ્યું હતું વર્ષ 1998માં વડોદરા એમ એસ યુનિવર્સીટીમાં અભ્યાસ માટે ગયા અને તે જ વર્ષે એબીવીપીમાં જોડાયા. જો કે તેમના પિતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાએ સમયે ઓલ ઇન્ડિયા રાષ્ટ્રીય જનતા પાર્ટી માંથી ધોરાજી બેઠક પરથી ધારાસભ્ય ચૂંટાઈ આવ્યા હતા. વર્ષ 2000માં એમ એસ યુનિવર્સીટી માંથી ફેક્લટી જીએસ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. જયેશ રાદડિયાએ સક્રિય રાજકારણમાં વર્ષ 2007માં પહેલું ડગલું માંડ્યું. વર્ષ 2007ની વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે રાજકોટ-1 બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમણે હારનો સ્વાદ ચાખ્યો. ભાજપના ઉમેદવાર ગોવિંદભાઈ પટેલ  આ બેઠક જીત્યા હતા. ત્યાર બાદ 2009ની  લોક સભાની ચૂંટણીમાં વિઠ્ઠલભાઈ રાદડિયાનો વિજય થતા ધોરાજી વિધાનસભાની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે  જયેશ રાદડિયા ચૂંટણી લડ્યા અને ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 
નરેન્દ્ર મોદી સરકારમાં બન્યા મંત્રી 
વર્ષ 2012માં જેતપુર બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા અને ભાજપના નેતા ડૉ ભરત બોઘરાને હરાવી  ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. વર્ષ 2013માં કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ જેતપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે મેદાને ઉતર્યા અને ચૂંટાઈ આવ્યા. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકારમાં પ્રવાસન અને ઉડ્ડયન વિભાગમાં રાજ્ય કક્ષાના મંત્રી બન્યા. 2014માં આનંદીબેન પટેલની સરકારમાં પણ રાજ્યકક્ષાના ઉડ્ડયન ખાતું સોંપવામાં આવ્યું. વર્ષ 2016માં વિજયભાઈ રૂપાણીની સરકારમાં નાગરિક પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા. પોતાની રાજકીય કારકિર્દીમાં બેક લીધા વગર વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં જેતપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે લડ્યા અને ફરી ચૂંટાઈ આવ્યા હતા અને ફરી નાગરિક પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા. જોકે મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાં બાદ મંત્રી પદ્દ પરથી જયેશ રાદડિયાને પડતા મુકવામાં આવ્યા હતા. ત્યારે વર્ષ 2022ની ચૂંટણીમાં જેતપુર બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા.  

Recent Posts

આજનું રાશિફળ/16 માર્ચ 2025: આ રાશિના જાતકો માટે આજનો દિવસ લાવશે સારા સમાચાર, જાણો તમારું રાશી ભવિષ્ય

આજનું પંચાંગ/ 16 માર્ચ 2025: આજના દિવસે કઈ તિથિ અને કયા નક્ષત્ર રહશે? જાણો દિવસના શુભ અને અશુભ યોગ

અંક જ્યોતિષ/16 માર્ચ 2025 : જાણો આજે તમારો લકી નંબર કયો અને શુભ રંગ કયો રહેશે?

ગુજરાતી સાહિત્યના મેઘાવી સર્જક રજનીકુમાર પંડ્યાનું નિધન, સાહિત્ય જગતમાં મોટી ખોટ

ટ્રમ્પે હુતી બળવાખોરો પર હુમલાનો આદેશ આપ્યો, ઈરાનને નવી ચેતવણી આપી

ટ્રમ્પે છ મહિના માટે સરકારને ભંડોળ પૂરું પાડવાના બિલ પર હસ્તાક્ષર કર્યા, શટડાઉનનો ખતરો ટળ્યો

સોનાનો ભાવ પહેલી વાર $3000 ને પાર, 75 દિવસમાં 14% ભાવ વધ્યા

મૌગંજમાં બે પક્ષો વચ્ચેનો વિવાદ ઊગ્ર બન્યો, હુમલામાં ASI રામચરણ ગૌતમનું દુ:ખદ મૃત્યુ

અમદાવાદમાં અસામાજિક તત્વોના આતંકની ઘટના બાદ તંત્રએ આરોપીઓના 'ગેરકાયદેસર' ઘરો પર ફેરવ્યું બુલડોઝર

અંજાર: તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકો ડૂબ્યા, 4ના મોત, એકની શોધખોળ યથાવત