ભાવેશસિંહ રાજપુત, અમદાવાદ/ અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ મલિક દ્વારા રાણીપ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર બી.ડી ગોહિલને 3 સપ્ટેમ્બરના રોજ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેના કારણે શહેર પોલીસમાં ચર્ચાનો વિષય બન્યો છે. સામાન્ય રીતે કોઈ પણ વિસ્તારમાં મોટું જુગારધામ પકડાય અથવા તો સ્ટેટ એજન્સીના દરોડામાં સ્થાનિક પીઆઈની બેદરકારી છતી થાય તેવા કિસ્સામાં પીઆઈને બદલી અથવા તો સસ્પેન્ડ કરવામાં આવે છે જોકે રાણીપ પીઆઈના કિસ્સામાં અલગ બાબત સામે આવી છે.
શું હતો મામલો...
રાણીપ પોલીસ સ્ટેશનમાં 05/10/22 થી બી.ડી ગોહિલ પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. પીઆઈ તરીકે પોલીસ સ્ટેશનમાં મળતી ફરિયાદ કે અરજીઓનો સમય મર્યાદામાં યોગ્ય કાર્યવાહી કરીને નિકાલ કરવાની જવાબદારી તેઓની હતી. વસ્ત્રાપુરમાં રહેતા કમલભાઈ સેવકાણી નામનાં વેપારીએ રાણીપમાં ફરિયાદ નોંધાવી હતી. ત્રિલોકનાથ સોસાયટી રાણીપ ખાતે આવેલી તેઓની ભારત મહિલા ગ્રાહક સહ ભંજાર નામની સરકારી રાશનની દુકાન છે. જે દુકાન અંગે દુકાન માલિક અને આરોપી સામે દિવાની દાવા નામદાર કોર્ટમાં ચાલતા હોવા છતાં આરોપીએ દુકાનનું તાળું તોડી દુકાનમાંથી લેપટોપ, 90 હજારનું અનાજ અને અન્ય 50 હજારનો સામાન મળીને 1.60 લાખની ચોરી કરી અને સરકારી અનાજ અન્ય જગ્યાએ ખસેડી દુકાન તોડીને ફરિયાદીનું 8 લાખનું નુકસાન કર્યું હતું. જે અંગે રાણીપ પોલીસ સ્ટેશનમાં 8 જુલાઈ 2024ના રોજ ફરિયાદ દાખલ કરાઈ હતી.
ફરિયાદીએ દહેશતની કરી હતી રજુઆત
ફરિયાદી કમલભાઈ સેવકાણીએ રાણીપ પોલીસ સ્ટેશનમાં એ પહેલા 13 જૂન 2024, 21 જૂન 2024 અને 24 જૂન 2024ના રોજ કુલ 3 અરજીઓ કરી હતી. જેમાં દુકાનો પર બે સિવીલ દાવા ચાલતા હોય દુકાનોનો નુકસાન થઈ શકે તેવી દહેશત અરજીમાં દર્શાવી હતી, તેમજ આરોપીઓ દુકાન તોડી પાડશે અને સરકારી અનાજના જથ્થાને મોટુ નુકસાન પહોંચાડી ચોરી કરશે તેવી રજુઆત કરી હતી. 24 જૂનના રોજ કરેલી અરજીમાં પાંસલ અશોકભાઈ દલપતસિં તેમજ તેના માણસોથી ફરિયાદીને જાનમાલનું રક્ષણ કરી, દુકાનો તોડી ના દે તે માટે યોગ્ય પગલા લઈ સરકારે ગરીબો માટે રાખેલા અનાજનું રક્ષણ મેળવવા વિનંતી કરી હતી. પરંતુ પીઆઈ બી.ડી ગોહિલે અરજીની ગંભીરતા ધ્યાને ન લઈ કાર્યવાહી ન કરી હોવાથી આરોપીઓ દ્વારા ફરિયાદીની દુકાનો જમીનદોસ્ત કરવામાં આવી હતી. જેથી સીધી રીતે રાણીપ પીઆઈની ગંભીર બેદરકારી છતી થઈ હતી.
કંટ્રોલરૂમ ખાતે જઈને કરાઈ રજુઆત
આ મામલે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ફરિયાદીની 3 અરજીઓ બાબતે કોઈ પણ પગલાં ન લેવાતા આ બનાવ બન્યો હતો. વધુ તપાસમાં સામે આવ્યું કે 6 જૂનના રોજ રાત્રી દરમિયાન બનાવ બન્યો હતો, જેમાં કંટ્રોલ મેસેજ ફરિયાદીએ કર્યો હતો જે અંગે કોઈ કાર્યવાહી ન થતા તેણે પોલીસ કંટ્રોલ રૂમ ખાતે રૂબરૂ જઈ રજુઆત કરી હતી. પરંતુ કંટ્રોલ મેસેજ અંગેની પોલીસ દ્વારા કરાયેલી કાર્યવાહીની જાણ પીઆઈએ કંટ્રોલરૂમને કરી ન હતી.
પોલીસ તપાસમાં થયા અનેક ઘટસ્ફોટ
7 જુલાઈના રોજ સવારે બનાવ બન્યો હોવાની જાણ કરી હોવા છતાં પોલીસ દ્વારા 8 જુલાઈએ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ગુનાના મુખ્ય આરોપીની ધરપકડ માટે પુરતા પ્રયત્નો પણ કરવામાં આવ્યા ન હોવાનું તપાસમાં ફલીત થયું હતું.
ગુનામા ન્યાયીક પ્રક્રિયા ન કરાવાના કારણે આરોપીની જામીન મુક્ત કરવામાં આવ્યો હતો.
આરોપીની ઓળખ મેળવવામાં અને ચોરીમાં ગયેલા લેપટોપ સહિતના મુદ્દામાલ રીકવર કરવા આરોપીની રિમાન્ડ અંગે પણ કોઈ કાર્યવાહી કરાઈ ન હતી.
ગુનામાં વપરાયેલા જેસીબી કબ્જે ન કર્યું
ગુનાનાં મુખ્ય આરોપીએ જેસીબી મારફતે દુકાનો તોડી પાડી હતી, આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની ઓળક મેળવવા માટે પુરતા પ્રયત્નો કરવામાં આવ્યા ન હતા તેમજ ગુનામાં વપરાયેલા જેસીબી કબ્જે કરવામાં આવ્યું ન હતું.
પીઆઈએ સ્થળ મુલાકાત જ ન કરી
મિલ્કતનો કબ્જો ખાલી કરવા અંગે આરોપી અને ફરિયાદી વચ્ચે સીવીલ કોર્ટમાં દિવાની દાવા ચાલતા હોવા છતાં ગેરકાયદેસર રીતે જેસીબીથી ફરિયાદીના કબ્જાની બંને દુકાન પાડી દુકાનમાં રહેવા સામાનની ચોરી કરી હોવાનો ગંભીર ગુનો હોવા છતાં પીઆઈ બી.ડી ગોહિલ સુપરવિઝન અધિકારી તરીકે સ્થળ મુલાકાત કરી ન હતી.
યોગ્ય કલમ નોંધવામાં ન આવી
ફરિયાદીની દુકાનો બાબતે દિવાની દાવા ચાલતા હોય પૂર્વ આયોજીત કાવતરાના ભાગરૂપે ફરિયાદીની જાણ બહાર ગેરકાયદેસર રીતે દુકાનો તોડી પાડી દુકાનમાં રહેલા સામાનની ચોરી કરી હોવા છતાં ભારતીય ન્યાય સંહિતાની 2023 ની કલમ 61(2) નોંધવામાં આવી ન હતી.
બેદરકારી છતી થતા કાર્યવાહી
પોલીસ ઈન્સ્પેક્ટર બી.ડી ગોહિલે ફરજમાં ગંભીર પ્રકારની બેદરકારી દાખવી હોવાનું તપાસમા સામે આવતા ખાતાકીય તપાસ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે.